Home International Canada New Pr Rules Nova Scotia Eoi Profile Validity 12 Months Impact On Indians

કેનેડા PRના સપના જોતા ભારતીયોને મોટો ઝટકો : નોવા સ્કોટિયાએ બદલ્યા નિયમો, હવે EOI પ્રોફાઇલ માત્ર 12 મહિના જ રહેશે માન્ય

Canada PR New Rules, Nova Scotia Immigration
Published by: Nirali Gohil
Last Updated: May 02, 2026, 03:00 AM IST

કેનેડા જઈને સ્થાયી થવા માંગતા હજારો ભારતીયો, ખાસ કરીને યુવા પ્રોફેશનલ્સ માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. કેનેડાના નોવા સ્કોટિયા પ્રાંતે તેની ઇમિગ્રેશન પોલિસીમાં ક્રાંતિકારી ફેરફાર કરવાની જાહેરાત કરી છે. નોવા સ્કોટિયા નોમિની પ્રોગ્રામ (NSNP) હેઠળ હવે એક્સપ્રેશન ઓફ ઇન્ટરેસ્ટ (EOI) પ્રોફાઇલ અનિશ્ચિત સમય માટે પૂલમાં પડી રહેશે નહીં. નવા નિયમો મુજબ, PR માટેની આ પ્રાથમિક અરજીની માન્યતા હવે માત્ર એક વર્ષ (12 મહિના) જ રહેશે. આ ફેરફારને કારણે જે ઉમેદવારો લાંબા સમયથી વેઇટિંગ લિસ્ટમાં હતા અને જેમના સ્કોર ઓછા હતા, તેમને હવે નવા છેડેથી મહેનત કરવી પડશે.

EOI પ્રોફાઇલ માટે 12 મહિનાની ડેડલાઇન

નોવા સ્કોટિયા પ્રાંત દ્વારા જાહેર કરવામાં આવેલા નવા અપડેટ મુજબ, 1 મે 2026થી દાખલ કરવામાં આવતી તમામ નવી EOI પ્રોફાઇલ્સ માટે 12 મહિનાની સમય મર્યાદા લાગુ પડશે. જો આ સમયગાળા દરમિયાન ઉમેદવારને રાજ્ય સરકાર તરફથી PR માટેનું આમંત્રણ (ITA) નહીં મળે, તો તેમની પ્રોફાઇલ સિસ્ટમમાંથી આપમેળે ડિલીટ થઈ જશે. અગાઉ ઉમેદવારોની પ્રોફાઇલ લાંબા સમય સુધી પૂલમાં રહેતી હતી, પરંતુ હવે ઉમેદવારોએ તેમની લાયકાત સુધારીને ફરીથી નવી પ્રોફાઇલ બનાવવી પડશે.

જૂની અરજીઓ પર લટકતી તલવાર: 1 મેથી મોટી સફાઈ

સરકારે આ નિયમ માત્ર નવા ઉમેદવારો માટે જ નહીં, પણ જૂની પેન્ડિંગ ફાઇલો માટે પણ કડક બનાવ્યો છે:

  • 1 મે 2024 પહેલાની પ્રોફાઇલ: જે મુસાફરોએ બે વર્ષ પહેલા અરજી કરી હતી, તેમની પ્રોફાઇલ 1 મે 2026ના રોજ સીધી જ બંધ કરી દેવામાં આવશે.

  • મધ્યગાળાની રાહત: જેમણે 1 મે 2024 થી 30 એપ્રિલ 2026 વચ્ચે અરજી કરી છે, તેમને 30 એપ્રિલ 2027 સુધીનો સમય આપવામાં આવ્યો છે. જો આ સમયમાં પસંદગી નહીં થાય, તો તેમની અરજી પણ રદ ગણાશે. સરકારે સ્પષ્ટ કર્યું છે કે પ્રોફાઇલ બંધ થવાનો અર્થ રિજેક્શન નથી, પરંતુ ઉમેદવારે વર્તમાન માર્કેટની જરૂરિયાત મુજબ ફરીથી ડેટા અપડેટ કરવો પડશે.

કેમ લેવાયો આ કડક નિર્ણય?

ઇમિગ્રેશન એક્સપર્ટ્સનું માનવું છે કે કેનેડા હવે 'ક્વોલિટી ઓવર ક્વોન્ટિટી' પર ભાર મૂકી રહ્યું છે. લાંબા સમયથી પડી રહેલી નિષ્ક્રિય પ્રોફાઇલ્સને કારણે સિસ્ટમ ધીમી પડી જતી હતી. સરકાર ઈચ્છે છે કે તેની પાસે માત્ર એવા જ ઉમેદવારોનો ડેટા હોય જેઓ અત્યારે કેનેડાના લેબર માર્કેટની જરૂરિયાતોને પૂર્ણ કરતા હોય. આ સિવાય અન્ય પ્રાંતો જેવા કે ઓન્ટારિયો અને બ્રિટિશ કોલંબિયાની નીતિઓ સાથે તાલ મિલાવવા માટે નોવા સ્કોટિયાએ આ પગલું ભર્યું છે.

ઇમિગ્રેશન પ્રક્રિયા થઈ સરળ પણ સ્પર્ધાત્મક

નોવા સ્કોટિયાએ તાજેતરમાં તેની ઇમિગ્રેશન કેટેગરીમાં પણ મોટો ઘટાડો કર્યો છે. અગાઉની 10 અલગ-અલગ કેટેગરીને સ્થાને હવે માત્ર ચાર મુખ્ય શ્રેણીઓ રાખવામાં આવી છે. આનાથી પ્રક્રિયા પારદર્શક અને ઝડપી બનશે, પરંતુ તેની સાથે જ હરીફાઈ પણ વધશે. હવે ભારતીય ઉમેદવારોએ હાઈ સ્કોર, ભાષાની કુશળતા અને અનુભવ પર વધુ ધ્યાન આપવું પડશે, કારણ કે હવે 'રાહ જોવાની નીતિ' કામ નહીં આવે.

ઓન્ટારિયોની ઘટના બાદ ફફડાટ

ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા ઓન્ટારિયોએ પણ તેની સ્કીલ્ડ ટ્રેડ્સ સ્ટ્રીમ અચાનક બંધ કરી દીધી હતી અને હજારો જૂની અરજીઓ પાછી મોકલી દીધી હતી. કેનેડા સરકારના આ બદલાતા મિજાજને જોતા હવે વિદેશ જવા ઈચ્છતા ભારતીયોએ અત્યંત સાવધ રહેવાની અને માન્ય કન્સલ્ટન્ટ્સ દ્વારા જ પોતાની ફાઇલ અપડેટ રાખવાની જરૂર છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now