Home Gujarat The People Of Khambhat Had Fun The Sea Reached The Shore Again

ખંભાતના લોકોને મજા પડી ગઈ : ફરી કિનારા સુધી પહોંચ્યો દરિયો

ખંભાતના લોકોને મજા પડી ગઈ
Published by: OBS Bureau
Last Updated: May 01, 2025, 06:42 AM IST

લીશા વાઘેલા, ખંભાતઃ ખંભાતનો દરિયા કિનારો લોકો માટે આકર્ષણનું કેન્દ્ર છે. હવે સારા વાર તહેવારે લોકો આવતા હોય છે. અખાત્રીજના પર્વ પર પણ આવા દ્રશ્યો જોવા મળ્યા. દરિયો ડંકા સુધી પહોંચતા નગરજનોમાં આનંદ અને ઉલ્લાસની લાગણી છવાઈ ગઈ હતી. દરિયાની નજીક આવી રહેલું પાણી શહેરીજનો માટે આનંદ અને આશ્ચર્યનો વિષય બન્યું છે.

આધારભૂત સૂત્રોના જણાવ્યા અનુસાર છેલ્લા અનેક વર્ષોથી દરિયું ખંભાતના કિનારાથી દૂર જતું રહ્યું છે. જોકે તાજેતરમાં દરિયામાં ભેખડો ધસી જવાના બનાવો નોંધાયા છે, જેના કારણે દરિયાના પાણી ફરીથી કિનારા તરફ ખેંચાઈ રહ્યા છે. પરિણામે, દર વખતની જેમ આ વર્ષે પણ જ્યારે દરિયામાં ભરતી થઈ, ત્યારે પાણી કિનારા સુધી આવી પહોંચ્યું.

શહેરીજનો માટે આ ઘટનામાં નવી આશાની કિરણ ઝળહળી છે. અનેક નાગરિકો પરિવાર સાથે દરિયાકિનારે પહોંચે છે અને પાણીમાં મજા માણે છે. બાળકોથી લઈને વયસ્કો સુધી સૌએ ભીની રેતી પર હર્ષ અને ઉત્સાહભેર દિવસ પસાર કરે છે.

સ્થાનિક બુદ્ધિજીવી વર્ગનું માનવું છે કે જો આવી રીતે દરિયાના પાણીનો પ્રવાહ નિયમિત બને અને દરિયો કિનારેથી નજીક રહે, તો તે ખંભાતના ભવિષ્યના વિકાસ માટે માર્ગ પ્રસસ્ત કરશે. દરિયાકિનારે વિકાસની નવી સંભાવનાઓ ઊભી થઈ શકે છે, જેમાં પ્રવાસન, વેપાર અને સ્થાનિક રોજગારના નવા અવસરો સર્જાઈ શકે છે.

અવિરત પૃથ્વી પરિવર્તનના સમયમાં ખંભાતનું દરિયાનો ચહેરો ધીમે ધીમે બદલાઈ રહ્યો છે. હાલમાં ખંભાતની ખાડીમાં નોંધપાત્ર ભૌગોલિક ફેરફાર નોંધાયો છે, જેમાં દરિયો હવે ખંભાતના ડંકી પોઈન્ટથી માત્ર 500-600 મીટર દૂર આવી ગયો છે. અગાઉ આ અંતર 2થી 3 કિલોમીટર જેટલું હતું. 2024ના ફાગણ પૂનમ સમયે આવેલા હાઈટાઈડ પછી માટીનું ધોવાણ વધી ગયું, જેને કારણે દરિયાકિનારો આગળ ખસક્યો છે.

વિશેષજ્ઞોના જણાવ્યા મુજબ દર ચારથી પાંચ વર્ષે આવી ઘટનાઓ નોંધાતી રહે છે, જેમ કે 2017માં ઓખામાં પણ આવી જ સ્થિતિ સર્જાઈ હતી. નાસાની એક રિપોર્ટ અનુસાર 2100 સુધી ભારતમાં દરિયાકિનારા પર આવેલા 12 શહેરોમાંથી 4 શહેરો—ભાવનગર, ઓખા, કંડલા અને ખંભાત—ડુબી શકે છે. આ પરિસ્થિતિનું મુખ્ય કારણ વૈશ્વિક તાપમાનમાં વધારો અને ધ્રુવીય બરફનો ઓગાળો છે, જેના કારણે દરિયાનો જળસ્તર સતત વધી રહ્યો છે.

દરિયો નજીક આવવાથી ખંભાતનું ભૂતકાળનું પ્રસિદ્ધ બંદર ફરી એક વખત જીવંત થઈ શકે છે. રોજગારીની તકો, નવા વહાણ વ્યવહારો અને સંભવિત રો-રો ફેરી સેવાઓ અહીં શરૂ થઈ શકે છે. આજના ખંભાતના નગરજનો માટે આ એક નવી શક્યતાઓ ઊભી કરતી ઘટના બની રહી છે.

કાળગતિએ ક્યારેક ખંભાતનો દરિયો ડંકી પોઈન્ટથી પણ આગળ મકાઈ દરવાજા સુધી રહેતો હતો, જે હવે ફરીથી પૂર્વ સ્થિતિ તરફ વળતો જણાય છે. પોખરાજ અને મોતી જેવા રત્નોથી પ્રસિદ્ધ ખંભાત શહેર માટે હવે દરિયાનું ફરી આગળ વધવું એક નવી ધાર્મિક, આર્થિક અને ઐતિહાસિક સંભાવનાઓ લઈ આવી શકે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now