Trump: યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર વિવાદાસ્પદ અને આક્રમક નિવેદન આપીને આંતરરાષ્ટ્રીય સમુદાયને ચોંકાવી દીધો છે. ફ્લોરિડાના પામ બીચમાં ફોરમ ક્લબમાં યોજાયેલા કાર્યક્રમ દરમિયાન ટ્રમ્પે કહ્યું કે અમેરિકા ખૂબ જ ટૂંક સમયમાં ક્યુબા પર "કબજો" કરવા જઈ રહ્યું છે. ભૂતપૂર્વ કોંગ્રેસમેન ડેન મીકાનો ઉલ્લેખ કરતાં ટ્રમ્પે જણાવ્યું, "ડેન મૂળ ક્યુબાના છે, જેના પર અમે લગભગ તરત જ કબજો કરવાના છીએ." તેમણે ક્યુબાની વર્તમાન મુશ્કેલીઓનો ઉલ્લેખ કરતાં કહ્યું, "ક્યુબામાં સમસ્યાઓ છે, પરંતુ અમે પહેલા એક કામ પૂરું કરીશું. મને કામ પૂરાં કરવાં ગમે છે."
"જહાજ જોઈને જ શરણાગતિ સ્વીકારશે"
ટ્રમ્પે કાલ્પનિક લશ્કરી કાર્યવાહીનું વર્ણન કરતાં કહ્યું, "ઈરાનથી પાછા ફરતી વખતે અમારી પાસે વિશ્વનું સૌથી મોટું વિમાનવાહક જહાજ યુએસએસ અબ્રાહમ લિંકન હશે. અમે તેને ક્યુબાના કિનારે માત્ર 100 યાર્ડ દૂર લંગર કરીશું. તેઓ તેને જોશે અને કહેશે, 'ખૂબ ખૂબ આભાર, અમે શરણાગતિ સ્વીકારીએ છીએ."
આ પણ વાંચો: યુદ્ધમાં અમેરિકાને ભારે સૈન્ય નુકસાન : વિમાનોથી લઈને બેઝ સુધી અસર
ક્યુબા પર નવા સખત પ્રતિબંધો
આ નિવેદનના એક જ દિવસ પહેલા, 1 મે 2026ના રોજ ટ્રમ્પ વહીવટીતંત્રે ક્યુબા સામે નવા સખત આર્થિક પ્રતિબંધો જાહેર કર્યા હતા. આ પ્રતિબંધો સામ્યવાદી શાસન સાથે જોડાયેલા અનેક વ્યક્તિઓ અને વિદેશી બેંકોને નિશાન બનાવે છે. રાજકીય વર્તુળોમાં આ નિવેદનને મજાક તરીકે જોવામાં આવી રહ્યું છે કે પછી તે ભવિષ્યની વ્યૂહરચનાનો સંકેત છે. વ્હાઇટ હાઉસ તરફથી હજુ સુધી વધુ સ્પષ્ટતા આપવામાં આવી નથી.આ ઘટનાએ વિશ્વના રાજકારણમાં નવી ચર્ચાઓને જન્મ આપ્યો છે અને ક્યુબા-અમેરિકા સંબંધોમાં તનાવ વધાર્યો છે.





