Home Gujarat Nadiad Pij Pani Crisis Dead Rat Found Intanker Villagers Protest

12 બોર, 4 ટાંકી છતાં 5 દિવસથી પાણી વગર તરસ્યું ગામ! : 'હાય રે સરપંચ હાય હાય'ના નારા સાથે ટેન્કરમાંથી મરેલો ઉંદર નીકળતા ગ્રામજનોએ કાઢી અંતિમ યાત્રા!

Nadiad Pij Pani Crisis
Published by: Viral Patel
Last Updated: Mar 31, 2026, 11:53 AM IST

Nadiad Pij Pani Crisis: ગુજરાતમાં ઉનાળાની શરૂઆત થતા જ પાણીની બૂમરાણ શરૂ થઈ ગઈ છે, પરંતુ ખેડા જિલ્લાના નડિયાદ તાલુકાના પીજ ગામે વહીવટી તંત્રની ગંભીર બેદરકારીનો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. છેલ્લા પાંચ દિવસથી પાણી માટે તરસી રહેલા ગ્રામજનોને પંચાયત દ્વારા જે પાણીનું ટેન્કર મોકલવામાં આવ્યું, તેમાંથી મરેલો ઉંદર નીકળતા લોકોનો રોષ ફાટી નીકળ્યો હતો. ગ્રામજનોએ અનોખી રીતે વિરોધ પ્રદર્શિત કરતા મરેલા ઉંદરની અંતિમ યાત્રા કાઢી 'સરપંચ હાય હાય' ના નારા લગાવ્યા હતા.

12 બોર અને 4 ટાંકી છતાં ગામ તરસ્યું

પીજ ગામની ભૌગોલિક સ્થિતિ જોઈએ તો ત્યાં પાણીની અછત હોવી ન જોઈએ. ગામમાં 04 મોટી પાણીની ટાંકીઓ આવેલી છે. 12 જેટલા પંચાયતી બોર કાર્યરત છે. આમ છતાં, છેલ્લા 5 દિવસથી ગ્રામજનો પાણીના એક-એક ટીપા માટે વલખા મારી રહ્યા છે. ખાસ કરીને ગૃહિણીઓને ઘરકામમાં અને પશુઓને પાણી પીવડાવવામાં ભારે હાલાકી ભોગવવી પડી રહી છે.

ટેન્કરમાંથી ઉંદર નીકળતા આરોગ્ય સામે જોખમ

જ્યારે ગ્રામજનોએ પાણીની ઉગ્ર માંગ કરી, ત્યારે પંચાયત દ્વારા ટેન્કર મોકલાયું હતું. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, અનેક પરિવારોએ આ ટેન્કરમાંથી પાણી ભરી લીધું હતું અને કેટલાક લોકોએ તો તે પાણી પીવા માટે પણ વાપર્યું હતું. જોકે, જ્યારે ટેન્કર ખાલી થવા આવ્યું ત્યારે અંદરથી મરેલો ઉંદર નીકળતા લોકોના હોશ ઉડી ગયા હતા. દૂષિત પાણી પીવાને કારણે ગામમાં રોગચાળો ફાટી નીકળવાની દહેશત લોકોમાં વ્યાપી છે. સ્થાનિક મહિલા ગૌરીબેન પંચાલે જણાવ્યું હતું કે અમે ટેન્કરનું પાણી વાપરી લીધું છે, હવે જો કોઈ બીમાર પડશે તો તેની જવાબદારી કોણ લેશે? પંચાયતમાં તાળા મારેલા છે અને સરપંચ કે તલાટી કોઈ હાજર નથી."

પંચાયત કચેરીએ હાય-હાયના નારા અને વિરોધ

રોષે ભરાયેલા ગ્રામજનોએ મરેલા ઉંદરને લાકડી પર લટકાવી તેની વિધિવત અંતિમ યાત્રા કાઢી હતી. 'હાય રે સરપંચ હાય હાય' ના નારા સાથે ગ્રામજનો પંચાયત કચેરીએ પહોંચ્યા હતા. સ્થાનિક રહીશ પ્રવિણ પટેલે જણાવ્યું હતું કે, "છ મહિનાથી નવી ટાંકી બની છે પણ હજુ તેમાં પાણી નથી આવતું. ઉનાળામાં લોકોના ઘરે પ્રસંગો હોય ત્યારે પાણી ક્યાંથી લાવવું? પંચાયત માત્ર વેરો ઉઘરાવવામાં જ રસ ધરાવે છે, સુવિધા આપવામાં નહીં."

સરપંચનો બચાવ: 'આ પંચાયતને બદનામ કરવાનું કાવતરું હોઈ શકે'

બીજી તરફ, આ મામલે ગામના સરપંચ શીતલબેન તડવીએ પોતાનો પક્ષ રજૂ કરતા જણાવ્યું હતું કે પાણીની સમસ્યા 5 દિવસથી નહીં પણ રવિવાર સાંજથી (2 દિવસથી) વાલ્વ જામ થવાને કારણે સર્જાઈ છે. સમારકામ ચાલુ છે અને ધીમા ફોર્સથી પાણી અપાઈ રહ્યું છે. ટેન્કરમાં ઉંદર નીકળવાની ઘટનાને તેમણે શંકાસ્પદ ગણાવી હતી. તેમણે આક્ષેપ કર્યો હતો કે 4 વર્ષમાં આવું ક્યારેય નથી બન્યું, આ કોઈનું પંચાયતને હેરાન કરવાનું કૃત્ય હોઈ શકે છે.

પીજ ગામની આ ઘટનાએ ગ્રામ પંચાયતની કામગીરી અને જનતાના સ્વાસ્થ્ય પ્રત્યેની ગંભીરતા પર અનેક સવાલો ઉભા કર્યા છે. હવે જોવાનું એ રહેશે કે તંત્ર કાયમી ધોરણે પાણીની સમસ્યા હલ કરે છે કે પછી ગ્રામજનોએ હજુ પણ દૂષિત પાણી કે તરસનો સામનો કરવો પડશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
અમદાવાદના નિકોલમાં નકલી ભૂવાનો પર્દાફાશ
રાજકોટમાં PSI એન. કે. પંડ્યાના ફાયરિંગ કેસમાં પોલીસની તપાસ તેજ
અમદાવાદમાં પ્રેમ પ્રકરણનો ખતરનાક અંજામ
ઉત્તર ગુજરાતની ઘરતી પર PM મોદીએ યાદ કર્યા એ દિવસો...
પંચમહાલમાં વિચિત્ર અકસ્માત