Surat News: આજના સમયમાં ઘરેલું હિંસા અને માનસિક ત્રાસના કિસ્સાઓ માત્ર મહિલાઓ પૂરતા સીમિત નથી રહ્યા, પરંતુ પુરુષો પણ આનો ભોગ બની રહ્યા હોવાનો એક ચોંકાવનારો કિસ્સો સુરતમાંથી સામે આવ્યો છે. સુરતના પાંડેસરા વિસ્તારમાં રહેતા એક યુવકે પત્ની અને સાસરિયા પક્ષના અસહ્ય માનસિક અને શારીરિક ત્રાસથી કંટાળીને સુરત જિલ્લા કલેક્ટરને ‘ઈચ્છા મૃત્યુ’ માટે લેખિત અરજી કરી છે. યુવકનો આરોપ છે કે પોલીસ તરફથી કોઈ યોગ્ય મદદ ન મળતા આખરે તેને આ આત્યંતિક પગલું ભરવાની ફરજ પડી છે.
શું છે સમગ્ર મામલો?
મળતી માહિતી મુજબ, સુરતના પાંડેસરા સ્થિત ગોપાલ નગરમાં રહેતા કિરીટ પટેલે જિલ્લા કલેક્ટરને સંબોધીને એક અરજી કરી છે. જેમાં તેમણે પોતાની પત્ની મોનિકા, સાસુ શર્મિલા અને સાળા દીપક સામે ગંભીર આક્ષેપો કર્યા છે. કિરીટે આરોપ લગાવ્યો છે કે તેની પત્ની, સાસુ, સાળો અને સાળાની પત્ની તેને સતત માનસિક ત્રાસ આપી રહ્યા છે અને અવારનવાર તેની સાથે મારપીટ પણ કરે છે.
ખંડણી માંગવાનો અને 12 વર્ષના દીકરાને માર મારવાનો આરોપ
કિરીટ પટેલે પોતાની અરજીમાં માત્ર પોતાના પર થતા અત્યાચાર જ નહીં, પરંતુ તેના ૧૨ વર્ષના માસૂમ દીકરા પર થતા ઝુલમની વાત પણ જણાવી છે. કિરીટનો આરોપ છે કે સાસરિયા પક્ષના લોકો તેની સાથે મારપીટ કરીને નાણાં (ખંડણી)ની માંગણી કરી રહ્યા છે. તેના 12 વર્ષના દીકરાને પણ નિર્દયતાથી માર મારવામાં આવે છે. પત્ની મોનિકા વારંવાર '181 અભયમ' મહિલા હેલ્પલાઇન પર ખોટા કોલ કરીને તેને અને તેના પરિવારને ધાક-ધમકીઓ આપે છે અને ફસાવી દેવાની ધમકી આપે છે.
પોલીસની કામગીરી સામે પણ ઉઠ્યા સવાલ
પીડિત યુવક કિરીટના જણાવ્યા અનુસાર, આ ત્રાસ અંગે તેણે અગાઉ પાંડેસરા પોલીસ સ્ટેશનમાં પણ લેખિત અરજી આપી હતી. પરંતુ પોલીસે સાસરિયાઓ સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવાના બદલે બંને પક્ષો વચ્ચે માત્ર સમજાવટ કરીને મામલો થાળે પાડી યુવકને ઘરે મોકલી આપ્યો હતો. પોલીસની આ ઢીલી નીતિના કારણે સાસરિયાઓનો ત્રાસ ઘટવાના બદલે વધુ વધી ગયો હતો.
મોતને વ્હાલું કરતાં પહેલા ઈચ્છા મૃત્યુ બહેતર: પીડિત યુવક
સતત મળતા માનસિક ત્રાસ અને પોલીસ તરફથી ન્યાય ન મળવાને કારણે કિરીટ પટેલ સંપૂર્ણપણે ભાંગી પડ્યો છે. તેણે જણાવ્યું કે આ પરિસ્થિતિમાં તે આપઘાત કરવા માટે મજબૂર બન્યો છે, પરંતુ કાયદાનું સન્માન જાળવીને તેણે આપઘાત કરવાના બદલે સુરત જિલ્લા કલેક્ટર પાસે કાયદેસર રીતે 'ઈચ્છા મૃત્યુ'ની માંગ કરી છે. આ ઘટનાએ સમાજમાં પુરુષો પર થતા ઘરેલું ત્રાસ અને કાયદાકીય રક્ષણના અભાવ અંગે ફરી એકવાર ચર્ચા જગાવી છે. હાલમાં કલેક્ટર કચેરી દ્વારા આ અરજી અંગે શું પગલાં લેવામાં આવે છે તેના પર સૌની નજર છે.





