ગુજરાત ATSએ કચ્છના નારાયણ સરોવર વિસ્તારમાંથી પાકિસ્તાન માટે જાસૂસી કરતા એક યુવકની ધરપકડ કરી છે. આ યુવક માતાના મઢમાં મલ્ટી પરપઝ હેલ્થ વર્કર તરીકે નોકરી કરતો આ સાથે જ તે BSF અને નેવીની મહત્ત્વની ગુપ્ત માહિતી વોટ્સએપ દ્વારા પાકિસ્તાનના એજન્ટને મોકલતો હતો. આ અંગે બાતમી મળતા ગુજરાત ATSએ તેની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
બાતમીના આધારે ગુજરાત એ.ટી.એસના ઉચ્ચ અધિકારી ઓને જાણ કરતા કેન્દ્રીય એજન્સી દ્રારા બાતમી અંગે ખાતરી કરી પોલીસે ટેકનીકલ તથા હ્યુમન રીસોર્સીસ દ્વારા વર્ક આઉટ કરી શખ્સની અટકાયત કરી પૂછપરછ અર્થે એ.ટી.એસ અમદાવાદ ખાતે લાવવામાં આવ્યો હતો. જે પૂછપરછ દરમ્યાન જાણવા મળેલ કે, તે છેલ્લા એકાદ વર્ષથી પી.એચ.સી., માતાના મઢમાં મલ્ટી પરપઝ હેલ્થ વર્કર તરીકે દયાપર-૧ બીટમાં કોન્ટ્રાકટ ઉપર નોકરી કરે છે. તે ૨૦૨૩ જુન કે જુલાઇથી અદિતી ભારદ્વાજ નામ ધારણ કરનાર કોઇ પાકિસ્તાની એજન્ટ સાથે WhatsApp દ્વારા સંપર્કમાં હતો. આ પાકિસ્તાની મહીલા એજન્ટ સાથે મિત્રતા થતા મહીલા એજન્ટ દ્વારા પોતાના ગામ આસપાસ બી.એસ.એફ., ભારતીય નૌકાદળની ઓફિસોના અને ત્યા થતા નવા બાંધકામના ફોટો અને વિડિયો માંગતા પકડાયેલા આરોપી સહદેવસિંહએ બી.એસ.એફ. અને ભારતીય નૌકાદળના કાર્યક્ષેત્રમાં આવતા વિસ્તારમાં ચાલતા બાંધકામ અને નવા થનાર બાંધકામના વિષેની ગુપ્ત અને સંવેદનશીલ માહીતીના ફોટા અને વિડીયો WhatsApp મારફતે દુશ્મન દેશ પાકિસ્તાનના એજન્ટને આપતો હતો. આ પાકિસ્તાની એજન્ટ આરોપી સહદેવસિંહ ગોહિલને આર્થિક રીતે મદદ પણ કરતો હતો.
જાન્યુઆરી-૨૦૨૫માં સહદેવસિંહે પોતાના અધારકાર્ડથી પોતાના નામનુ JOI કંપનીનું સીમકાર્ડ લઈ ફેબ્રુઆરી ૨૦૨૫માં આ પાકિસ્તાનના એજન્ટને WhatsApp ઑટીપી આપી WhatsApp ચાલુ કરી આપેલ અને તે WhatsApp નંબર પર પણ બી.એસ.એફ. અને ભારતીય નૌકાદળના કાર્યક્ષેત્રમાં આવતા વિસ્તાર ખાતે આવેલ ઓફિસોના ફોટો અને તે વિસ્તારમાં ચાલતા બાંધકામના નવા અને જુના ફોટો અને વિડિયો શેર કરતો હતો. પકડાયેલ આરોપી સહદેવસિંહ ગોહિલના મોબાઇલ ફોનને FSL ખાતે ફોરેન્સીક એનાલીસીસ માટે મોકલી આપયો છે.
FSL ખાતેથી આરોપીના મોબાઈલ ફોનના ડેટા મેળવી તે ડેટાનો ટેકનીકલ એનાલીસ વર્કઆઉટ કરી તેમાંથી પાકિસ્તાન મહીલા એજન્ટ સાથેની વોટ્સએપ ચેટ તેમજ કોલ તથા મોકલેલ સંવેદનશીલ અને ગુપ્ત માહિતીના જરૂરી પુરાવા મળેલા છે. આ આધાર પુરાવાને લઈ સહદેવસિંહ દિપુભા ગોહિલ તથા પાકીસ્તાની મહિલા એજન્ટ અદિતી ભારદ્વાજ દ્વારા બી.એસ.એફ. અને ભારતીય નૌકાદળ અંગેની રાષ્ટ્રીય સુરક્ષાને લગતી ગુપ્ત અને સંવેદનશીલ માહીતી ગેરકાયદેસર રીતે મેળવી આપ-લે કરેલી છે. જે આધારે ગુજરાત એ.ટી.એસ ખાતે ગુનો રજીસ્ટર કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.





