મહેસાણા જિલ્લાના પવિત્ર યાત્રાધામ બેચરાજીમાં ચૈત્રી પૂનમના મહામેળા નિમિત્તે મોટી સંખ્યામાં ભક્તો પગપાળા યાત્રા કરી રહ્યા છે. આ ભક્તિમય વાતાવરણ વચ્ચે એક કરૂણ અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં પદયાત્રીઓના સંઘને ટ્રક દ્વારા અડફેટે લેવામાં આવતા સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે.
શું છે સમગ્ર ઘટના?
મળતી માહિતી મુજબ, સિદ્ધપુર તાલુકાના ધનાવાડા ગામથી ભક્તોનો એક સંઘ બહુચરાજી માતાના દર્શન માટે પગપાળા નીકળ્યો હતો. યાત્રાળુઓ નવા દેલવાડા નજીક પહોંચ્યા હતા ત્યારે મોડી રાત્રે એક બેફામ ટ્રકચાલકે તેમને ટક્કર મારી હતી. અચાનક બનેલી આ ઘટના કારણે યાત્રાળુઓમાં અફરાતફરી મચી ગઈ હતી.
આ ગંભીર અકસ્માતમાં કુલ 8 જેટલા પદયાત્રીઓ ઇજાગ્રસ્ત થયા હતા, જેમાંથી બે યુવાન ભક્તોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા. અન્ય પાંચથી વધુ લોકોને ગંભીર ઇજાઓ પહોંચી હતી. ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે ધારપુર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે, જ્યાં તબીબોની ટીમ દ્વારા તેમની સારવાર ચાલુ રાખવામાં આવી છે.
પ્રાથમિક વિગતો અનુસાર, ઇજાગ્રસ્તોમાં હેતલબેન ઠાકોર, જુહાજી ઠાકોર, વિક્રમ અમૃતજી ઠાકોર અને મેહુલ જુહાજી ઠાકોર સહિતના ભક્તોનો સમાવેશ થાય છે. ઘટનાના પગલે સ્થાનિક લોકો અને પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી બચાવ કામગીરી હાથ ધરી હતી.
આ પણ વાંચો: વડોદરામાં રફ્તારનો કહેર : બેકાબૂ કારે નિર્દોષ રાહદારીઓને અડફેટે લેતા લોહીના ખાબોચિયા ભરાયા
અકસ્માત બાદ ટ્રકચાલક
આ અકસ્માત બાદ ટ્રકચાલક વાહન લઈને ફરાર થઈ ગયો હતો. પોલીસ દ્વારા તેના વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે અને શોધખોળ તેજ કરવામાં આવી છે. આ બનાવે યાત્રાળુઓની સુરક્ષા અંગે ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે અને માર્ગ સલામતી માટે કડક પગલાં લેવા માંગ ઉઠી રહી છે.





