Mahisagar Nal Se Jal Yojana Scam : મહીસાગર જિલ્લાના મસમોટા 123 કરોડના નળ-સે-જળ યોજના કૌભાંડમાં તપાસ અને કાર્યવાહી ચાલી રહી છે. કૌભાંડમાં સંડોવાયેલા અને હાલ જેલવાસ ભોગવી રહેલા કોન્ટ્રાક્ટર તથા તત્કાલીન ભાજપ જિલ્લા યુવા મોરચાના પ્રમુખ ચિરાગ પટેલની જામીન અરજી જિલ્લા અદાલતે ફરી એકવાર ફગાવી દીધી છે.
તમામ અરજીઓને અદાલતે નામંજૂર કરી
ચિરાગ પટેલે જેલમાંથી બહાર આવવા માટે બારેમાથે પ્રયત્નો કર્યા હતા. જાણવામાં આવ્યું છે કે, તેણે કોલેજની પરીક્ષા આપવા તથા બેંકમાંથી લોનની પ્રક્રિયા માટે હાજર રહેવાના બહાના હેઠળ કુલ ત્રણ વખત ટર્મ જામીન અરજીઓ કરી હતી, પરંતુ તમામ અરજીઓને અદાલતે નામંજૂર કરી દીધી છે. અદાલતના આ નિર્ણય બાદ ચિરાગ પટેલના તમામ હવાતિયા નિષ્ફળ ગયા છે અને કૌભાંડમાં સંડોવાયેલા અન્ય આરોપીઓમાં પણ ફફડાટ જોવા મળી રહ્યો છે.
14 આરોપીઓની ધરપકડ
ચિરાગ પટેલ "આર્યા ઇન્ફ્રાસ્ટ્રક્ચર" નામની એજન્સી ચલાવે છે અને તેના પર રૂપિયાની રિકવરી છે. કૌભાંડને પગલે અત્યાર સુધી 14 આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે, જ્યારે અંદાજે 16 જેટલા આરોપીઓની જામીન અરજીઓ પણ અદાલત દ્વારા ફગાવાઈ છે. આ નિર્ણય બાદ કૌભાંડમાં સંડોવાયેલા કેટલાક લોકો ભૂગર્ભમાં જઈ છુપાઈ જવાના સમાચાર મળી રહ્યા છે. નળ સે જળ જેવી જનકલ્યાણકારી યોજનામાં કરોડો રૂપિયાના ગેરવ્યવહાર મહીસાગર જિલ્લામાં ભારે ચકચાર મચાવી છે, અને હવે તપાસ એજન્સીઓએ આરોપીઓ સુધી પહોંચવા વધુ ગતિશીલ બની છે.






