Surat News: તબીબી જગતમાં ક્યારેક એવા કિસ્સાઓ સામે આવે છે જે સામાન્ય માણસને આશ્ચર્યચકિત કરી દે છે. આવો જ એક અદભુત અને જટિલ કિસ્સો સુરતની જાણીતી ડાયમંડ હોસ્પિટલમાંથી સામે આવ્યો છે. અહીંના કુશળ તબીબોની ટીમે એક 49 વર્ષીય મહિલા દર્દીના પેટમાંથી સફળ ઓપરેશન કરીને 8.400 કિલોગ્રામ વજનની વિશાળ ગાંઠ બહાર કાઢીને નવું જીવન આપ્યું છે.
એક વર્ષની અસહ્ય પીડાનો અંત
મળતી માહિતી મુજબ, આ 49 વર્ષીય મહિલા દર્દી છેલ્લા એક વર્ષથી પેટમાં ભારે પીડા, સોજો અને ભારે અસ્વસ્થતાનો સામનો કરી રહ્યા હતા. સમય જતાં તેમનું પેટ અસાધારણ રીતે મોટું થઈ રહ્યું હતું, જેના કારણે તેમને હરવા-ફરવામાં અને દૈનિક કાર્યો કરવામાં ભારે તકલીફ પડતી હતી. પ્રાથમિક તપાસ બાદ જ્યારે તેઓ ડાયમંડ હોસ્પિટલ આવ્યા, ત્યારે તબીબો પણ રિપોર્ટ જોઈને ચોંકી ગયા હતા.
સમગ્ર પેટમાં ફેલાયેલી હતી વિશાળ ગાંઠ
ડાયગ્નોસિસ દરમિયાન જાણવા મળ્યું કે આ ગાંઠ કોઈ સામાન્ય કદની નહોતી, પરંતુ તે સમગ્ર પેટના ભાગમાં ફેલાયેલી હતી. તબીબોના જણાવ્યા અનુસાર ગાંઠનું કદ 28 X 15 X 28 સેન્ટીમીટર, ગાંઠનું વજન 8.400 કિલોગ્રામ. ગાંઠ એટલી મોટી હતી કે તેણે પેટના અન્ય મહત્વના અંગો પર બાણ લાવવાનું શરૂ કરી દીધું હતું, જેના કારણે દર્દીની સ્થિતિ દિનપ્રતિદિન નાજુક બની રહી હતી.
તબીબી જગતમાં મોટો કિસ્સો
મહિલાના શરીરમાં આટલી વિશાળ અને દુર્લભ ગાંઠ હોવી અને તેની સર્જરી કરવી એ તબીબી ક્ષેત્રે ખૂબ જ જોખમી અને ભાગ્યે જ જોવા મળતો કિસ્સો (Rare Case) છે. સામાન્ય રીતે આટલી મોટી ગાંઠ આસપાસની લોહીની નસો અને અંગો સાથે જોડાયેલી હોય છે, જેથી સર્જરી દરમિયાન ભારે રક્તસ્ત્રાવ થવાનું જોખમ રહે છે. આ પ્રકારની જટિલ સર્જરીઓ માટે અત્યંત ચોકસાઈ અને અનુભવી ટીમની જરૂર પડે છે. ડાયમંડ હોસ્પિટલના ડોક્ટરોએ આ પડકાર ઉપાડીને સફળતાપૂર્વક ઓપરેશન પાર પાડ્યું છે."
સુરતમાં ઘરમાંથી ચાલતો નશાકારક ગોળીઓનો કાળો કારોબાર ઝડપાયો : લિંબાયત પોલીસે આરોપીને ઝડપી પાડ્યો
સફળ સર્જરી બાદ દર્દીને રાહત
હોસ્પિટલની ગાયનેકોલોજી અને સર્જરી વિભાગની ટીમે ભારે જહેમત બાદ આ ઓપરેશન સફળતાપૂર્વક પૂર્ણ કર્યું અને દર્દીના પેટમાંથી 8.400 કિલોની આ આખી ગાંઠ સુરક્ષિત રીતે બહાર કાઢી લીધી. ઓપરેશન સફળ થતાં જ દર્દી અને તેમના પરિવારે રાહતનો શ્વાસ લીધો છે અને હોસ્પિટલના સ્ટાફ તેમજ તબીબોનો આભાર માન્યો છે. સુરતની ડાયમંડ હોસ્પિટલે ફરી એકવાર સાબિત કર્યું છે કે આધુનિક ટેકનોલોજી અને કુશળ તબીબોના સમન્વયથી ગમે તેટલા જટિલ કેસને પણ ઉકેલી શકાય છે.





