Home Gujarat The Mercury Crossed 40 In The First Week Of Summer Itself Weather Update

ઉનાળાના પહેલાં અઠવાડિયામાં જ પારો 40ને પાર : આ વખતે માથુ ફાડી નાંખે એવી ગરમી પડશે, હીટવેવની આગાહીથી આ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ

ઉનાળાના પહેલાં અઠવાડિયામાં જ પારો 40ને પાર
Published by: OBS Bureau
Last Updated: Mar 11, 2026, 04:13 AM IST

Gujarat Weather Update: ગુજરાતમાં ઉનાળાની શરૂઆત સાથે જ ગરમીનો કહેર જોવા મળી રહ્યો છે. માર્ચ મહિનાના પ્રથમ દસ દિવસમાં જ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસને પાર પહોંચી જતા છેલ્લા ત્રણ વર્ષના તમામ રેકોર્ડ તૂટી ગયા છે. ખાસ કરીને અમદાવાદ શહેરમાં પારો 41 ડિગ્રી સેલ્સિયસને પાર પહોંચી ગયો છે, જેના કારણે નાગરિકોમાં ગરમી અંગે ચિંતા વધી છે. હવામાન વિભાગે આગામી 16 માર્ચ સુધી રાજ્યના ઘણા વિસ્તારોમાં હીટવેવ જેવી પરિસ્થિતિ રહેવાની આગાહી કરી છે.

છેલ્લા ત્રણ વર્ષનો રેકોર્ડ તોડ્યો

16 માર્ચ સુધી હીટવેવની આગાહી

કચ્છ-સૌરાષ્ટ્રમાં ઓરેન્જ એલર્ટ

અમદાવાદમાં પારો 41 ડિગ્રીને પાર

હવામાન વિભાગના જણાવ્યા મુજબ કચ્છ, બનાસકાંઠા, પાટણ, સુરેન્દ્રનગર, મોરબી અને રાજકોટ જિલ્લામાં હીટવેવને ધ્યાનમાં રાખીને ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જુનાગઢ, જામનગર, વડોદરા અને સુરત સહિતના વિસ્તારોમાં યેલો એલર્ટ આપવામાં આવ્યું છે. નિષ્ણાતોનું કહેવું છે કે ઉત્તર-પશ્ચિમ દિશાથી ફૂંકાતા ગરમ અને સૂકા પવનો તથા હીટ ડોમ ઇફેક્ટને કારણે ગરમીનું પ્રમાણ વધ્યું છે.

અમદાવાદ સહિત કેટલાક જિલ્લાઓમાં રાત્રિના સમયે પણ ઉકળાટભર્યું વાતાવરણ રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગના અનુમાન મુજબ અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, આણંદ, પાટણ, કચ્છ અને સુરેન્દ્રનગર જેવા વિસ્તારોમાં ‘વોર્મ નાઈટ’ની સ્થિતિ સર્જાઈ શકે છે, એટલે કે રાત્રે પણ તાપમાન સામાન્ય કરતાં વધુ રહેવાની સંભાવના છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં 13 માર્ચ સુધી ગરમ અને ભેજવાળું વાતાવરણ રહેવાની શક્યતા છે.

હવામાન વિભાગના ડાયરેક્ટર ડૉ. એ.કે. દાસના જણાવ્યા મુજબ રાજ્યમાં 16 માર્ચ સુધી હીટવેવની સ્થિતિ યથાવત રહી શકે છે. ઉત્તર-પશ્ચિમ દિશાથી 15 થી 20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે, જે ગરમીની અસરને વધુ તેજ બનાવે છે.

હવામાન નિષ્ણાત એ.ટી. દેસાઈના જણાવ્યા અનુસાર હાલ હવામાં ભેજનું પ્રમાણ ખૂબ ઓછું એટલે કે 10થી 20 ટકા સુધી રહી ગયું છે, જ્યારે સામાન્ય રીતે તે 50થી 60 ટકા હોય છે. ભેજ ઓછો હોવાને કારણે ગરમી વધુ તીવ્ર અનુભવી રહી છે અને ચામડીને બળતરા થાય તેવી સ્થિતિ સર્જાઈ રહી છે.

અમદાવાદમાં માર્ચ મહિનાના પ્રથમ દિવસથી જ તાપમાનમાં સતત વધારો નોંધાયો છે. 1 માર્ચે 34.2 ડિગ્રી રહેલું તાપમાન 8 માર્ચ સુધીમાં વધીને 39.4 ડિગ્રી સુધી પહોંચી ગયું હતું. નિષ્ણાતોના અનુમાન મુજબ આગામી ત્રણથી ચાર દિવસમાં તાપમાન 43 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચવાની સંભાવના છે. તેથી નાગરિકોને ખાસ કરીને બપોરના સમયે બહાર નીકળતી વખતે સાવચેત રહેવા અને જરૂરી તકેદારી રાખવા અપીલ કરવામાં આવી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now