Home National Tmc Rebellion 20 Mps Plan Separate Group Delhi Meeting

TMCમાં મોટું ભંગાણ! : 20 સાંસદો અલગ જૂથ બનાવવાની તૈયારીમાં, દિલ્હીમાં રાજકીય હલચલ તેજ

TMC MPs Split
Published by: Nirali Gohil
Last Updated: Jun 08, 2026, 10:45 AM IST

TMC MPs Split: પશ્ચિમ બંગાળની સત્તારૂઢ તૃણમૂલ કોંગ્રેસ (TMC)માં આંતરિક અસંતોષ હવે ખુલ્લેઆમ સામે આવતો જોવા મળી રહ્યો છે. દિલ્હીમાં ચાલી રહેલા રાજકીય ઘટનાક્રમે TMC માટે ચિંતાજનક સ્થિતિ ઊભી કરી છે. સૂત્રોના દાવા મુજબ, પાર્ટીના લગભગ 20 લોકસભા સાંસદો અલગ જૂથ બનાવવાની તૈયારીમાં છે. આ દરમિયાન TMCના બાગી સાંસદોની ભાજપના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય મંત્રી ભુપેન્દ્ર યાદવના નિવાસસ્થાને થયેલી બેઠકએ રાજકીય વર્તુળોમાં ચર્ચાનો માહોલ ગરમાવી દીધો છે. એક તરફ TMC સુપ્રીમો મમતા બેનર્જી અને અભિષેક બેનર્જી દિલ્હીમાં INDIA ગઠબંધનની બેઠકમાં હાજરી આપી રહ્યા છે, ત્યારે બીજી તરફ પાર્ટીના સાંસદો વચ્ચે ચાલી રહેલી બેઠકોએ તૃણમૂલ કોંગ્રેસમાં ભંગાણની અટકળોને વધુ બળ આપ્યું છે. જો 20 સાંસદોનો દાવો સાચો સાબિત થાય તો TMC માટે આ અત્યાર સુધીનો સૌથી મોટો રાજકીય ઝટકો બની શકે છે.

20 સાંસદોની શુભેન્દુ અધિકારી સાથે મુલાકાત

સૂત્રોના જણાવ્યા અનુસાર, TMCના 20 લોકસભા સાંસદોએ દિલ્હીમાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી અને ભાજપના નેતા શુભેન્દુ અધિકારી સાથે મહત્વપૂર્ણ બેઠક કરી હતી. આ બેઠક કેન્દ્રીય મંત્રી ભુપેન્દ્ર યાદવના નિવાસસ્થાને યોજાઈ હતી. બેઠકમાં પૂર્વ ત્રિપુરા મુખ્યમંત્રી બિપ્લબ દેબ પણ હાજર રહ્યા હોવાનું જાણવા મળ્યું છે. રાજકીય નિરીક્ષકોના મતે, આ બેઠક માત્ર ઔપચારિક મુલાકાત નહોતી, પરંતુ પશ્ચિમ બંગાળની બદલાતી રાજકીય પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ભવિષ્યની વ્યૂહરચના અંગે ચર્ચા થઈ હોવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.

20 સાંસદો અલગ જૂથ બનાવશે?

લોકસભામાં હાલમાં TMCના કુલ 28 સાંસદો છે. પક્ષમાં કાયદેસર ભંગાણ માટે ઓછામાં ઓછા બે તૃતીયાંશ સભ્યોનો ટેકો જરૂરી હોય છે, જે સંખ્યા 19 થાય છે. બાગી જૂથ દ્વારા 20 સાંસદો પોતાના સમર્થનમાં હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. સૂત્રોના જણાવ્યા મુજબ, આ સાંસદો ટૂંક સમયમાં લોકસભા અધ્યક્ષને પોતાના નિર્ણય અંગે જાણ કરી શકે છે. જોકે હાલ લોકસભા અધ્યક્ષ દિલ્હીમાં હાજર ન હોવાથી સત્તાવાર પ્રક્રિયા હજુ શરૂ થઈ નથી.

