Home Gujarat This Gyrocopter Is Cheaper Than A Helicopter Will Be Used For Everything From Joyrides To Security

હેલિકોપ્ટર કરતાં પણ સસ્તું છે આ જાયરોકોપ્ટર! : જોયરાઇડથી લઇને સુરક્ષા માટે થશે ઉપયોગી, આ ગુજરાતી વિંગ કમાન્ડરે બદલી નાખી ઉડાનની પદ્ધતિ!

હેલિકોપ્ટર કરતાં પણ સસ્તું  છે આ જાયરોકોપ્ટર!
Published by: OBS Bureau
Last Updated: Mar 16, 2026, 07:26 AM IST

Gyrocopter : કલ્પના કરો કે, જે રીતે તમે રોજ રસ્તા પર કાર કે બાઇક ચલાવો છો, તેવી જ રીતે તમે હવામાં હેલિકોપ્ટર ઉડાવવા લાગો તો? આ વિચાર કદાચ કોઈ ફિલ્મી વાર્તા જેવો લાગે, પણ ગુજરાતી રિટાયર્ડ વિંગ કમાન્ડર જયદેવ દેસાઈ તેને હકીકત બનાવવા જઈ રહ્યા છે. 'શાર્ક ટેન્ક ઇન્ડિયા' માં પોતાની પિચથી બધાને પ્રભાવિત કરનાર જયદેવ દેસાઈ ભારતમાં જાયરોકોપ્ટર અને સસ્તા હેલિકોપ્ટરનું વેચાણ તેમજ પાયલોટ ટ્રેનિંગ સ્કૂલ શરૂ કરવા જઈ રહ્યા છે.

હેલિકોપ્ટર અને જાયરોકોપ્ટર વચ્ચેનો તફાવત

જાયરોકોપ્ટર દેખાવમાં હેલિકોપ્ટર જેવું લાગે છે, પરંતુ તેની ટેકનોલોજી એકદમ અલગ છે. હેલિકોપ્ટરમાં એન્જિન અને રોટર કનેક્ટેડ હોય છે, જ્યારે જાયરોકોપ્ટરમાં રોટર અને એન્જિન વચ્ચે કોઈ કનેક્શન હોતું નથી. તેને ઉડવા માટે ઓછામાં ઓછી 30 કિમીની સ્પીડ જોઈએ છે. જાયરોકોપ્ટર હેલિકોપ્ટરની જેમ સીધું (વર્ટિકલ) ટેક-ઓફ નથી કરી શકતું, પરંતુ તે ચલાવવામાં સરળ, મેન્ટેનન્સમાં સસ્તું અને અત્યંત સુરક્ષિત છે.

કિંમત અને ફાયદા

જાયરોકોપ્ટરની સૌથી મોટી વિશેષતા તેની કિંમત છે. જ્યાં સામાન્ય હેલિકોપ્ટર કરોડોમાં આવે છે, ત્યાં જાયરોકોપ્ટર 1.25 કરોડથી 1.70 કરોડની વચ્ચે ઉપલબ્ધ છે. તે સામાન્ય પેટ્રોલથી પણ ચાલી શકે છે અને એક કલાકમાં લગભગ 20 લિટર પેટ્રોલ વાપરે છે. એટલે કે, 1 લિટરમાં તે અંદાજે 7.5 કિમીની એવરેજ આપે છે, જે તેને ખૂબ જ કોસ્ટ-ઇફેક્ટિવ બનાવે છે.

વિવિધ ક્ષેત્રોમાં ઉપયોગી

જાયરોકોપ્ટરનો ઉપયોગ માત્ર શોખ માટે જ નહીં, પણ દેશની સુરક્ષા અને વિકાસ માટે પણ થઈ શકે છે. પોલીસ સર્વેલન્સ, બીએસએફ (BSF), ખેતીવાડીમાં જંતુનાશક દવાઓના છંટકાવ માટે, પાવર લાઇનના સુપરવિઝન માટે અને પ્રવાસન ક્ષેત્રે જોયરાઈડ માટે આ એરક્રાફ્ટ આશીર્વાદરૂપ સાબિત થઈ શકે તેમ છે. વિદેશોમાં ન્યૂયોર્ક પોલીસ અને ચીની સેના પણ તેનો ઉપયોગ કરી રહી છે.

જયદેવ દેસાઈનો પ્રેરણાદાયી ભૂતકાળ

અમદાવાદમાં અભ્યાસ કરનાર વિંગ કમાન્ડર જયદેવ દેસાઈ 1978 માં ઇન્ડિયન એરફોર્સમાં જોડાયા હતા. તેમણે મિગ-21 અને મિરાજ એન્જિનની રિપેરિંગ લાઇન સેટઅપ કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. કારગિલ યુદ્ધના આ વેટરન ઓફિસર હવે રિટાયરમેન્ટ પછી એવિએશન સેક્ટરમાં બિઝનેસ દ્વારા ભારતનું નામ રોશન કરી રહ્યા છે.

મેન્યુફેક્ચરિંગ અને ભવિષ્યનું પ્લાનિંગ

જયદેવ દેસાઈની કંપની 'એવીઆ ટ્રેનિંગ સોલ્યુશન' અત્યારે ઇટાલી અને પોલેન્ડની કંપનીઓ સાથે મળીને જાયરોકોપ્ટર એસેમ્બલ કરે છે. આગામી 3 વર્ષમાં ભારતની સ્થાનિક ઇન્ડસ્ટ્રીની મદદથી તેનું સંપૂર્ણ ઉત્પાદન ગુજરાતમાં શરૂ કરવાનો તેમનો લક્ષ્યાંક છે. મહેસાણામાં અત્યારે સેટઅપ તૈયાર છે અને આવનારા સમયમાં વડનગર, મોરબી અને નવસારી જેવા શહેરોમાં ટ્રેનિંગ સેન્ટરો શરૂ કરવાની યોજના છે.

શાર્ક ટેન્કનો અનુભવ અને યુનિકોર્નનું સપનું

શાર્ક ટેન્ક ઇન્ડિયામાં તેમને શાર્ક્સ તરફથી ઘણી પ્રશંસા મળી. જોકે ત્યાં કોઈ ઇન્વેસ્ટમેન્ટ ન મળ્યું, પણ તેમને બિઝનેસ મોડલ સુધારવા માટે મહત્વની સલાહ મળી. જયદેવ દેસાઈનો આત્મવિશ્વાસ અડગ છે અને તેઓ માને છે કે, આગામી 10 વર્ષમાં તેમની કંપની 'એવીઆ' એવિએશન સેક્ટરમાં એક યુનિકોર્ન (1 અબજ ડોલરની કંપની) બનીને ઉભરશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now