સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા અનફોલોના દાવાઓ ખોટા સાબિત થયા
તમિલ સિનેમાની લોકપ્રિય અભિનેત્રી ત્રિશા ક્રિષ્નને તમિલનાડુના મુખ્યમંત્રી (CM) અને સુપરસ્ટાર થલપતિ વિજય સાથેના કથિત અણબનાવ અને બ્રેકઅપની અફવાઓ પર પૂર્ણવિરામ મૂકી દીધું છે. મંગળવારે મોડી સાંજે ત્રિશાએ વિજયના જન્મદિવસની ઉજવણીની એક ખાસ તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી હતી, જેણે તરત જ ઇન્ટરનેટ પર લોકોનું ધ્યાન ખેંચ્યું હતું.
વાસ્તવમાં, 22 જૂનના રોજ CM વિજયના 52મા જન્મદિવસ પર ત્રિશા તરફથી કોઈ જાહેર શુભેચ્છા ન આવતા સોશિયલ મીડિયા પર અફવાઓનું બજાર ગરમ થયું હતું. કેટલાક યુઝર્સે એવો પણ દાવો કર્યો હતો કે ત્રિશાએ વિજયને ઇન્સ્ટાગ્રામ પર અનફોલો કરી દીધા છે. જોકે, બાદમાં સ્પષ્ટતા કરવામાં આવી હતી કે ત્રિશા ક્યારેય ઇન્સ્ટાગ્રામ પર વિજયને ફોલો કરતી જ નહોતી, જેથી અનફોલો કરવાના દાવા તદ્દન પાયાવિહોણા સાબિત થયા હતા.
મિડનાઇટ સેલિબ્રેશનની રોમેન્ટિક તસવીર કરી શેર
તમામ ચર્ચાઓ વચ્ચે ત્રિશાએ ઇન્સ્ટાગ્રામ પર વિજયના મિડનાઇટ બર્થડે સેલિબ્રેશનની એક સુંદર તસવીર શેર કરી છે. ફોટોમાં વિજય હસતા મુખે બર્થડે કેક તરફ જોઈ રહ્યા છે અને ત્રિશા તેમની બાજુમાં ઊભી રહીને પ્રેમભરી નજરે તેમને નિહાળી રહી છે.
આ ફોટો સાથે ત્રિશાએ કેપ્શનમાં લખ્યું, "To the person who makes it all worth it, HBD 00.00." (એ વ્યક્તિ માટે જે બધું જ સાર્થક બનાવે છે, હેપ્પી બર્થડે). ત્રિશાના આ પ્રેમભર્યા સંદેશા બાદ ચાહકો માની રહ્યા છે કે બંને વચ્ચે બધું બરાબર છે.
20 વર્ષ લાંબી ઓન-સ્ક્રીન કેમિસ્ટ્રી અને વાસ્તવિકતા
વિજય અને ત્રિશાની જોડી છેલ્લા 20 વર્ષોથી તમિલ સિનેમાની સૌથી હિટ જોડીઓમાંથી એક રહી છે. આ જોડીએ 'ગિલ્લી' (Ghilli), 'તિરુપાચી' (Thirupaachi), 'આથી' (Aathi), 'કુરુવી' (Kuruvi), 'લિયો' (Leo) અને 'ધ ગ્રેટેસ્ટ ઓફ ઓલ ટાઈમ' (The Greatest of All Time) જેવી ઘણી સફળ ફિલ્મો આપી છે. તેમની શાનદાર ઓન-સ્ક્રીન કેમિસ્ટ્રીને કારણે અવારનવાર તેમની પર્સનલ લાઈફને લઈને પણ અફવાઓ ઉડતી રહે છે, જોકે બંનેએ ક્યારેય આ બાબતે સત્તાવાર કંઈ કહ્યું નથી.
તાજેતરના મહિનાઓમાં ત્રિશા અને CM વિજય ઘણી જગ્યાએ સાથે જોવા મળ્યા છે. આ વર્ષની શરૂઆતમાં જ્યારે વિજયે તમિલનાડુના મુખ્યમંત્રી (CM) તરીકે શપથ લીધા ત્યારે પણ ત્રિશા તે સમારોહમાં હાજર રહી હતી.
CM વિજયની પર્સનલ લાઈફ ચર્ચામાં
બીજી તરફ, CM વિજયની પર્સનલ લાઈફ હાલ કાનૂની વિવાદોને કારણે પણ ચર્ચામાં છે. તેમની પત્ની સંગીતા સોર્નાલિંગમ સાથે ચાલી રહેલા છૂટાછેડાના કેસની સુનાવણી ચેંગલપટ્ટુ મહિલા કોર્ટમાં સોમવારે હાથ ધરવામાં આવી હતી, જેને હવે 7 ઓગસ્ટ સુધી મુલતવી રાખવામાં આવી છે. સંગીતાએ અગાઉ વિજય પર લગ્નેતર સંબંધો હોવાના આક્ષેપો કર્યા હતા, જેના પર વિજયે હજુ સુધી જાહેરમાં કોઈ પ્રતિક્રિયા આપી નથી.






