Strait of Hormuz LNG Tanker Attack: મધ્ય પૂર્વમાં વધતા તણાવ વચ્ચે વિશ્વના સૌથી મહત્વપૂર્ણ સમુદ્રી વેપાર માર્ગોમાંના એક એવા સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં સુરક્ષા પર ફરી ગંભીર સવાલો ઊભા થયા છે. છેલ્લા કેટલાક દિવસોથી આ વિસ્તારમાં વેપારી જહાજો પર હુમલાની ઘટનાઓમાં વધારો જોવા મળી રહ્યો છે. આ દરમિયાન ભારત માટે રાહતરૂપ એલએનજી (LNG) લઈને આવી રહેલા કતારના વિશાળ ગેસ ટેન્કર પર પણ શંકાસ્પદ ડ્રોન દ્વારા હુમલો કરવામાં આવ્યો હોવાની માહિતી સામે આવી છે. આ હુમલો એવા સમયે થયો છે, જ્યારે વૈશ્વિક સ્તરે પશ્ચિમ એશિયામાં વધી રહેલા તણાવને કારણે આંતરરાષ્ટ્રીય વેપાર અને ઊર્જા પુરવઠા પર અસર થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ભારત સહિત અનેક દેશો માટે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ અત્યંત મહત્વનો સમુદ્રી માર્ગ છે, કારણ કે આ માર્ગ મારફતે જ મોટી માત્રામાં કાચું તેલ અને લિક્વિફાઇડ નેચરલ ગેસ (LNG)ની આયાત થાય છે.
દહેજ બંદર તરફ આવી રહ્યું હતું LNG ટેન્કર
પ્રાપ્ત માહિતી અનુસાર, LNGC અલ રેકય્યાત (Al Rekayyat) નામનું વિશાળ LNG કેરિયર કતારના રાસ લફ્ફાન બંદરથી ગુજરાતના દહેજ બંદર તરફ આવી રહ્યું હતું. જહાજ સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી પસાર થઈ રહ્યું હતું ત્યારે તેના પર શંકાસ્પદ ડ્રોન દ્વારા હુમલો કરવામાં આવ્યો હોવાનું જણાવાયું છે. હુમલા બાદ જહાજના એન્જિન રૂમમાં આગ ફાટી નીકળી હતી. આગને કારણે એન્જિન વિભાગમાંથી ભારે ધુમાડાના ગોટેગોટા નીકળ્યા હતા. પ્રાથમિક અહેવાલ મુજબ હુમલામાં જહાજને નુકસાન પહોંચ્યું છે, જોકે સ્થિતિ ઝડપથી કાબૂમાં લેવામાં આવી હતી.
આ પણ વાંચો: 8 સેકન્ડમાં 5 ભીષણ વિસ્ફોટ... : ટ્રમ્પે શેર કર્યો ઈરાનમાં તબાહીનો VIDEO
કોઈ જાનહાનિ નહીં, તમામ ક્રૂ સભ્યો સુરક્ષિત
રાહતની વાત એ છે કે, આ હુમલામાં કોઈ જાનહાનિ થઈ નથી. જહાજ પર સવાર તમામ 29 ક્રૂ સભ્યો સુરક્ષિત હોવાનું સરકારી સૂત્રોએ જણાવ્યું છે. આ ક્રૂમાં ચાર ભારતીય નાવિકો પણ સામેલ છે. સરકારી માહિતી અનુસાર, 7 જુલાઈના રોજ અરબી સમુદ્ર અને ઓમાનની ખાડીના સંગમ વિસ્તાર નજીક ટ્રાન્ઝિટ દરમિયાન આ હુમલો થયો હતો. ઘટનાની જાણ સંબંધિત અધિકારીઓને કરવામાં આવી હતી. હુમલા છતાં જહાજે પોતાની મુસાફરી ચાલુ રાખી છે અને તે ગુજરાતના દહેજ બંદર તરફ આગળ વધી રહ્યું છે.
થોડા કલાકોમાં વેપારી જહાજો પર ત્રીજો હુમલો
આ ઘટના પહેલા પણ થોડા કલાકોમાં બે અન્ય તેલ ટેન્કરો પર હુમલાના અહેવાલો સામે આવ્યા હતા. એટલે કે, એક જ દિવસમાં વેપારી જહાજોને નિશાન બનાવવાની આ ત્રીજી ઘટના હોવાનું માનવામાં આવી રહ્યું છે. જેના કારણે આંતરરાષ્ટ્રીય શિપિંગ કંપનીઓ અને ઊર્જા બજારોમાં ચિંતા વધી ગઈ છે. યુનાઇટેડ કિંગડમ મેરિટાઇમ ટ્રેડ ઓપરેશન્સ (UKMTO)એ પણ ઘટનાની પુષ્ટિ કરી છે. એજન્સીના જણાવ્યા મુજબ, અજ્ઞાત ડ્રોન અથવા પ્રોજેક્ટાઇલ જહાજની ડાબી બાજુ અથડાયું હતું. હુમલો ઓમાનના દરિયાકાંઠા નજીક થયો હતો, જ્યારે જહાજ સ્ટ્રેટ ઓફ હોર્મુઝ છોડીને ઓમાનની ખાડીમાં પ્રવેશી રહ્યું હતું.
ભારત માટે કેમ મહત્વનો છે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ?
સ્ટ્રેટ ઓફ હોર્મુઝ વિશ્વના સૌથી વ્યસ્ત ઊર્જા વેપાર માર્ગોમાંનો એક છે. વૈશ્વિક સ્તરે નિકાસ થતું કાચું તેલ અને LNGનો મોટો હિસ્સો આ જ માર્ગ મારફતે પસાર થાય છે. ભારત પોતાની ઊર્જા જરૂરિયાતો માટે કતાર અને ખાડીના અન્ય દેશો પાસેથી મોટી માત્રામાં LNG અને કાચા તેલની આયાત કરે છે. તેથી આ વિસ્તારમાં થતી કોઈપણ સુરક્ષા ઘટના ભારતના ઊર્જા પુરવઠા અને શિપિંગ ખર્ચ પર સીધી અસર કરી શકે છે.
આ પણ વાંચો: મુસ્લિમ દેશમાં 1170 વર્ષ જૂનું ભવ્ય શિવ મંદિર! : PM મોદીએ કર્યા હતા દર્શન, જાણો ભારત સાથેનો ચોંકાવનારો સંબંધ
વિશ્લેષકોનું માનવું છે કે, જો આવા હુમલાઓમાં વધારો થશે તો વૈશ્વિક ઊર્જા બજારમાં અનિશ્ચિતતા વધી શકે છે, શિપિંગ ઇન્સ્યોરન્સ ખર્ચમાં વધારો થઈ શકે છે અને તેલ-ગેસના ભાવ પર પણ તેની અસર જોવા મળી શકે છે. હાલ માટે સૌથી મોટી રાહત એ છે કે, હુમલાનો ભોગ બનેલું LNG ટેન્કર પોતાની સફર ચાલુ રાખવામાં સફળ રહ્યું છે અને તમામ ક્રૂ સભ્યો સુરક્ષિત છે. જોકે સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં વધી રહેલા હુમલાઓએ ફરી એકવાર વૈશ્વિક સમુદ્રી સુરક્ષા અને ઊર્જા પુરવઠાને લઈને ગંભીર ચિંતા ઊભી કરી છે.





