છોટાઉદેપુર અને દાહોદ જિલ્લાના જંગલોમાં વર્ષો બાદ વાઘના વસવાટની પુષ્ટિ થયા પછી હવે તેની સુરક્ષાને લઈને ગંભીર ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. છોટાઉદેપુરના એડવોકેટ જાવેદઅલી બ્લોચ દ્વારા આ બાબતે એક અત્યંત ગંભીર રજૂઆત કરવામાં આવી છે, જેમાં વાઘના જીવને ખતરો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
'બેફામ દોડતા ડમ્પરો વાઘ સહિત અન્ય વન્યજીવો માટે જીવલેણ'
એડવોકેટ જાવેદઅલી બ્લોચે જિલ્લા કલેક્ટર તેમજ નાયબ વન સંરક્ષક (DCF)ને લેખિતમાં અરજી કરી છે. પોતાની રજૂઆતમાં તેમણે જણાવ્યું છે કે કેવડી અને રતનમહાલ અભયારણ્ય વચ્ચે આવેલા ટાઇગર કોરિડોર વિસ્તારમાં રાત્રિના સમયે રેતી ભરેલા ડમ્પરો કોઈપણ પ્રકારની રોકટોક વગર પૂરપાટ ઝડપે દોડી રહ્યા છે. તેમણે વધુમાં જણાવ્યું છે કે આ વિસ્તારમાં કોઈ અધિકૃત રેતીની લીઝ નથી, તેમ છતાં સેંકડો ડમ્પરોની અવરજવર જોવા મળી રહી છે, જે ગેરકાયદે રેતી ચોરી થતી હોવાની ગંભીર આશંકા તરફ ઈશારો કરે છે. આ બેફામ દોડતા ડમ્પરો વાઘ સહિત અન્ય વન્યજીવો માટે જીવલેણ સાબિત થઈ શકે છે તેવી ચિંતા પણ વકીલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.
'ભારે વાહનોની અવરજવર વાઘની સલામતી માટે ગંભીર જોખમ'
દાહોદના જંગલમાં સ્થાયી થયેલા વાઘ સામે ઊભા થયેલા આ ખતરા અંગે એડવોકેટ બ્લોચે કલેક્ટરને સ્પષ્ટ ફરિયાદ કરી છે અને તાત્કાલિક પગલાં લેવાની માગ કરી છે. તેમણે જણાવ્યું છે કે કેવડી અને રતનમહાલ અભયારણ્ય વચ્ચેનો વિસ્તાર વાઘના આવાગમન માટે અત્યંત મહત્વપૂર્ણ છે અને ત્યાં ભારે વાહનોની અવરજવર વાઘની સલામતી માટે ગંભીર જોખમ બની શકે છે. અરજીમાં પેટ્રોલિંગ વધુ સઘન કરવા તેમજ આ વિસ્તારમાં રાત્રિના સમયે ડમ્પરોની અવરજવર પર તાત્કાલિક પ્રતિબંધ મૂકવાની માગ કરવામાં આવી છે. સાથે જ ગેરકાયદે રેતી ચોરી પર અંકુશ લાવવા માટે કડક કાર્યવાહી કરવાની પણ માંગ ઉઠાવવામાં આવી છે.





