આ પણ વાંચો: TMCમાં મોટી બળવાખોરીના સંકેત?: દિલ્હીમાં 14 સાંસદોની ગુપ્ત બેઠકથી રાજકારણ ગરમાયું, શું મમતાને લાગશે મોટો ઝટકો?

અભિષેક બેનર્જી સામે પણ અસંતોષ?

બાગી સાંસદો વચ્ચે નેતૃત્વના મુદ્દે પણ મતભેદો સામે આવ્યા હોવાનું કહેવાય છે. અહેવાલો અનુસાર, કેટલાક સાંસદો લોકસભામાં અભિષેક બેનર્જીના સ્થાને કાકોલી ઘોષને નેતા તરીકે જોવા માંગે છે. આ મુદ્દે પણ અલગ જૂથની અંદર ચર્ચાઓ ચાલી રહી છે. સાંજે TMC સાંસદ શતાબ્દી રાયના નિવાસસ્થાને વધુ એક મહત્વપૂર્ણ બેઠક યોજાવાની માહિતી સામે આવી છે, જેના કારણે આગામી દિવસોમાં રાજકીય સમીકરણોમાં મોટા ફેરફાર થવાની શક્યતાઓ વ્યક્ત થઈ રહી છે.

સુખેન્દુ શેખરના રાજીનામાથી વધ્યો અસંતોષ

આ સમગ્ર ઘટનાક્રમ વચ્ચે રાજ્યસભાના વરિષ્ઠ સભ્ય અને TMCના અનુભવી નેતા સુખેન્દુ શેખર રોયે પાર્ટી તેમજ રાજ્યસભા સભ્યપદેથી રાજીનામું આપી દીધું છે. તેમના રાજીનામાને TMC માટે મોટો આંચકો માનવામાં આવી રહ્યો છે. રાજીનામા બાદ TMCના પાંચ સાંસદોએ તેમની મુલાકાત લીધી હતી. આ મુલાકાત બાદ પક્ષની અંદર ચાલી રહેલા અસંતોષ અંગેની અટકળો વધુ તેજ બની ગઈ છે.

બંગાળમાં રાજકીય ઉથલપાથલ વધી

પશ્ચિમ બંગાળમાં અગાઉથી જ કેટલાક ધારાસભ્યો અને નેતાઓ દ્વારા અસંતોષ વ્યક્ત કરવામાં આવી રહ્યો હતો. હવે સાંસદોના સ્તરે પણ ભંગાણની ચર્ચા શરૂ થતાં મમતા બેનર્જી માટે પડકાર વધુ મોટો બન્યો છે. વિપક્ષના નેતા ઋતબ્રત બેનર્જીએ પણ સુખેન્દુ શેખરના નિવેદનોને સમર્થન આપતાં જણાવ્યું હતું કે પાર્ટીની અંદર ઘણા નેતાઓ અસંતુષ્ટ છે અને આગામી સમયમાં વધુ અવાજો ઉઠી શકે છે.

આ પણ વાંચો: સાથ રહેગેં તો સેફ રહેગેં! ભાજપ સામે ફરી એક મંચ પર વિપક્ષ: બે વર્ષ બાદ I.N.D.I.A. બ્લોકની બેઠકનું રાજકીય મહત્ત્વ શું? 2029 માટે નવી રણનીતિની શરૂઆત?

મમતા-સોનિયાની મુલાકાત વચ્ચે રાજકીય ગરમાવો

આ તમામ રાજકીય હલચલ વચ્ચે મમતા બેનર્જી અને કોંગ્રેસ નેતા સોનિયા ગાંધી વચ્ચે દિલ્હીમાં મહત્વપૂર્ણ મુલાકાત પણ યોજાઈ હતી. INDIA ગઠબંધનની બેઠક માટે દિલ્હીમાં પહોંચેલી મમતાની હાજરી વચ્ચે પાર્ટીમાં ઊભી થયેલી આ પરિસ્થિતિએ રાજકીય ચર્ચાઓને વધુ વેગ આપ્યો છે. હાલ TMC તરફથી આ દાવાઓ અંગે કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આપવામાં આવી નથી, પરંતુ આગામી દિવસોમાં પક્ષની અંદરની સ્થિતિ વધુ સ્પષ્ટ થવાની શક્યતા છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now