Home Gujarat Tharad Karanpura Khettalavadi Rajasthan Youths Drowning Accident

ખેત તલાવડીમાં ડૂબી જવાથી રાજસ્થાનના બે યુવાનના મોત : એકને બચાવવા જતા બીજો યુવક પણ ડૂબ્યો

Tharad youth Drowning Accident
Published by: Nirali Gohil
Last Updated: May 29, 2026, 04:15 AM IST

Tharad News: બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના કરણપુરા ગામે એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જેમાં ખેત તલાવડીમાં ડૂબી જવાથી રાજસ્થાનના બે યુવાનોના કમનસીબ મોત નિપજ્યા છે. એક મિત્રને પાણીમાંથી બહાર કાઢવાની કોશિશમાં બીજા મિત્રએ પણ પોતાના જીવનું જોખમ ખેડ્યું હતું, પરંતુ કુદરતની કરૂણતા જુઓ કે બંને યુવાનો કાળનો કોળિયો બની ગયા. આ ઘટનાએ માત્ર મૃતકોના પરિવારજનોને જ નહીં, પરંતુ સમગ્ર પંથકને શોકમગ્ન કરી દીધું છે. મૂળ રાજસ્થાનના બાડમેર જિલ્લાના રહેવાસી આ બંને યુવાનો થરાદના કરણપુરા ગામના ખેતરમાં મજૂરીકામ અર્થે આવ્યા હતા. 28 મેની રાત્રે જ્યારે આ દુર્ઘટના ઘટી ત્યારે ત્યાંના મજૂર પરિવારોમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. ઘટનાની ગંભીરતાને જોતા સ્થાનિક લોકો પણ દોડી આવ્યા હતા અને તાત્કાલિક તંત્રને જાણ કરવામાં આવી હતી.

કેવી રીતે બની આ કરૂણ દુર્ઘટના?

પ્રાપ્ત વિગતો અનુસાર, 28 મેની રાત્રે આશરે 10 વાગ્યાના અરસામાં ખેતરમાં કામ કરતા કેટલાક મજૂરો ખેત તલાવડીની પાળ પર બેસીને ન્હાવા માટે ગયા હતા. તે દરમિયાન, માજીરાણા અરવિંદ હરિરામભાઈનો પગ અચાનક લપસી જતાં તે તલાવડીના ઊંડા પાણીમાં ખાબક્યો હતો. પાણી વધુ ઊંડું હોવાથી તે બહાર નીકળી શક્યો નહોતો. પોતાના મિત્રને ડૂબતો જોઈને બીજો યુવાન માજીરાણા પ્રકાશ કેવળરામ તેને બચાવવા માટે પાણીમાં કૂદ્યો હતો. જોકે, પાણીના વમળમાં બંને યુવાનો ફસાઈ ગયા હતા અને બહાર આવવા માટે કરેલા તમામ પ્રયત્નો નિષ્ફળ રહ્યા હતા.

ફાયર બ્રિગેડની 40 મિનિટની ભારે જહેમત

ઘટનાની જાણ થતા જ થરાદ નગરપાલિકાના ફાયર વિભાગને તાત્કાલિક જાણ કરવામાં આવી હતી. ફાયર ઓફિસર વિરમજી રાઠોડની આગેવાની હેઠળ ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. જવાનોએ અંધારામાં પણ ઓપરેશન હાથ ધરીને ભારે જહેમત બાદ અંદાજે 40 મિનિટમાં બંને યુવાનોના મૃતદેહોને પાણીમાંથી બહાર કાઢ્યા હતા. ઘટનાસ્થળે ફાયર ટીમ પહોંચી ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ચૂક્યું હતું અને બંનેના શ્વાસ થંભી ગયા હતા.

આ પણ વાંચો: સુરતની ડાયમંડ હોસ્પિટલનો ચમત્કાર: 49 વર્ષીય મહિલાના પેટમાંથી 8.400 કિલોની વિશાળ ગાંઠ સફળ સર્જરીથી દૂર કરાઈ

પોસ્ટમોર્ટમ બાદ મૃતદેહ વતન રવાના

તંત્ર દ્વારા મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. પોસ્ટમોર્ટમની કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ થયા બાદ મૃતકોના પરિવારજનોના કરૂણ આક્રંદ વચ્ચે મૃતદેહોને તેમના વતન રાજસ્થાનના બાડમેર ખાતે લઈ જવામાં આવ્યા હતા. પોલીસે આ મામલે અકસ્માત મોતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. આ અકાળે થયેલા મોતને પગલે મજૂર પરિવારોમાં ઘેરા શોકની લાગણી પ્રસરી ગઈ છે.

ફાયર ઓફિસર વિરમજી રાઠોડે શું કહ્યું?

ફાયર ઓફિસર વિરમજી રાઠોડે જણાવ્યું હતું કે, ગઈકાલ અમને ફાયર સ્ટેશનમાં કોલ મળ્યો કે, થરાદ તાલુકાના કરણપુરા ગામની એક ખેતતલાવડીની પાળ પર બેસી બે યુવાન નહાતા હતા. એમાં એક યુવાન લપસી જતાં અંદર ગરકાવ થઈ ગયો હતો, તો બીજો તેને બચાવવા માટે ગયો. જો કે, એ પણ પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. જેથી મારી ફાયર ટીમ ઘટનાસ્થળે પહોંચી, બંને યુવાનની ડેડબોડી ખેતતલાવડીમાંથી બહાર કાઢી હતી. મૃતદેહ બહાર કાઢ્યા બાદ પીએમ અર્થે પોલીસને સોંપી હતી. પોલીસે એમના પરિવાર સાથે મળી આગળની કાર્યવાહી હાથધરી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now