Home Gujarat Mahesana Congress 33 Members Suspended Six Years

મહેસાણા કોંગ્રેસમાં મોટો ભડકો : પક્ષ વિરોધી પ્રવૃત્તિ બદલ ૩૩ હોદ્દેદારો અને સભ્યો 6 વર્ષ માટે સસ્પેન્ડ

Mehsana News
Published by: Viral Patel
Last Updated: May 29, 2026, 03:05 PM IST

Mehsana News: ગુજરાત રાજકારણના સૌથી મોટા સમાચાર મહેસાણા જિલ્લામાંથી સામે આવી રહ્યા છે. મહેસાણા જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનારાઓ સામે લાલ આંખ કરીને એક સાથે ૩૩ સભ્યોને પક્ષમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. પક્ષના આ આકરા નિર્ણયથી સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવી ગયો છે અને કોંગ્રેસ છાવણીમાં ફફડાટ વ્યાપી ગયો છે.

અમદાવાદ-મુંબઈ મુસાફરો માટે ખુશખબર : પશ્ચિમ રેલવે દોડાવશે બે જોડી સ્પેશિયલ ટ્રેનો, જાણો સંપૂર્ણ માહિતી

6 વર્ષ માટે પક્ષના પ્રાથમિક સભ્ય પદેથી હકાલપટ્ટી

મળતી માહિતી મુજબ, તાજેતરમાં યોજાયેલી ચૂંટણીઓ અથવા પક્ષના આંતરિક કાર્યક્રમો દરમિયાન આ સભ્યો દ્વારા પક્ષ વિરોધી પ્રવૃત્તિઓ કરવામાં આવી હોવાનું સામે આવ્યું હતું. કોંગ્રેસના માન્ય ઉમેદવારોને નુકસાન પહોંચાડવા અને પક્ષની શિસ્તનો ભંગ કરવા બદલ આ તમામ આગેવાનો અને હોદ્દેદારો સામે આકરો નિર્ણય લેવામાં આવ્યો છે. આ તમામ 33 સભ્યોને 6 વર્ષ માટે પક્ષના પ્રાથમિક સભ્ય પદેથી સસ્પેન્ડ કરી દેવાયા છે. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ બળદેવજી ઠાકોર દ્વારા આ સસ્પેન્શનનો સત્તાવાર આદેશ જારી કરવામાં આવ્યો છે. પક્ષમાં શિસ્તભંગ ચલાવી લેવામાં નહીં આવે તેવો સ્પષ્ટ સંકેત આ નિર્ણય દ્વારા આપવામાં આવ્યો છે.

ઊંઝા તાલુકા પ્રમુખ ડી. ટી. ઝાલા સહિતના મોટા માથાઓ પર તવાઈ

સસ્પેન્ડ કરાયેલા સભ્યોની યાદીમાં ઘણા મોટા અને જાણીતા ચહેરાઓ સામેલ છે, જે પક્ષ માટે મોટો ઝટકો માનવામાં આવી રહ્યો છે. આ યાદીમાં સૌથી મોટું નામ ઊંઝા તાલુકા કોંગ્રેસ પ્રમુખ ડી. ટી. ઝાલાનું છે, જેમને પદ પરથી હટાવી પક્ષમાંથી હાંકી કઢાયા છે. મહેસાણા જિલ્લાના જુદા જુદા પંથકો જેવા કે મહેસાણા, વડનગર, વિસનગર, ખેરાલુ અને ઊંઝા પંથકના કોંગ્રેસ કાર્યકરો તેમજ હોદ્દેદારો પર પક્ષે કડક કાર્યવાહી કરી છે.

પારિવારિક ત્રાસથી યુવકે કલેક્ટર પાસે માંગી ‘ઈચ્છા મૃત્યુ’ની મંજૂરી : સાસરિયાઓ સામે લગાવ્યા ગંભીર આક્ષેપ

ઉચ્ચ નેતૃત્વને કરાઈ જાણ

જિલ્લા પ્રમુખ બળદેવજી ઠાકોર દ્વારા લેવાયેલા આ આકરા પગલાં અંગેની લેખિત જાણ અને પત્રની નકલ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા અને ગુજરાત કોંગ્રેસના પ્રભારી મુકુલ વાસનિકજીને પણ રવાના કરી દેવામાં આવી છે. પક્ષના જ નેતાઓ દ્વારા આંતરિક રીતે નુકસાન પહોંચાડવાની આ પ્રવૃત્તિ સામે હાઈકમાન્ડના આદેશ અને સંમતિ બાદ જ આટલું મોટું ઓપરેશન પાર પાડવામાં આવ્યું હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. આગામી દિવસોમાં આ સસ્પેન્શનને કારણે મહેસાણાના રાજકારણમાં કેવા સમીકરણો રચાય છે તે જોવું રહ્યું.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now