Home National Trivandrum Delhi Rajdhani Express Fire Ratlam

રાજધાની એક્સપ્રેસના AC કોચમાં ભીષણ આગ! : 60થી વધુ મુસાફરોનો ચમત્કારીક બચાવ, દિલ્હી-મુંબઈ રેલ રૂટ ખોરવાયો

Rajdhani Express fire
Published by: Suman Dabhi
Last Updated: May 17, 2026, 03:59 AM IST

Rajdhani Express fire: મધ્યપ્રદેશના રતલામ જિલ્લામાં રવિવારે વહેલી સવારે બનેલી એક ભયાનક ઘટનાએ સમગ્ર રેલવે તંત્રને હચમચાવી દીધું. ત્રિવેન્દ્રમ-હઝરત નિઝામુદ્દીન રાજધાની એક્સપ્રેસના એસી કોચમાં અચાનક આગ ભભૂકી ઊઠતાં મુસાફરોમાં ચીસોચીસ મચી ગઈ. જો કે, રેલવે સ્ટાફની તત્પરતા અને ઝડપી બચાવ કામગીરીને કારણે 60થી વધુ મુસાફરોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં સફળતા મળી હતી. ઘટનાના કારણે દિલ્હી-મુંબઈ મુખ્ય રેલ માર્ગ પર લાંબા સમય સુધી ટ્રાફિક પ્રભાવિત રહ્યો.

ત્રિવેન્દ્રમ-હઝરત નિઝામુદ્દીન રાજધાની એક્સપ્રેસ (12431)ના એસી કોચમાં અચાનક ભીષણ આગ લાગી હતી. ઘટના મધ્યપ્રદેશના રતલામ જિલ્લામાં વિક્રમગઢ અલોટ સ્ટેશન નજીક લુનિરિછા-વિક્રમગઢ વચ્ચે બની હતી. સવારે લગભગ 5:15 થી 5:30 વચ્ચે કોચ B1માં આગ લાગી અને તે ઝડપથી ફેલાઈ ગઈ. આગમાં થર્ડ એસી અને SLR કોચ પણ સંપૂર્ણપણે લપેટાઈ ગયા. ટ્રેનમાંથી ઘાટા ધુમાડા અને ઊંચી જવાળાઓ દેખાતા હતા, જેથી આસપાસના વિસ્તારમાં ગભરાટ ફેલાઈ ગયો હતો.

ત્વરિત પ્રતિસાદ અને બચાવ કાર્ય

ગાર્ડે તરત જ પાઇલટને સૂચના આપતાં ટ્રેનને અટકાવી દેવામાં આવી. રેલવે સ્ટાફ, આરપીએફ અને ટ્રેનમાં હાજર અન્ય કર્મચારીઓએ મુસાફરોને ઝડપથી બહાર કાઢવાનું શરૂ કર્યું. કોચ B1માં 68 મુસાફરો હતા, જેમને માત્ર 15 મિનિટમાં સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા. અત્યાર સુધી કોઈ જાનહાનિની જાણ નથી.

કોટા રેલ્વે ડિવિઝનની રાહત અને બચાવ ટીમ તુરંત ઘટનાસ્થળે પહોંચી ગઈ. વીજ પુરવઠો કાપી નાખવામાં આવ્યો અને OHE લાઇનને અસર થતાં દિલ્હી-મુંબઈ મુખ્ય રેલ માર્ગ પર ટ્રાફિક અસ્થાયી રૂપે બંધ કરવો પડ્યો.

નેધરલેન્ડ્સમાં પીએમ મોદીનો રમૂજી અંદાજ: પૂછ્યું- 'ઝાલમુડી અહીં પણ પહોંચી ગઈ?' ખડખડાટ હસી પડ્યા

હાલની સ્થિતિ

આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે.

મુસાફરોને કોટા લાવવામાં આવી રહ્યા છે. તેમને નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી છે અને વધારાના કોચમાં ગોઠવવામાં આવશે.

રેલવેએ ઘટનાની ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપ્યા છે. પ્રાથમિક તપાસમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

પશ્ચિમ મધ્ય રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી હર્ષિત શ્રીવાસ્તવે જણાવ્યું કે કોચને ટ્રેનથી અલગ કરી દેવામાં આવ્યો છે અને ડીઝલ એન્જિનની મદદથી ટ્રેનને આગળ વધારવાના પ્રયાસો ચાલી રહ્યા છે. OHE સિસ્ટમનું સમારકામ પૂર્ણ થતાં જ રેલ ટ્રાફિક સામાન્ય બનાવવામાં આવશે.

આ ઘટનામાં રેલવે અધિકારીઓની ઝડપી પ્રતિક્રિયા અને બચાવ કાર્યને કારણે મોટી ત્રાસદી ટળી ગઈ.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now