Home Gujarat There A Shortage Of Non Domestic Gas Supply In Gujarat And India

હોટલ-રેસ્ટોરન્ટ ઉદ્યોગ અને રોજગાર પર સંકટ : શું ગુજરાત અને ભારતમાં બિન ઘરેલુ ગેસના પુરવઠાની અછત ઉભી થઈ છે?

હોટલ-રેસ્ટોરન્ટ ઉદ્યોગ અને રોજગાર પર સંકટ
Published by: OBS Bureau
Last Updated: Mar 10, 2026, 03:09 PM IST

Ahmedabad News: વિશ્વમાં પ્રવર્તી રહેલી ભૌગોલિક-રાજકીય (Geo-political) અસ્થિરતા, ખાસ કરીને ઈરાન, અમેરિકા અને ઈઝરાયેલ વચ્ચેના યુદ્ધની સ્થિતિની અસર હવે ભારતના બળતણ બજાર પર દેખાઈ રહી છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તાડૉ. પાર્થિવરાજસિંહ કઠવાડિયાએ આ મુદ્દે ગંભીર ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું છે કે, દેશમાં બિન-ઘરેલું (Commercial) LPG ગેસના પુરવઠાની ભારે અછત ઊભી થઈ છે.

ત્રણ સભ્યોની સમિતિનો નિર્ણય અને અનિશ્ચિતતા

ઇન્ડિયન ઓઈલ, ભારત પેટ્રોલિયમ અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ જેવી જાહેર સાહસની કંપનીઓએ એક મહત્વનો નિર્ણય લીધો છે. હવેથી સ્કૂલ અને હોસ્પિટલ જેવા અત્યંત આવશ્યક સેક્ટરો સિવાયના તમામ બિન-ઘરેલું સેક્ટરમાં ગેસ સપ્લાયનું રિવ્યુ ત્રણ સભ્યોની સમિતિ દ્વારા કરવામાં આવશે. ગેસની માંગણી હવે મેઇલ દ્વારા આ કમિટી સમક્ષ કરવાની રહેશે.ખુદ સમિતિએ સ્વીકાર્યું છે કે તેઓ દરેકની માંગ સંતોષી શકશે નહીં. આ નિર્ણયથી હોટલ, રેસ્ટોરન્ટ, મેટલ કટિંગ, કાસ્ટિંગ અને ટેક્સટાઈલ જેવા ઉદ્યોગોમાં ગેસ પુરવઠો રોકાઈ જવાની ભીતિ સેવાઈ રહી છે.

કાળાબજારીનો રાફડો ફાટ્યો

બિન-ઘરેલું ગેસની અછતનો ફાયદો ઉઠાવીને કેટલાક લેભાગુ તત્વોએ કાળાબજારી શરૂ કરી દીધી છે. ડૉ. કઠવાડિયાએ આક્ષેપ કર્યો છે કે જે કોમર્શિયલ સિલિન્ડરની કિંમત ₹1902 છે, તે બજારમાં ₹2700 થી લઈને ₹3500 સુધીના ઉંચા ભાવે વેચાઈ રહ્યા હોવાની ફરિયાદો મળી છે." વધુમાં, ઓઈલ કંપનીઓ દ્વારા વિક્રેતાઓને અપાતું ₹100 થી ₹200નું ડિસ્કાઉન્ટ પણ બંધ કરી દેવામાં આવ્યું છે અને ઘરેલું ગેસ રીફિલિંગની મુદત વધારીને 25 દિવસ કરવામાં આવી છે, જે આગામી સમયમાં ઘરેલું ગેસની અછતના પણ સંકેત આપે છે.

10 લાખ લોકોના રોજગાર પર અસર

ગુજરાતમાં ખાણી-પીણી, હોટલ, કાફે અને રેસ્ટોરન્ટ ઉદ્યોગ સાથે આશરે 10 લાખથી વધુ લોકો પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે જોડાયેલા છે. જો ગેસનો પુરવઠો ખોરવાશે તો આ તમામ લોકોના રોજગાર પર ગંભીર અસર પડશે. પ્રવાસન માટે આવતા લોકોએ પણ ભોજન માટે ભટકવું પડે તેવી સ્થિતિ સર્જાઈ શકે છે.

સરકાર પાસે માંગણી

ડૉ. પાર્થિવરાજસિંહ કઠવાડિયાએ ભારત સરકારને વિનંતી કરી છે કે LPG પુરવઠાની વાસ્તવિક સ્થિતિ અંગે નાગરિકોને સ્પષ્ટ માહિતગાર કરવામાં આવે. યુદ્ધની સ્થિતિનો ગેરફાયદો ઉઠાવતા કાળાબજારીયાઓ સામે નકકર અને કડક પગલાં લેવામાં આવે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now