રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા જાગનાથ પ્લોટ સ્થિત કાર્યાલય ખાતે તાજેતરમાં દેશ માટે શહીદ થયેલા વીર જવાનોને શ્રદ્ધાંજલિ અર્પિત કરાઈ હતી. કાર્યક્રમની શરૂઆત સવારે 10 વાગે શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણીની આગેવાનીમાં થઈ હતી. શહેરના અનેક અગ્રણીઓએ પુષ્પાંજલિ આપી શહીદોને શ્રદ્ધાંજલિ આપી.
આ અવસરે પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજગુરુએ પત્રકાર પરિષદ સંબોધી કેન્દ્ર સરકાર ઉપર તીવ્ર પ્રહારો કર્યા. તેમણે પત્રકારો સમક્ષ જણાવ્યું કે, "દેશના જવાનો તૈયાર હતા, લશ્કર તૈયાર હતું, લોકો એકતા સાથે ઊભા હતા, છતાં દેશના 56 ઈંચની છાતી ધરાવતા નેતૃત્વએ શસ્ત્રવિરામ સ્વીકારી લીધો."
તેમણે ઉમેર્યું કે, “પાકિસ્તાન સામે કડક પગલાં લેવા દેશની જનતા તૈયાર હતી, પણ વડાપ્રધાને શસ્ત્રો મૂકવાની વાત કરી. તેનાથી શહીદોના પરિવારોમાં દુઃખ અને રોષની લાગણી છે. આ પગલાંથી દેશના મનોબળને આંચ આવી છે.”
રાજગુરુએ કેન્દ્ર સરકાર પર આરોપ મૂકતા કહ્યું કે, "શસ્ત્રવિરામ સાથે ત્રીજા દેશની મધ્યસ્થી સ્વીકારવી પડી એ પણ પ્રશ્ર્નચિહ્ન ઊભું કરે છે. દેશ જાણવા માંગે છે કે આખરે એવું શું થયું કે સરકાર મૌન છે."
તેમણે ભૂતપૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીને યાદ કરતાં જણાવ્યું કે, "તેમણે પાકિસ્તાનના બે ભાગ કરી દેશની તાકાત વિશ્વને બતાવી હતી. આજે દેશ એવું નેતૃત્વ શોધી રહ્યો છે."
શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં હાજરી આપનાર અગ્રણીઓમાં અતુલ રાજાણી, ગાયત્રીબા વાઘેલા, જસવંતસિંહ ભટ્ટી, તુષાર નંદાણી, સંજય અજુડીયા, દિપ્તીબેન સોલંકી, યુનૂશ જુણેજા, ભાવેશ બોરીચા સહિત કોંગ્રેસના દાયકાઓના આગેવાનોનો સમાવેશ થાય છે.
શહેર કોંગ્રેસ સમિતિએ જાહેરાત કરી કે આગામી દિવસોમાં યુદ્ધવિરામના મુદ્દે લોકોમાં જાગૃતિ લાવવા તમામ વોર્ડોમાં પત્રિકા વિતરણ કરાશે અને સાચી હકીકત લોકો સુધી પહોંચાડવામાં આવશે.





