logo-img
The Worlds Most Hated Couple Qin Hui And His Wife Are Being Slapped And Kicked By People Know The Reason

'ગદ્દાર' કપલ : જેની મૂર્તિઓને લોકો મારે છે થપ્પડ અને લાતો, 500 વર્ષથી ચાલુ છે નફરતનો સિલસિલો, જાણો શું છે આની પાછળનું કારણ

'ગદ્દાર' કપલ
Published by: Offbeat Team
| Last Updated: Feb 17, 2026, 10:55 AM IST

સામાન્ય રીતે આપણે મૂર્તિઓ પ્રત્યે આદર અને શ્રદ્ધા ધરાવતા હોઈએ છીએ, પરંતુ ચીનના હાંગ્ઝૂ શહેરમાં દ્રશ્ય સાવ ઉલટું છે. અહીં બે કાળી મૂર્તિઓ એવી છે જેને જોઈને લોકોના લોહી ઉકળી ઉઠે છે. આ મૂર્તિઓ પાસે ભીડ તો જામે છે, પણ આશીર્વાદ લેવા માટે નહીં પરંતુ પોતાનો ગુસ્સો ઠાલવવા માટે! કોઈ આ મૂર્તિને જોરથી થપ્પડ મારે છે, તો કોઈ તેના પર થૂંકે છે. ઘૂંટણિયે બેઠેલા અને શરમથી માથું ઝુકાવેલા આ પતિ-પત્નીને ચીનના ઈતિહાસના સૌથી વધુ નફરતપાત્ર પાત્રો માનવામાં આવે છે. આખરે આ કપલે એવો તો કયો ગુનો કર્યો હતો કે, 500 વર્ષ પછી પણ લોકો તેમને માફ કરવા તૈયાર નથી? જાણો આ રસપ્રદ ઈતિહાસ.

કોણ છે આ કપલ અને શું છે તેમનો ઈતિહાસ?

આ મૂર્તિઓ 12મી સદીના 'સોંગ સામ્રાજ્ય'ના ઉચ્ચ અધિકારી ક્વિન હુઈ (Qin Hui) અને તેમની પત્નીની છે. ઈતિહાસ અનુસાર, ક્વિન હુઈ એક શક્તિશાળી મંત્રી હતા, પરંતુ તેમની ઓળખ એક 'ગદ્દાર' તરીકેની છે. તેમની મૂર્તિઓ ચીનના મહાન અને નિડર દેશભક્ત જનરલ યુ ફેઈ (Yue Fei) ના મકબરાની સામે એવી રીતે મૂકવામાં આવી છે કે, જાણે તેઓ અનંતકાળ સુધી જનરલની માફી માંગી રહ્યા હોય.

એક મહાન જનરલ સાથે કરેલો વિશ્વાસઘાત

લોકોની નફરત પાછળનું મુખ્ય કારણ જનરલ યુ ફેઈનું મૃત્યુ છે. જનરલ યુ ફેઈ ચીનના લોકો માટે હીરો હતા, જેમણે દુશ્મનો સામે દેશની રક્ષા કરી હતી. જોકે, ક્વિન હુઈએ સત્તાની લાલચમાં અથવા દુશ્મન સામ્રાજ્ય સાથેની ગુપ્ત સંધિને કારણે જનરલ પર ખોટા આરોપો લગાવ્યા. આ કાવતરાને કારણે જનરલ યુ ફેઈને જેલમાં મોકલાયા અને બાદમાં તેમને મૃત્યુદંડ આપવામાં આવ્યો. જ્યારે સત્ય બહાર આવ્યું ત્યારે લોકો માટે યુ ફેઈ શહીદ બની ગયા અને ક્વિન હુઈ સૌથી મોટા વિલન.

લોકોનો ગુસ્સો: 11 વખત બદલવી પડી મૂર્તિઓ

ક્વિન હુઈ પ્રત્યે લોકોની નફરત એટલી પ્રબળ છે કે સદીઓ વીતી ગઈ હોવા છતાં લોકો ત્યાંથી પસાર થતી વખતે મૂર્તિ પર થૂંકવાનું કે તેને મારવાનું ચૂકતા નથી. 'ઓડિટી સેન્ટ્રલ' ના રિપોર્ટ મુજબ, લોકોના સતત પ્રહાર અને લાતોને કારણે આ મૂર્તિઓ વારંવાર તૂટી જાય છે. અત્યાર સુધીમાં આ મૂર્તિઓને 11 વખત બદલવી પડી છે. હાલમાં જે મૂર્તિઓ છે તે 1979માં સ્થાપિત કરવામાં આવી હતી.

ખાણી-પીણીમાં પણ નફરતની ઝલક

ચીનમાં મળતી એક લોકપ્રિય ફ્રાઈડ ફૂડ વાનગી 'યુટિઆઓ' (Yutiao) સાથે પણ આ નફરત જોડાયેલી છે. લોટના બે ગોળાને જોડીને તળવામાં આવતી આ વાનગી વિશે માનવામાં આવે છે કે તે ક્વિન હુઈ અને તેની પત્નીને દર્શાવે છે, જેમને તેલના ગરમ કઢાયામાં તળવામાં આવી રહ્યા છે. ભલે આ વાત લોકવાયકા હોય, પણ તે દર્શાવે છે કે ચીની સંસ્કૃતિમાં વિશ્વાસઘાત કરનાર માટે કેટલી નફરત છે.

દંડ અને શરમનું પ્રતીક

આજે આ સ્થળ એક પર્યટન સ્થળ બની ગયું છે, પરંતુ અહીં આવનારા પ્રવાસીઓ મૂર્તિઓની કલા જોવા નહીં, પણ ઈતિહાસના એ ગદ્દાર પાત્રોને દંડિત થતા જોવા આવે છે. શરમથી ઝુકેલું માથું અને ઘૂંટણિયે પડેલી આ મૂર્તિઓ વિશ્વને સંદેશ આપે છે કે દેશભક્ત સાથે કરેલો વિશ્વાસઘાત પેઢીઓ સુધી ભૂલાતો નથી.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now