Home International America Airstrikes On Iran 80 Military Sites Trump Video Middle East Tension

8 સેકન્ડમાં 5 ભીષણ વિસ્ફોટ... : ટ્રમ્પે શેર કર્યો ઈરાનમાં તબાહીનો VIDEO

US Airstrike on Iran
Published by: Nirali Gohil
Last Updated: Jul 08, 2026, 04:40 AM IST

US Airstrike on Iran: અમેરિકા અને ઈરાન વચ્ચેનો લાંબા સમયથી ચાલતો તણાવ ફરી એકવાર ગંભીર વળાંક પર પહોંચી ગયો છે. અમેરિકન સેનાએ બુધવારે વહેલી સવારે ઈરાનના 80થી વધુ સૈન્ય ઠેકાણાં પર વ્યાપક હવાઈ હુમલા કર્યા હોવાનું જાહેર કર્યું છે. આ કાર્યવાહી બાદ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ Truth Social પર એક વીડિયો શેર કર્યો, જેમાં માત્ર આઠ સેકન્ડના સમયગાળામાં સતત પાંચ શક્તિશાળી વિસ્ફોટો જોવા મળે છે. જોકે ટ્રમ્પે વીડિયોની ચોક્કસ જગ્યા કે સમય અંગે કોઈ સત્તાવાર માહિતી આપી નથી.

આ હુમલાઓ પછી સમગ્ર મધ્ય પૂર્વમાં સુરક્ષા સ્થિતિ વધુ સંવેદનશીલ બની છે. અમેરિકા આ કાર્યવાહીને આંતરરાષ્ટ્રીય સમુદ્રી સુરક્ષા જાળવવા માટે જરૂરી ગણાવી રહ્યું છે, જ્યારે ઈરાને તેને યુદ્ધવિરામના ઉલ્લંઘન સમાન ખુલ્લો સૈન્ય હુમલો ગણાવી કડક પ્રતિસાદ આપવાની ચેતવણી આપી છે. આ ઘટનાક્રમથી સમગ્ર વિસ્તાર ફરી એકવાર સંભવિત સૈન્ય સંઘર્ષના ભય હેઠળ આવી ગયો છે.

વેપારી જહાજો પર હુમલાના જવાબમાં અમેરિકાની કાર્યવાહી

અમેરિકન સેન્ટ્રલ કમાન્ડ (CENTCOM)ના જણાવ્યા અનુસાર, તાજેતરની સૈન્ય કાર્યવાહી હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થઈ રહેલા ત્રણ વેપારી જહાજો પર થયેલા હુમલાના જવાબમાં કરવામાં આવી હતી. અમેરિકાનો આરોપ છે કે આ હુમલાઓ માટે ઈરાન જવાબદાર હતું અને તેનાથી આંતરરાષ્ટ્રીય સમુદ્રી વેપાર તેમજ અગાઉ થયેલા યુદ્ધવિરામ કરારનું ઉલ્લંઘન થયું હતું. CENTCOMએ જણાવ્યું કે, હવાઈ હુમલાઓ દરમિયાન ઈરાનના અનેક વ્યૂહાત્મક સૈન્ય ઠેકાણાઓને નિશાન બનાવવામાં આવ્યા હતા. તેમાં એર ડિફેન્સ સિસ્ટમ, કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર, દરિયાકાંઠાના રડાર સ્ટેશન, એન્ટી-શિપ મિસાઇલ સાઇટ્સ તેમજ ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC)ની 60થી વધુ સ્પીડ બોટ્સનો સમાવેશ થાય છે. અમેરિકન સેનાનું કહેવું છે કે આ કાર્યવાહીનો મુખ્ય હેતુ ઈરાનની સમુદ્રી હુમલા કરવાની ક્ષમતાને નબળી પાડવાનો હતો.

ટ્રમ્પે શેર કર્યો વિસ્ફોટોનો વીડિયો

હુમલાઓ પૂર્ણ થયા બાદ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક વીડિયો પોસ્ટ કર્યો હતો. વીડિયોમાં થોડા જ સેકન્ડમાં એક પછી એક પાંચ મોટા વિસ્ફોટો થતા જોવા મળે છે. જોકે ટ્રમ્પે આ વીડિયો ઈરાનના કયા વિસ્તારમાંનો છે અથવા ક્યારે રેકોર્ડ કરવામાં આવ્યો હતો તે અંગે કોઈ સ્પષ્ટતા કરી નથી. તેમ છતાં સોશિયલ મીડિયા પર આ વીડિયો ઝડપથી વાયરલ થયો છે અને તેને લઈને વિવિધ પ્રકારની ચર્ચાઓ શરૂ થઈ છે.

