Jaipur Road Accident: રાજસ્થાનની રાજધાની જયપુરમાંથી એક અત્યંત દુઃખદ અને હૃદયદ્રાવક અકસ્માતની ઘટના સામે આવી છે. શહેરના શ્યામ નગર વિસ્તારમાં આવેલા 200 ફૂટ બાયપાસ માર્ગ પર મંગળવારે સવારે પૂરપાટ ઝડપે દોડી રહેલી એક ટ્રક કાળ બનીને ત્રાટકી હતી. આ અકસ્માતમાં ફૂગ્ગા વેચીને જીવનનિર્વાહ કરતા એક જ પરિવારના ત્રણ નિર્દોષ બાળકોના મોત નીપજ્યા છે, જ્યારે અન્ય બે લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હોવાનું સામે આવ્યું છે. આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાવી દીધી છે. અકસ્માત એટલો ભયાનક હતો કે ઘટનાસ્થળે જ ચીસો અને અરેરાટી મચી ગઈ હતી. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ, ટ્રકની ઝડપ ખૂબ જ વધુ હતી અને ચાલકે વાહન પરનો કાબૂ ગુમાવતા આ દુર્ઘટના સર્જાઈ હતી.
બેકાબૂ ટ્રકે રેલિંગ તોડી બાળકોને કચડ્યા
પ્રાથમિક માહિતી અનુસાર, ટ્રક અત્યંત ઝડપે આવી રહી હતી અને અચાનક ચાલકે નિયંત્રણ ગુમાવતા વાહન રસ્તાની બાજુએ પહોંચી ગયું હતું. ટ્રકે પહેલા લોખંડની સુરક્ષા રેલિંગ તોડી નાખી અને ત્યારબાદ નાળા નજીક ઉભેલા બાળકોને અડફેટે લીધા હતા. મૃતક બાળકો રસ્તા કિનારે ફૂગ્ગા વેચીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા. અકસ્માત એટલો ગંભીર હતો કે ત્રણેય બાળકોને બચાવવાનો કોઈ મોકો મળ્યો નહોતો અને તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. માહિતી મુજબ ત્રણેય મૃતક બાળકો એક જ પરિવારના હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટનાએ માત્ર પરિવાર જ નહીં પરંતુ સમગ્ર વિસ્તારને આઘાતમાં મૂકી દીધો છે. એક જ પરિવારના ત્રણ બાળકોના એકસાથે મોતથી તેમના સ્વજનો પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે.
બે લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત
આ અકસ્માતમાં અન્ય બે લોકો પણ ગંભીર રીતે ઘાયલ થયા છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ, એમ્બ્યુલન્સ અને રાહત ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. સ્થાનિક લોકોની મદદથી બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. ઈજાગ્રસ્તોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. ડોક્ટરોના જણાવ્યા મુજબ બંનેની સ્થિતિ ગંભીર હોવાનું કહેવાઈ રહ્યું છે.
ઘટનાસ્થળે અફરાતફરી, ટ્રાફિક વ્યવહાર પ્રભાવિત
અકસ્માત બાદ સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. બાયપાસ માર્ગ પર વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી અને થોડા સમય માટે ટ્રાફિક વ્યવસ્થા સંપૂર્ણપણે ખોરવાઈ ગઈ હતી. પોલીસે ક્રેનની મદદથી અકસ્માતગ્રસ્ત ટ્રકને સ્થળ પરથી હટાવી હતી અને ત્યારબાદ ટ્રાફિક ફરી શરૂ કરાવવામાં આવ્યો હતો. ઘટનાસ્થળે મોટી સંખ્યામાં લોકો એકત્ર થઈ ગયા હતા, જેના કારણે સ્થિતિ વધુ ગંભીર બની હતી.
પોલીસ તપાસમાં જોતરાઈ
શ્યામ નગર પોલીસ સ્ટેશનની ટીમે ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે. પોલીસ હાલ અકસ્માતના ચોક્કસ કારણો શોધવાનો પ્રયાસ કરી રહી છે. ટ્રક ચાલકની બેદરકારી અને ઓવરસ્પીડિંગને અકસ્માતનું મુખ્ય કારણ માનવામાં આવી રહ્યું છે. પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, ટ્રક ચાલકે કયા સંજોગોમાં વાહન પરનો કાબૂ ગુમાવ્યો તેની વિગતવાર તપાસ કરવામાં આવી રહી છે. મૃતકોની ઓળખ અને અન્ય જરૂરી કાનૂની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે.
જયપુરમાં વધતા અકસ્માતો ચિંતાનો વિષય
જયપુરમાં છેલ્લા કેટલાક સમયથી ગંભીર અકસ્માતોની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે. થોડા દિવસો અગાઉ પણ એક હોટલમાં ગટર સંબંધિત દીવાલ ધરાશાયી થતાં ત્રણ મજૂરોના મોત થયા હતા અને અનેક લોકો ઘાયલ થયા હતા. વારંવાર બની રહેલી આવી ઘટનાઓ માર્ગ સુરક્ષા અને ભારે વાહનોની દેખરેખ અંગે પ્રશ્નો ઊભા કરી રહી છે. સ્થાનિક લોકો અને સામાજિક સંસ્થાઓ દ્વારા ઓવરસ્પીડિંગ સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે. આ અકસ્માત ફરી એકવાર યાદ અપાવે છે કે, માર્ગ સુરક્ષા નિયમોનું પાલન અને વાહનચાલકોની જવાબદારી કેટલીઘણી મહત્વપૂર્ણ છે. કારણ કે એક ક્ષણની બેદરકારી અનેક પરિવારોનું જીવન સદાકાળ માટે બદલી શકે છે.





