ગુજરાતના ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસમાં વધુ એક મહત્વપૂર્ણ માઈલસ્ટોન ઉમેરાઈ ગયું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 31 માર્ચે રૂપિયા 5,100 કરોડથી વધુના ખર્ચે તૈયાર થયેલા 109 કિમી લાંબા અમદાવાદ-ધોલેરા ગ્રીનફિલ્ડ એક્સપ્રેસ-વે (NE-8)નું લોકાર્પણ કર્યું. આ આધુનિક હાઈવે કાર્યરત થતા ધોલેરા સહિત સૌરાષ્ટ્ર વિસ્તાર સાથેની કનેક્ટિવિટી વધુ ઝડપી અને સુવિધાજનક બનશે.
આ એક્સપ્રેસ-વે શરૂ થતા બચશે ઘણો સમય
આ એક્સપ્રેસ-વે શરૂ થતા મુસાફરોને સમયની મોટી બચત થશે. અત્યાર સુધી અમદાવાદથી ધોલેરા પહોંચવામાં ઘણો સમય લાગતો હતો, જ્યારે હવે આ અંતર માત્ર 45 મિનિટમાં પૂર્ણ કરી શકાશે. સાથે જ અમદાવાદથી ભાવનગર વચ્ચેનો પ્રવાસ સમય પણ ઘટીને અંદાજે 1 કલાક 45 મિનિટ રહેશે. આ ઝડપી જોડાણથી વેપાર અને પરિવહન ક્ષેત્રે નવી તકો ઉભી થશે.
‘વેસ્ટ ટુ વેલ્થ’ની સંકલ્પનાને સાકાર
આ પ્રોજેક્ટની વિશેષતા તેનો પર્યાવરણલક્ષી અભિગમ છે. એક્સપ્રેસ-વેના નિર્માણમાં આશરે 60 લાખ ટન કચરાનો પુનઃઉપયોગ કરવામાં આવ્યો છે, જે ‘વેસ્ટ ટુ વેલ્થ’ની સંકલ્પનાને સાકાર કરે છે. ગ્રીનફિલ્ડ મોડલ હેઠળ વિકસિત આ માર્ગ ધોલેરા SIR અને નિર્માણાધીન આંતરરાષ્ટ્રીય એરપોર્ટ સાથે સીધી કનેક્ટિવિટી પૂરી પાડશે.
આ પણ વાંચો: વાવ-થરાદમાં વિકાસનો મહાઅધ્યાય : વડાપ્રધાન મોદીએ ₹19,806 કરોડના પ્રોજેક્ટ્સને આપી લીલી ઝંડી
આ હાઈવે લોજિસ્ટિક્સ અને ઉદ્યોગ વિકાસ માટે ગેમચેન્જર સાબિત થશે તેવી અપેક્ષા છે. ધોલેરા SIR માં સ્થાપિત થનારા ઉદ્યોગોને સરળ પરિવહન સુવિધા મળશે, જેના કારણે સમગ્ર પ્રદેશમાં આર્થિક પ્રવૃત્તિઓ તેજ બનશે. સાથે સાથે રોજગારીના નવા અવસર પણ ઊભા થશે.
આ પ્રોજેક્ટ ગુજરાતને દેશના વિકાસના નકશામાં વધુ મજબૂત સ્થાન અપાવશે અને ભવિષ્યમાં ઈન્ડસ્ટ્રીયલ હબ તરીકે ધોલેરાની ઓળખને વધુ મજબૂત બનાવશે.





