Home National Amarnath Shivling Melts Within 5 Days Yatra Continues Gujarati News

ભક્તો માટે ચોંકાવનારા સમાચાર! : અમરનાથ યાત્રાના માત્ર 5 દિવસમાં જ પીગળી ગયું હિમ શિવલિંગ, 3 લાખથી વધુ યાત્રાળુઓને હજી દર્શન કરવાના બાકી

Amarnath Shivling Melts
Image Credit: twitter
Published by: Nirali Gohil
Last Updated: Jul 07, 2026, 06:28 AM IST

Amarnath Shivling Melts: જમ્મુ-કાશ્મીરની પવિત્ર અમરનાથ યાત્રા દરમિયાન એક મહત્વપૂર્ણ અને ચિંતાજનક ઘટના સામે આવી છે. આ વર્ષે યાત્રા શરૂ થયાના માત્ર પાંચ દિવસમાં જ અમરનાથ ગુફામાં કુદરતી રીતે રચાતું પવિત્ર હિમ શિવલિંગ લગભગ સંપૂર્ણપણે પીગળી ગયું છે. તેમ છતાં શ્રદ્ધાળુઓની આસ્થામાં કોઈ ઘટાડો જોવા મળ્યો નથી અને પ્રશાસને સ્પષ્ટ કર્યું છે કે યાત્રા નિર્ધારિત સમયપત્રક મુજબ જ ચાલુ રહેશે. 3 જુલાઈથી શરૂ થયેલી 57 દિવસીય અમરનાથ યાત્રા 28 ઓગસ્ટ સુધી ચાલવાની છે. અત્યાર સુધીમાં હજારો ભક્તોએ પવિત્ર ગુફામાં દર્શન કર્યા છે, જ્યારે હજુ પણ ત્રણ લાખથી વધુ નોંધાયેલા યાત્રાળુઓ આગામી દિવસોમાં દર્શન માટે પહોંચવાના છે.

પાંચ દિવસમાં જ ઓગળી ગયું હિમ શિવલિંગ

અમરનાથ ગુફામાં રચાતું હિમ શિવલિંગ ભગવાન શિવના સ્વરૂપ તરીકે માનવામાં આવે છે અને દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ તેના દર્શન કરવા પહોંચે છે. પરંતુ આ વર્ષે વધતા તાપમાન અને બદલાતી હવામાન પરિસ્થિતિના કારણે શિવલિંગના કદમાં ઝડપથી ઘટાડો થયો છે. બોર્ડર સિક્યોરિટી ફોર્સ (BSF) દ્વારા 23 મેના રોજ જાહેર કરવામાં આવેલી તસવીરોમાં હિમ શિવલિંગની ઊંચાઈ આશરે સાત ફૂટ હોવાનું જોવા મળ્યું હતું. જોકે છેલ્લા કેટલાક અઠવાડિયાથી તાપમાનમાં વધારો થતાં બરફનું આ કુદરતી સ્વરૂપ સતત પીગળતું રહ્યું અને હવે તે લગભગ સંપૂર્ણપણે ઓગળી ગયું હોવાનું અધિકારીઓએ જણાવ્યું છે.

આ પણ વાંચો: અમરનાથ યાત્રા દરમિયાન આ 5 સુંદર સ્થળોની જરૂર મુલાકાત લો : બાબા બરફાનીના દર્શન સાથે કુદરતનો અદભૂત નજારો માણો

યાત્રા પર કોઈ અસર નહીં, દર્શન યથાવત રહેશે

હિમ શિવલિંગ ઓગળી જવા છતાં અમરનાથ યાત્રાના કાર્યક્રમમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. પ્રશાસનના જણાવ્યા અનુસાર યાત્રા અગાઉની જેમ જ ચાલુ રહેશે અને ભક્તોને પવિત્ર ગુફાના દર્શન કરવાની મંજૂરી આપવામાં આવશે. યાત્રાના પ્રથમ ચાર દિવસમાં અંદાજે 86 હજારથી વધુ ભક્તોએ દર્શન કર્યા હતા. પાંચમા દિવસે આ સંખ્યા એક લાખને પાર પહોંચે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ વર્ષે લગભગ ચાર લાખ યાત્રાળુઓએ નોંધણી કરાવી છે, એટલે કે હજુ પણ ત્રણ લાખથી વધુ ભક્તો આગામી દિવસોમાં અમરનાથ પહોંચવાના છે.

