Surat Crime News : સુરતમાં ક્રાઈમ બ્રાન્ચે હિમાચલ પ્રદેશમાંથી હાઈ ક્વોલિટી ચરસ (મલાના ક્રીમ) લઇ આવતા જમીન દલાલ સહિત ત્રણ લોકોની ધરપકડ કરી છે. જહાંગીરપુરા–ઓલપાડ રોડ પર સ્કોડા કારમાં આવી રહ્યા આરોપીઓની જાણકારી ક્રાઈમ બ્રાન્ચને મળતાં ચેકપોસ્ટ પર નાકાબંધી કરીને તેમને ઝડપી પાડવામાં આવ્યા હતા.
7.14 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત
તપાસ દરમિયાન આરોપીઓ પાસેથી 137 ગ્રામ હાઈ ક્વોલિટી ચરસ, મોબાઈલ અને સ્કોડા કાર મળી આવી, જેમાં કુલ 7.14 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ધરપકડ કરાયેલા આરોપીઓમાં અનુપ બિસ્ટ, તેનો મિત્ર મયંક પટેલ અને જિગર વાંકાવાળાનો સમાવેશ થાય છે.
હિમાચલ પ્રદેશની ટ્રીપ મારતા અને...
પોલીસને જાણકારી મળી હતી કે આ ત્રણેય દર બે મહિને હિમાચલ પ્રદેશની ટ્રિપ મરતા અને કસોલ ખાતેથી નેપાળી પાસેથી ચરસ લાવતા હતા. અગાઉ અનુપ બિસ્ટનો ભાઈ આકાશ બિસ્ટ પણ નવેમ્બર 2024માં દિલ્હી પોલીસે 1.300 કિલોગ્રામ ચરસ સાથે ઝડપી લીધો હતો.
અનુપની પત્નીની પૂછપરછ
હાલના કેસમાં અનુપની પત્નીની પણ પૂછપરછ કરવામાં આવી છે. તેણે ત્રણે સાથે મનાલી પ્રવાસ પર ગયાનું સ્વીકાર્યું, પરંતુ ડ્રગ્સ સંબંધિત કોઈ જાણકારી ન હોવાનું જણાવ્યું. ક્રાઈમ બ્રાન્ચ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધર્યું છે અને આરોપીઓ સાથે જોડાયેલા અન્ય લોકો સુધી પહોંચવાની કોશિશ કરી રહી છે.






