Home Gujarat Surat Surat Congress Ward No 10 Candidates Form Cancelled Serious Allegations Against City President

સુરત કોંગ્રેસમાં આંતરિક વિસ્ફોટ : ઉમેદવારનું ફોર્મ રદ થતા પ્રમુખ પર ‘પૈસા ખાઈને ભાજપને જીતાડવાના’ આક્ષેપ

Surat Congress Political Controversy
Published by: Nirali Gohil
Last Updated: Apr 13, 2026, 11:17 AM IST

Surat Congress: સુરત મહાનગરપાલિકાની આગામી ચૂંટણી પૂર્વે જ કોંગ્રેસમાં આંતરિક વિખવાદ અને જૂથબંધી ચરમસીમાએ પહોંચી હોય તેવું લાગી રહ્યું છે. વોર્ડ નંબર 12 બાદ હવે વોર્ડ નંબર 10માં પણ કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. અહીં કોંગ્રેસના મહિલા ઉમેદવાર દુર્ગાવતી નિષાદનું ફોર્મ રદ કરવામાં આવતા પક્ષમાં ખળભળાટ મચી ગયો છે. આ મામલે ઉમેદવારે શહેર કોંગ્રેસ પ્રમુખ વિપુલ ઉધનાવાલા પર ભાજપ સાથે મિલીભગત કરી હોવાના ગંભીર આરોપો લગાવ્યા છે.

મેન્ડેટ જમા ન કરાવતા ફોર્મ રદ

સુરતના વોર્ડ નંબર 10 માંથી કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી લડવા તૈયાર થયેલા દુર્ગાવતી નિષાદનું ફોર્મ ટેકનિકલ કારણોસર રદ કરવામાં આવ્યું છે. જાણવા મળતી માહિતી મુજબ, શહેર કોંગ્રેસ પ્રમુખ દ્વારા સમયસર સત્તાવાર મેન્ડેટ (પક્ષનો આદેશ) ચૂંટણી અધિકારી સમક્ષ રજૂ કરવામાં આવ્યો ન હતો. મેન્ડેટના અભાવે ચૂંટણી પંચે તેમનું ઉમેદવારી પત્ર રદ જાહેર કર્યું છે. જેના કારણે હવે આ વોર્ડમાં કોંગ્રેસનો એક ઉમેદવાર ઓછો થઈ ગયો છે.

આ પણ વાંચો: "અમે સહી કરી જ નથી"! : અપક્ષના ટેકેદારોએ ફોર્મ ખોટા હોવાનો ધડાકો કરતા કલેક્ટર કચેરીમાં પોલીસ બોલાવવી પડી

શહેર પ્રમુખ પર ‘સોદાબાજી’ ના આક્ષેપ

ફોર્મ રદ થતા જ ઉમેદવાર દુર્ગાવતી નિષાદે મીડિયા સમક્ષ પોતાનો રોષ ઠાલવ્યો હતો. તેમણે સીધો જ આંગળી ચીંધતા જણાવ્યું હતું કે, શહેર પ્રમુખ વિપુલ ઉધનાવાલાએ ભાજપને ફાયદો કરાવવા માટે જાણી જોઈને મેન્ડેટ જમા કરાવ્યું નથી. તેમણે આક્ષેપ કર્યો હતો કે, "વિપુલ ઉધનાવાલાએ પૈસા લઈને ભાજપને જીત અપાવવા માટે આ આખી રમત રમી છે." ઉમેદવારના આ આક્ષેપોથી સુરતના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.

"મારે ચૂંટણી લડવી છે, મને કંઈ થશે તો જવાબદારી પ્રમુખની"

ભાવુક બનેલા ઉમેદવારે વધુમાં જણાવ્યું હતું કે, તેઓ વર્ષોથી પક્ષ માટે મહેનત કરી રહ્યા છે અને તેમને ચૂંટણી લડવામાં રસ છે, પરંતુ પક્ષના જ હોદ્દેદારો તેમની સાથે દગો કરી રહ્યા છે. તેમણે એમ પણ કહ્યું કે, "જો આ માનસિક તાણ કે આ ઘટનાને કારણે મને કંઈ પણ થશે, તો તેની સંપૂર્ણ જવાબદારી શહેર કોંગ્રેસ પ્રમુખની રહેશે."

કોંગ્રેસ માટે કપરા ચઢાણ

એક જ દિવસમાં બે વોર્ડમાં ફોર્મ રદ થવાની ઘટનાએ કોંગ્રેસની ચૂંટણી વ્યૂહરચના અને આંતરિક શિસ્ત પર અનેક સવાલો ઉભા કર્યા છે. એક તરફ ભાજપ મજબૂતીથી મેદાને છે, ત્યારે બીજી તરફ કોંગ્રેસ પોતાના ઉમેદવારોના ફોર્મ બચાવવામાં પણ નિષ્ફળ રહી હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે. હવે જોવાનું એ રહેશે કે પ્રદેશ હાઈકમાન્ડ આ મામલે શહેર પ્રમુખ સામે કેવા પગલાં ભરે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now