Ethanol Blended Petrol: તાજેતરના સમયમાં સોશિયલ મીડિયા પર ઈથેનોલ મિશ્રિત પેટ્રોલ (Ethanol Blended Petrol - EBP) અંગે અનેક પ્રકારના દાવાઓ અને વીડિયો વાયરલ થઈ રહ્યા છે. કેટલાક પોસ્ટ્સમાં દાવો કરવામાં આવ્યો હતો કે E20 પેટ્રોલના ઉપયોગથી વાહનોના એન્જિનને નુકસાન થાય છે, માઇલેજ ઘટે છે અથવા પેટ્રોલ ટાંકી પાસે જીવજંતુઓ આકર્ષાય છે. આ દાવાઓને કારણે ઘણા વાહનચાલકોમાં ચિંતા જોવા મળી હતી. હવે આ સમગ્ર મુદ્દે કેન્દ્ર સરકારે સત્તાવાર સ્પષ્ટતા આપી છે. પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયે જણાવ્યું છે કે દેશમાં અમલમાં રહેલો ઈથેનોલ બ્લેન્ડિંગ કાર્યક્રમ સંપૂર્ણપણે વૈજ્ઞાનિક અભ્યાસ, ટેકનિકલ પરીક્ષણો અને નિષ્ણાતોની સલાહના આધારે તૈયાર કરવામાં આવ્યો છે. સરકાર દ્વારા આ કાર્યક્રમની સતત દેખરેખ રાખવામાં આવે છે અને અત્યાર સુધી E20 પેટ્રોલના કારણે વાહનોમાં કોઈ વ્યાપક ટેકનિકલ ખામી અથવા એન્જિન નિષ્ફળતાના પુરાવા સામે આવ્યા નથી.
સોશિયલ મીડિયા પર વાયરલ વીડિયો અંગે મંત્રાલયનું ખંડન
મંત્રાલયે ખાસ કરીને એક એવા વાયરલ વીડિયોની નોંધ લીધી હતી જેમાં વાહનની પેટ્રોલ ટાંકી આસપાસ કીડીઓ અને જીવજંતુઓ ભેગા થયેલા દેખાતા હતા. સોશિયલ મીડિયા પર આ વીડિયોને E20 પેટ્રોલ સાથે જોડીને શેર કરવામાં આવ્યો હતો. સરકારે સ્પષ્ટ જણાવ્યું છે કે, આ પ્રકારના દાવાઓ ભ્રામક અને પાયાવિહોણા છે. મંત્રાલયના જણાવ્યા અનુસાર, જૂના વીડિયો અને અસંબંધિત તસવીરોને નવા દાવાઓ સાથે જોડીને સોશિયલ મીડિયા પર પ્રસારિત કરવામાં આવી રહી છે, જેના કારણે સામાન્ય લોકોમાં ગેરસમજ ઊભી થઈ રહી છે.
2003માં શરૂ થયો હતો ઈથેનોલ બ્લેન્ડિંગ કાર્યક્રમ
ભારત સરકારે વર્ષ 2003માં ઈથેનોલ બ્લેન્ડિંગ કાર્યક્રમની શરૂઆત કરી હતી. આ કાર્યક્રમ પાછળનો મુખ્ય હેતુ દેશની ક્રૂડ ઓઈલ આયાત પરની નિર્ભરતા ઘટાડવાનો, ઊર્જા સુરક્ષા મજબૂત કરવાનો અને પર્યાવરણને અનુકૂળ ઈંધણના ઉપયોગને પ્રોત્સાહન આપવાનો હતો. છેલ્લા બે દાયકામાં આ યોજનાને તબક્કાવાર રીતે વિસ્તૃત કરવામાં આવી છે. વિવિધ ટેકનિકલ પરીક્ષણો, ઓટોમોબાઈલ ઉત્પાદકો સાથેના પરામર્શ અને ઈંધણ ગુણવત્તા ચકાસણી બાદ દેશમાં વર્ષ 2023થી E20 પેટ્રોલનો અમલ શરૂ કરવામાં આવ્યો હતો. E20 પેટ્રોલમાં 20 ટકા ઈથેનોલ અને 80 ટકા પેટ્રોલનું મિશ્રણ હોય છે.
