Tharad News: ગુજરાતના રાજકારણમાં હાલના સમયમાં ફોર્મ ચકાસણીની પ્રક્રિયાને લઈને ગરમાવો જોવા મળી રહ્યો છે. આ દરમિયાન થરાદના કોંગ્રેસના અગ્રણી ઠાકરશી રબારીએ સ્થાનિક ચૂંટણી તંત્ર અને અધિકારીઓની કામગીરી પર ગંભીર સવાલો ઉઠાવતા સનસનાટીભર્યું નિવેદન આપ્યું છે. તેમણે સીધો આરોપ લગાવ્યો છે કે અધિકારીઓ કાયદાને નેવે મૂકીને મનમાની કરી રહ્યા છે અને લોકશાહીની હત્યા થઈ રહી છે.
અધિકારીઓની મનમાની સામે લાલ આંખ
ઠાકરશી રબારીએ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ફોર્મ ચકાસણી અને તેને માન્ય કે અમાન્ય રાખવાની પ્રક્રિયામાં અધિકારીઓ સંપૂર્ણપણે પક્ષપાતી વલણ અપનાવી રહ્યા છે. તેમણે આક્ષેપ કર્યો કે, "અધિકારીઓ કાયદાની મર્યાદાઓ ઓળંગીને પોતાની મનમાની કરી રહ્યા છે, જે લોકશાહી માટે અત્યંત જોખમી છે."
આ પણ વાંચો: આદર્શ આચાર સંહિતામાં મોટો ફેરફાર : હવે નિયમ ભંગ કરતાં જ સીધી FIR, ચૂંટણી પંચનો કડક નિર્ણય
"અધિકારીઓ પોતે પણ દુઃખી છે"
ઠાકરશી રબારીએ વધુમાં દાવો કર્યો હતો કે, જે અધિકારીઓ આ પ્રક્રિયા કરી રહ્યા છે તેઓ પોતે પણ માનસિક રીતે દબાણમાં છે. તેમણે કહ્યું કે, "મેં અધિકારીઓના ચહેરા જોયા છે, તેઓ અંદરથી દુઃખી છે. તેમને પણ સારી રીતે ખબર છે કે તેઓ જે કરી રહ્યા છે તે લોકશાહીની હત્યા સમાન છે, પરંતુ ઉપરના દબાણ હેઠળ તેઓ મજબૂર છે."
હાઈકોર્ટના દરવાજા ખટખટાવવાની તૈયારી
કોંગ્રેસ અગ્રણીએ ચેતવણી આપતા જણાવ્યું હતું કે, જે અધિકારીઓ આજે કાયદા વિરુદ્ધ જઈને કામ કરી રહ્યા છે, ભવિષ્યમાં તેમના માટે જ આ સમગ્ર પ્રકરણ મુસીબત બનશે. તેમણે સ્પષ્ટ કર્યું કે, આ મામલે તેઓ હાઈકોર્ટના દ્વાર ખટખટાવશે અને આ અધિકારીઓ પોતે જ કોર્ટમાં નિમિત બનશે, જેનાથી તેમની જવાબદારી નક્કી થશે.
આ પણ વાંચો: સુરત કોંગ્રેસમાં આંતરિક વિસ્ફોટ : ઉમેદવારનું ફોર્મ રદ થતા પ્રમુખ પર ‘પૈસા ખાઈને ભાજપને જીતાડવાના’ આક્ષેપ
"થરાદની ધરતી પર લોકશાહી બચાવવા યુદ્ધ ખેલાશે"
ઠાકરશી રબારીએ આકરા પાણીએ આવીને ચીમકી ઉચ્ચારી હતી કે, જો આવી જ રીતે લોકશાહીને કલંકિત કરવાનું કાવતરું ચાલુ રહેશે, તો થરાદમાં મોટું આંદોલન છેડાશે. તેમણે જણાવ્યું હતું કે, "થરાદની ધરતી પર લોકશાહી બચાવવા માટે હવે યુદ્ધ ખેલાશે. જે અધિકારીઓ અત્યારે બેફામ બન્યા છે, તેમને ભવિષ્યમાં બચવાનો સમય પણ નહીં મળે." આ નિવેદન બાદ થરાદના રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જાગી છે. આગામી દિવસોમાં આ મામલો વધુ ગંભીર વળાંક લેશે તેમ લાગી રહ્યું છે.