અમરનાથ હિમ શિવલિંગ કેવી રીતે બને છે?

અમરનાથનું હિમ શિવલિંગ માનવસર્જિત નથી, પરંતુ કુદરતી પ્રક્રિયા દ્વારા રચાય છે. શિયાળા અને વસંત ઋતુ દરમિયાન ગુફાની છતમાંથી ટપકતા પાણીના ટીપાં સતત જામી જાય છે અને બરફના પડ પર પડ ચડતા એક વિશાળ બરફના સ્તંભનું નિર્માણ થાય છે. ચૂનાના પથ્થરની ગુફાઓમાં સ્ટેલેગ્માઇટ રચાય છે તે જ રીતે અમરનાથમાં બરફનું શિવલિંગ કુદરતી રીતે વિકસે છે. દર વર્ષે તેનું કદ અલગ-અલગ રહે છે, જે હવામાન, તાપમાન અને પાણીની ઉપલબ્ધતા પર આધારિત હોય છે.

શું ફરી બની શકે છે હિમ શિવલિંગ?

વિશેષજ્ઞોનું માનવું છે કે હાલની પરિસ્થિતિમાં યાત્રા દરમિયાન ફરીથી હિમ શિવલિંગ રચાવાની શક્યતા અત્યંત ઓછી છે. તે માટે વિસ્તારમાં ફરી હિમવર્ષા થવી અથવા લાંબા સમય સુધી તાપમાન શૂન્ય ડિગ્રીથી નીચે રહેવું જરૂરી બને છે. હાલના હવામાનને જોતા નજીકના સમયમાં આવી પરિસ્થિતિ સર્જાવાની સંભાવના ખૂબ જ ઓછી હોવાનું માનવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચો: અમરનાથ યાત્રાએ જતાં પહેલાં આટલું જરૂર વાંચો! : આ સમય બાદ રૂટ પર નહીં મળી પ્રવેશ, પોલીસે જાહેર કર્યા નવા રૂટ અને નિયમો

બે માર્ગોથી થાય છે અમરનાથ યાત્રા

અમરનાથ યાત્રા બે મુખ્ય માર્ગો દ્વારા યોજાય છે. પરંપરાગત પહલગામ માર્ગ લગભગ 48 કિલોમીટર લાંબો છે, જે લાંબો હોવા છતાં તુલનાત્મક રીતે ઓછો ઊભો છે. બીજી તરફ ગંદરબલ જિલ્લાના બાલટાલ માર્ગની લંબાઈ માત્ર 14 કિલોમીટર છે, પરંતુ આ માર્ગ વધુ પડકારજનક અને ઊભો માનવામાં આવે છે. ઘણા યાત્રાળુઓ સમય બચાવવા માટે આ માર્ગ પસંદ કરે છે. હિમ શિવલિંગના ઓગળી જવાના સમાચાર વચ્ચે પણ ભક્તોની આસ્થામાં કોઈ ઘટાડો જોવા મળતો નથી. શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં યાત્રા કરી રહ્યા છે અને પ્રશાસન પણ સુરક્ષા તથા સુવિધાઓને ધ્યાનમાં રાખીને યાત્રાનું સંચાલન કરી રહ્યું છે. અધિકારીઓએ સ્પષ્ટ કર્યું છે કે, 28 ઓગસ્ટ સુધી અમરનાથ યાત્રા યથાવત ચાલુ રહેશે અને લાખો શ્રદ્ધાળુઓ ભગવાન ભોલેનાથના દર્શન માટે અમરનાથ ગુફા સુધી પહોંચતા રહેશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now