આ પણ વાંચો: શેરબજારમાં ફરી હરિયાળી : સેન્સેક્સ 180 પોઈન્ટ ચડ્યો, નિફ્ટી 23,850 પાર, બેન્કિંગ અને IT શેરોએ સંભાળ્યો મોરચો
સરકાર સતત રાખી રહી છે દેખરેખ
કેન્દ્ર સરકારના જણાવ્યા અનુસાર, ઈથેનોલ બ્લેન્ડિંગ કાર્યક્રમની નિયમિત સમીક્ષા કરવામાં આવે છે. ઓઈલ માર્કેટિંગ કંપનીઓ, વાહન ઉત્પાદકો, ફ્યુઅલ ટેસ્ટિંગ એજન્સીઓ અને અન્ય સંબંધિત હિતધારકો સાથે મળીને સમગ્ર પ્રક્રિયાની દેખરેખ રાખવામાં આવે છે. મંત્રાલયે જણાવ્યું કે, E20 પેટ્રોલના ઉપયોગ બાદ દેશભરમાં વાહનોના એન્જિન નિષ્ફળ જવાની કે મોટા પ્રમાણમાં વાહનો ખોટકાઈ જવાની કોઈ ઘટના નોંધાઈ નથી. તેથી સોશિયલ મીડિયા પર ચાલી રહેલા દાવાઓને વૈજ્ઞાનિક આધાર મળતો નથી.
દેશને થયો 1.40 લાખ કરોડ રૂપિયાનો ફાયદો
ઈથેનોલ મિશ્રણ કાર્યક્રમ માત્ર પર્યાવરણ માટે જ નહીં પરંતુ દેશની અર્થવ્યવસ્થા માટે પણ લાભદાયક સાબિત થયો છે. મંત્રાલયના જણાવ્યા મુજબ, પેટ્રોલમાં ઈથેનોલના ઉપયોગના કારણે ભારતને અત્યાર સુધીમાં અંદાજે 1.40 લાખ કરોડ રૂપિયાની વિદેશી મુદ્રાની બચત થઈ છે. ભારત દર વર્ષે મોટી માત્રામાં ક્રૂડ ઓઈલની આયાત કરે છે. ઈથેનોલના વધતા ઉપયોગથી પેટ્રોલિયમ ઉત્પાદનોની આયાતમાં ઘટાડો થયો છે, જેના કારણે વિદેશી ચલણની બચત થઈ રહી છે અને દેશની ઊર્જા સુરક્ષા વધુ મજબૂત બની રહી છે.
આ પણ વાંચો: સામાન્ય જનતાને મોટી રાહત! : LPGને લઈને આવ્યા મોટા સમાચાર, હવે ગેસની અછત નહીં સર્જાય
ખેડૂતોની આવકમાં પણ થયો વધારો
ઈથેનોલનું ઉત્પાદન મુખ્યત્વે શેરડી, મકાઈ અને અન્ય કૃષિ ઉત્પાદનોમાંથી થાય છે. તેથી આ કાર્યક્રમથી ખેડૂતોને પણ સીધો લાભ મળ્યો છે. ઈથેનોલની વધતી માંગને કારણે ખેડૂતોને તેમના પાક માટે વધારાનું બજાર મળ્યું છે અને તેમની આવકમાં વધારો થયો છે. સરકારનું માનવું છે કે, ઈથેનોલ બ્લેન્ડિંગ કાર્યક્રમ ‘આત્મનિર્ભર ભારત’ના લક્ષ્યને આગળ વધારવામાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યો છે.
વૈશ્વિક સ્તરે પણ સફળ મોડલ
મંત્રાલયે યાદ અપાવ્યું કે ઈથેનોલ મિશ્રિત ઈંધણનો ઉપયોગ માત્ર ભારતમાં જ નહીં પરંતુ અમેરિકા, બ્રાઝિલ સહિતના અનેક દેશોમાં વર્ષોથી સફળતાપૂર્વક થઈ રહ્યો છે. ઘણા દેશોએ પર્યાવરણને અનુકૂળ ઈંધણ તરીકે ઈથેનોલને મહત્વ આપ્યું છે. ભારતમાં પણ આગામી વર્ષોમાં ઈથેનોલના ઉપયોગમાં વધુ વધારો કરવાની સરકારની યોજના છે, જેથી આયાતી ઈંધણ પરની નિર્ભરતા ઘટે અને હરિત ઊર્જા તરફનો માર્ગ વધુ મજબૂત બને.
અફવાઓથી સાવધાન રહેવાની અપીલ
કેન્દ્ર સરકારે નાગરિકોને અપીલ કરી છે કે, સોશિયલ મીડિયા પર વાયરલ થતા કોઈપણ વીડિયો કે દાવા પર તરત વિશ્વાસ ન કરે. ઈંધણ અને વાહનો સંબંધિત માહિતી માટે માત્ર સત્તાવાર અને વિશ્વસનીય સ્ત્રોતોનો જ આધાર લેવો જોઈએ. સરકારે જણાવ્યું છે કે, ઈથેનોલ બ્લેન્ડિંગ કાર્યક્રમ વૈજ્ઞાનિક રીતે માન્ય, પરીક્ષણ કરાયેલ અને સતત મોનિટરિંગ હેઠળનો કાર્યક્રમ છે, તેથી ભ્રામક માહિતીથી ગેરમાર્ગે દોરાવાની જરૂર નથી.





