વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હજુ એક અઠવાડિયા પહેલા જ કારેલીબાગ વિસ્તારમાં બનાવેલો રોડ ખોદી કાઢયો છે. ભૂતડીઝાંપાથી આર્યકન્યા સુધીનો રસ્તો એક અઠવાડિયા પહેલા બનાવેલો હતો.
મળતી માહિતી અનુસાર રોડ પર કાર્પેટ, એ.સી. એટલે કે આસ્ફાલ્ટ લેયર કરી તૈયાર કર્યો હતો. આજે કોર્પોરેશનના પાણી પુરવઠા વિભાગે પાણીની કામગીરી માટે જે.સી.બી. થી નવો બનાવેલો રોડ ખોદી નાખ્યો છે. કોર્પોરેશનના રોડ પ્રોજેક્ટ સાથે પાણી પુરવઠા, ડ્રેનેજ વિગેરે વિભાગના સંકલનના અભાવે આવી પરિસ્થિતિ અવારનવાર સર્જાતી રહે છે. કોર્પોરેશનની સમગ્ર સભામાં પણ આ મુદ્દા ઉઠે છે કે વિભાગો વચ્ચે આંતરિક સંકલન નહીં હોવાથી નવા બનાવેલા રોડ ખોદવામાં આવતા પ્રજાકીય વેરાનો બગાડ થાય છે. એટલું જ નહીં રોડની મજબૂતાઈ પણ નબળી બને છે.
રોડ બનાવતા અગાઉ જો પાણીની કામગીરી બાકી હતી તો પાણી પુરવઠા વિભાગ સાથે સંકલન કરીને એ કામ પહેલા કેમ પૂર્ણ ન કર્યું તે પણ સવાલ છે. આ અગાઉ કોર્પોરેશનમાં નવો બનાવેલો રોડ જરૃર હોય તો જ ખોદવો તે પ્રમાણે સૂચના પણ અપાઈ હતી. વિશ્વામિત્રી બચાવ સમિતિના કહેવા મુજબ હવે નવું ખરીદેલું શર્ટ હવે થીંગડા વાળું પહેરવું પડે તેવી સ્થિતિ સર્જાઈ છે. આના માટે જવાબદાર જે કોઈ હોય તેની સામે શિક્ષાત્મક પગલાં લેવા જોઈએ.
સ્થળે કોઈ લીકેજ પણ ન હતું. સવારે ૯.૪૫ કલાકે તો રોડ ટકાટક હતો અને બપોરે ૩.૩૦ કલાકે જેસીબીએ ખોદી પણ નાખ્યો. કોન્ટ્રાક્ટરોની પાંચ વર્ષની ગેરંટીવાળા રોડ આ રીતે ખોદી નાખીને કોન્ટ્રાક્ટરોને બચાવી લઈ બાદમાં નવા ઈજારા આપીને ફાયદા કરાવીને ગેરરીતિ આચરવામાં આવે છે. જેણે પણ આ રોડ તોડાવ્યો હોય તેની પાસેથી ખર્ચ વસૂલ કરવો જોઈએ. સ્માર્ટ સિટિના સ્માર્ટ શાસકો નવો બનાવેલો રોડ તોડી પ્રજાના વેરાનો વેડફાટ કરી રહ્યા છે.





