Home Gujarat The Threat Of Unseasonal Rains Has Not Averted In Gujarat

કમોસમી વરસાદનો ગુજરાતમાં ખતરો ટળ્યો નથી! : 6 જિલ્લામાં માવઠાંની આગાહી, યલો એલર્ટ જાહેર

કમોસમી વરસાદનો ગુજરાતમાં ખતરો ટળ્યો નથી!
Published by: OBS Bureau
Last Updated: Feb 24, 2026, 05:27 AM IST

ફેબ્રુઆરી મહિનામાં રાજ્યમાં અચાનક બદલાયેલા હવામાનને કારણે લોકોને ત્રણેય ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. એક તરફ સવારે અને રાત્રે ઠંડીનો અહેસાસ થાય છે તો બપોરે ઉકળાટ રહે છે, જ્યારે વચ્ચે કમોસમી વરસાદ પણ પડી રહ્યો છે. 23 ફેબ્રુઆરીના રોજ ભરૂચ, ગાંધીનગર, અમદાવાદ, મહીસાગર અને અમરેલી સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદ ખાબક્યો હતો.

મોડીરાતે અમદાવાદના અનેક વિસ્તારમાં વરસાદ

અમદાવાદ શહેરમાં દિવસભર વાદળછાયું વાતાવરણ રહ્યું હતું. શહેરના સિંધુ ભવન રોડ, ગોતા, ચાંદલોડિયા અને એસ.જી. હાઈવે જેવા વિસ્તારોમાં ઝાપટાં પડ્યા હતા. મોડીરાત્રે પણ પ્રહલાદનગર, સરખેજ, એસ.જી. હાઈવે અને જીવરંજની વિસ્તારમાં વરસાદ નોંધાયો હતો. અચાનક પડેલા વરસાદને કારણે લોકોને ગરમીમાંથી થોડી રાહત મળી હતી, પરંતુ હવામાનમાં આવેલા આ ફેરફારે ચિંતા પણ વધારી છે.

છ જિલ્લામાં કમોસમી વરસાદને લઈ યલો એલર્ટ

હવામાન વિભાગે આજે પણ છ જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી સાથે યલો એલર્ટ જાહેર કર્યું છે. ભારતીય હવામાન વિભાગ અનુસાર સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, છોટા ઉદેપુર, દાહોદ અને પંચમહાલ જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ઉપરાંત લખતર વિસ્તારમાં પણ મોડીરાત્રે વરસાદી ઝાપટાં પડ્યાની માહિતી મળી છે.

ખેડૂતોમાં ચિંતાનો માહોલ

અચાનક બદલાતા હવામાનને કારણે ખાસ કરીને ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. રવિ પાક પર વરસાદની અસર થવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે. હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ હવામાનમાં અસ્થિરતા રહેવાની શક્યતા દર્શાવી છે અને લોકોને સાવચેત રહેવા અનુરોધ કર્યો છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now