આ પણ વાંચો: મુસ્લિમ દેશમાં 1170 વર્ષ જૂનું ભવ્ય શિવ મંદિર! : PM મોદીએ કર્યા હતા દર્શન, જાણો ભારત સાથેનો ચોંકાવનારો સંબંધ

ઈરાનનો કડક વિરોધ, અમેરિકાને આપી જવાબી કાર્યવાહીની ચેતવણી

અમેરિકી હુમલાઓ બાદ ઈરાને આ કાર્યવાહીનો તીવ્ર વિરોધ નોંધાવ્યો છે. ઈરાનની સંસદના સ્પીકર મોહમ્મદ બાકેર કાલીબાફે અમેરિકાની કાર્યવાહીને "ખુલ્લો સૈન્ય આક્રમણ" ગણાવી છે. તેમના જણાવ્યા અનુસાર અમેરિકા દ્વારા અગાઉ થયેલા યુદ્ધવિરામ સમજૂતીનો ભંગ કરવામાં આવ્યો છે. ઈરાનના સંયુક્ત સૈન્ય મુખ્યાલય ખાતમ અલ-અનબિયાએ પણ નિવેદન જાહેર કરીને જણાવ્યું કે આ હુમલાનો "યોગ્ય અને કરારો જવાબ" આપવામાં આવશે. ઈરાનના આ નિવેદન બાદ સમગ્ર વિસ્તારમાં સુરક્ષા એજન્સીઓ વધુ સતર્ક બની ગઈ છે.

કુવૈત અને બહેરીનમાં પણ વધ્યો એલર્ટ

ઈરાનની ચેતવણી બાદ કુવૈતમાં ડ્રોન અને મિસાઇલ હુમલાના અહેવાલો સામે આવ્યા છે. કુવૈતી સેનાએ દાવો કર્યો છે કે સંભવિત હુમલામાં વપરાયેલા ડ્રોન અને મિસાઇલોને સમયસર તોડી પાડવામાં આવ્યા હતા. બીજી તરફ બહેરીનમાં પણ દેશવ્યાપી સાયરન વાગ્યાની માહિતી સામે આવી છે. બહેરીનના ગૃહ મંત્રાલયે નાગરિકોને શાંતિ જાળવવા અને જરૂરી હોય તો સુરક્ષિત સ્થળોએ જવા અપીલ કરી છે. નોંધનીય છે કે બહેરીનમાં અમેરિકાની નૌકાદળની પાંચમી ફ્લીટનું મુખ્ય મથક આવેલું છે, જેના કારણે આ વિસ્તારનું વ્યૂહાત્મક મહત્વ વધુ વધી જાય છે.

ઈરાનના અનેક વિસ્તારોમાં વિસ્ફોટોના અહેવાલ

ઈરાની મીડિયા મુજબ બંદર અબ્બાસ, કેશ્મ દ્વીપ, સીરિક સહિતના અનેક વિસ્તારોમાં જોરદાર વિસ્ફોટોના અવાજો સંભળાયા હતા. સોશિયલ મીડિયા પર પણ વિવિધ સ્થળોના વીડિયો સામે આવ્યા છે, જેમાં અનેક વિસ્તારોમાં થયેલા નુકસાન અને ધુમાડાના ગોટેગોટા જોવા મળે છે. અહેવાલો મુજબ, હોર્મુઝગાન પ્રાંત, જાસ્ક વિસ્તાર અને બંદર અબ્બાસ આસપાસના વિસ્તારોમાં પણ બોમ્બમારો કરવામાં આવ્યો હોવાની માહિતી સામે આવી રહી છે. જોકે આ તમામ દાવાઓ અંગે સ્વતંત્ર રીતે સંપૂર્ણ પુષ્ટિ થઈ નથી.

આ પણ વાંચો: લોરેન્સ બિશ્નોઈ ગેંગ પર અમેરિકાનો શિકંજો! : ઓપરેશન હાર્ડબોલ હેઠળ 24ની ધરપકડ, 37 લોકો સામે કેસ

હોર્મુઝ સ્ટ્રેટને લઈને ફરી ચિંતા

તાજેતરની સૈન્ય કાર્યવાહીથી અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા રાજદ્વારી પ્રયાસો પર પણ અસર પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. છેલ્લા કેટલાક અઠવાડિયાંથી બંને દેશો વચ્ચે તણાવ ઘટાડવાના પ્રયાસો થઈ રહ્યા હતા, પરંતુ નવા હુમલાઓ બાદ પરિસ્થિતિ ફરી ગંભીર બની ગઈ છે. વિશેષજ્ઞોનું માનવું છે કે, જો હાલની સ્થિતિ વધુ વણસશે તો વિશ્વના સૌથી મહત્વપૂર્ણ સમુદ્રી વેપાર માર્ગોમાંના એક એવા હોર્મુઝ સ્ટ્રેટમાં અવરજવર ફરી ખોરવાઈ શકે છે. તેનાથી વૈશ્વિક તેલ પુરવઠા, ઊર્જા બજાર અને આંતરરાષ્ટ્રીય વેપાર પર વ્યાપક અસર પડી શકે છે. આગામી દિવસોમાં અમેરિકા અને ઈરાન તરફથી લેવામાં આવતા નિર્ણયો સમગ્ર મધ્ય પૂર્વની સુરક્ષા અને વૈશ્વિક રાજકીય સમીકરણો માટે મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now