અમદાવાદ હાટકેશ્વરમાં વર્ષોથી મકાનમાં ભાડેથી રહેતા ભાડુઆતે મકાન માલિકને જાણ કર્યા વિના મકાન બારોબાર અન્ય એક વ્યક્તિને વેચી દીધું હોવાનો બનાવ સામે આવ્યો છે. મકાન માલિકે સ્થળ પર જઈને તપાસ કરી ત્યારે તેમના માલિકીના મકાનમાં રીનોવેશન ચાલતું હોવાથી પૂછપરછ કરતા હકીકત સામે આવી કે ભાડુઆતે તેમનું મકાન રૂપિયા ૩ લાખ બીજા વ્યક્તિને વેચી દીધું હતું. તેથી મકાન માલિકે ભાડુઆત અને મકાન રાખનાર એમ બે લોકો સામે અમરાઈવાડી પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરુ કરી છે.
શહેરના હાટકેશ્વર વિસ્તારમાં રહેતા પરમજીત કૌર વાઘવા (49) તેના પતિ અને દીકરા સાથે રહે છે. પરમજીત ઘરેથી ટ્યુશન ક્લાસમાં બાળકોને ભણાવવાનું કામકાજ કરે છે. અમરાઈવાડીમાં આવેલી ગોવિંદકુંજ ચાલી અને સરદારના ચાલીના માલિક તેમના પતિ છે. બંને ચાલીમાં આવેલા મકાનો ભાડેથી આપેલ છે. થોડા મહિના પહેલા તેમના ધ્યાને આવ્યું કે ચાલીના કેટલાક મકાનમાં પેટા ભાડુઆત આવી ગયા છે. પરંતુ ભાડું રેગ્યુલર આવતું હોવાથી મહિલાએ કે તેના પતિએ આ વાત પર બહુ ધ્યાન આપ્યું ન હતું. તાજેતરમાં તેમની માલિકીની ચાલીમાં એક મકાન મૂળ મહારષ્ટ્રના વતની અને કામકાજ અર્થે ઘણા વર્ષોથી શહેરમાં સ્થાયી થયેલા એવા રાજારામના પિતા પાંડુરંગને ભાડેથી આપેલું હતું. પરંતુ ગત માર્ચ મહિનામાં આ મકાનમાં કડીયાકામ શરુ કરવામાં આવ્યું હોવાનું મહિલાને જાણવા મળતા તેના દીકરાને તપાસ કરવા માટે મોકલ્યો હતો.
હાજર કોન્ટ્રાકટર સાથે વાત કરતા જાણવા મળ્યું કે આ મકાન યોગેશ ગુપ્તા નામના વ્યક્તિએ ખરીદ્યું છે અને રીપેરીંગ માટે કોન્ટ્રકટ આપ્યો છે. ત્યારબાદ મહિલાના દીકરાએ બની બેઠેલા મકાનના માલિક યોગેશ ગુપ્તા સાથે વાત કરતા હકીકત સામે આવી કે ચાલીનું મકાન રાજારામે આ મકાન રૂપિયા 3 લાખ લઈને યોગેશ ગુપ્તાને વેચાણ કરાર કરી આપ્યો છે. કહીને મહિલાના દીકરાને ગાળો બોલીને જાનથી મારી નાંખવાની ધમકી યોગેશ ગુપ્તાએ ફોન કરીને આપી હતી. આ મામલે મહિલાએ અમરાઈવાડી પોલીસ સ્ટેશનમાં યોગેશ ગુપ્તા અને રાજારામ મારુતિ પાંડુરંગ સંક્પાલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરુ કરી છે.
"ખાડિયાના ધારાસભ્ય અને આખી કોગ્રેસની માનસિકતા અસ્થિર થઈ ગઈ છે": ઈમરાન ખેડાવાલાના નિવેદન બાદ ભૂષણ ભટ્ટનો વળતો જવાબ





