અમેરિકા અને ઈરાન વચ્ચે 2026માં શરૂ થયેલા સૈન્ય સંઘર્ષે માત્ર મધ્યપૂર્વ જ નહીં પરંતુ વૈશ્વિક રાજકીય અને આર્થિક પરિસ્થિતિને પણ અસર કરી છે. આ યુદ્ધ દરમિયાન અમેરિકા પોતાની અદ્યતન સૈન્ય શક્તિ હોવા છતાં નોંધપાત્ર નુકસાન ભોગવી રહ્યું છે. તાજેતરના અહેવાલો મુજબ, અમેરિકાએ આ સંઘર્ષમાં માત્ર આર્થિક નહીં પરંતુ ટેકનિકલ અને માનવીય સ્તરે પણ ભારે નુકસાન સહન કર્યું છે. CSIS થિંક ટેન્ક અનુસાર, ઈરાનના મિસાઈલ અને ડ્રોન હુમલાઓ અને ફ્રેન્ડલી ફાયરિંગથી યુએસ લશ્કરી સાધનોને 23,700 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. ઈરાનની મિસાઈલો, ડ્રોન અને કમનસીબ 'ફ્રેન્ડલી ફાયર'ના કારણે યુએસ લશ્કરી સાધનોને $2.3 બિલિયનથી $2.8 બિલિયન (આશરે રૂ. 19,400 કરોડથી રૂ. 23,70...)નું નુકસાન થયું.
વિશેષ કરીને એરપાવર અને સૈન્ય બેઝ પર થયેલા હુમલાઓએ અમેરિકાની ઓપરેશનલ ક્ષમતાને અસર કરી છે. વિવિધ મીડિયા અહેવાલો અને સત્તાવાર નિવેદનો વચ્ચે કેટલાક મુદ્દાઓ પર વિવાદ પણ જોવા મળી રહ્યો છે, જે આ યુદ્ધની વાસ્તવિક અસર અંગે પ્રશ્નો ઉભા કરે છે.
વિમાનો અને ડ્રોનને મોટું નુકસાન
અમેરિકા અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 16 સૈન્ય વિમાનો ગુમાવી ચૂક્યું છે, જેમાં 12 MQ-9 Reaper ડ્રોન અને 4 અન્ય એરક્રાફ્ટનો સમાવેશ થાય છે. આ ડ્રોન લાંબા સમય સુધી હવામાં રહી શકે છે અને ચોક્કસ નિશાન પર હુમલો કરવા માટે ઉપયોગી ગણાય છે, એટલે તેમનું નુકસાન મહત્વપૂર્ણ ગણાય છે.
તે ઉપરાંત, F-15 અને F-35 જેવા આધુનિક ફાઇટર જેટ્સને પણ નુકસાન પહોંચ્યું હોવાનું જણાવવામાં આવે છે. કેટલાક કિસ્સામાં ‘ફ્રેન્ડલી ફાયર’ એટલે કે સહયોગી દેશોની ભૂલને કારણે પણ નુકસાન થયું હોવાનું કહેવામાં આવ્યું છે. એક KC-135 રિફ્યુઅલિંગ એરક્રાફ્ટના ક્રેશમાં 6 સૈનિકોના મોત થયા હતા, જે અમેરિકાની હવાઈ કામગીરી માટે મહત્વપૂર્ણ સિસ્ટમ ગણાય છે.
સૈન્ય બેઝ અને ડિફેન્સ સિસ્ટમ્સને અસર
ઈરાનના મિસાઈલ અને ડ્રોન હુમલાઓએ મધ્યપૂર્વમાં આવેલા અમેરિકાના અનેક સૈન્ય બેઝને નિશાન બનાવ્યા છે. અહેવાલો મુજબ, ઓછામાં ઓછા 17 સૈન્ય સ્થાનોને વિવિધ સ્તરે નુકસાન થયું છે. ખાસ કરીને કતાર સ્થિત અલ-ઉદેદ એરબેઝ પર સ્થિત અદ્યતન AN/FPS-132 રડાર સિસ્ટમને ગંભીર નુકસાન પહોંચ્યું છે, જેની કિંમત લગભગ 1.1 બિલિયન ડોલર ગણાય છે. તે ઉપરાંત THAAD જેવી મિસાઈલ ડિફેન્સ સિસ્ટમને પણ નિશાન બનાવવાનો દાવો કરવામાં આવ્યો છે. જો આ દાવા સાચા સાબિત થાય, તો અમેરિકાની એર ડિફેન્સ ક્ષમતાને મોટો ઝટકો લાગી શકે છે.
માનવીય નુકસાન
આ યુદ્ધમાં માનવીય નુકસાન પણ નોંધપાત્ર છે. અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 13 અમેરિકન સૈનિકોના મોત થયા છે અને 140થી વધુ ઘાયલ થયા છે. કુવૈતમાં આવેલા કેમ્પ અરિફજાન પર થયેલા ડ્રોન હુમલામાં એકસાથે 6 સૈનિકોના મોત થયા હતા, જે યુદ્ધનો સૌથી ગંભીર માનવીય નુકસાન ગણાય છે.
આ પણ વાંચો: શું થશે જો અમેરિકા-ઈરાન નહીં પણ ચીન કરી લે હોર્મુઝ સ્ટ્રેટ પર કબજો? : ભારત પર કેવી થશે અસર?
આર્થિક ખર્ચ
યુદ્ધના ખર્ચ અંગે પણ વિવાદ છે. પેન્ટાગોન મુજબ અત્યાર સુધીમાં લગભગ 25 અબજ ડોલર ખર્ચ થયો છે. પરંતુ ઈરાનના વિદેશ મંત્રીનો દાવો છે કે આ ખર્ચ 100 અબજ ડોલર સુધી પહોંચી ગયો છે, જેને લઈને બંને પક્ષોમાં તફાવત જોવા મળે છે. આર્થિક રીતે પણ યુદ્ધનો પ્રભાવ વૈશ્વિક સ્તરે જોવા મળ્યો છે. તેલના ભાવમાં વધારો, શેરબજારમાં અસ્થિરતા અને વૈશ્વિક સપ્લાય ચેઇનમાં અવરોધો નોંધાયા છે.
તાજેતરના અહેવાલો મુજબ, યુદ્ધ હવે એક પ્રકારના સ્ટેલમેટ તરફ આગળ વધી રહ્યું છે. કેટલાક સ્ત્રોતો ceasefire જેવી સ્થિતિનો દાવો કરે છે, જ્યારે રાજકીય અને સૈન્ય સ્તરે અનિશ્ચિતતા યથાવત છે. અમેરિકાની અંદર પણ આ યુદ્ધ અંગે અસંતોષ વધી રહ્યો છે, જેમાં મોટા પ્રમાણમાં લોકો આ સૈન્ય કાર્યવાહીનો વિરોધ કરી રહ્યા છે. આગળના દિવસોમાં યુદ્ધ વધશે કે રાજદ્વારી માર્ગથી ઉકેલ આવશે, તે હજુ સ્પષ્ટ નથી. પરંતુ અત્યાર સુધીના નુકસાનને જોતા આ સંઘર્ષ અમેરિકા માટે ખર્ચાળ અને જટિલ સાબિત થયો છે.





