Thalapathy Vijay: તમિલનાડુની રાજનીતિમાં મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે. અભિનેતા અને રાજકારણી વિજયની પાર્ટી ‘તમિલગા વેત્રી કઝગમ’ (TVK) હવે રાજ્યમાં સરકાર બનાવવાની સૌથી મજબૂત દાવેદાર બની ગઈ છે. રાજકીય સૂત્રોના જણાવ્યા મુજબ કોંગ્રેસ, VCK, CPI અને CPMએ TVKને સમર્થન આપવા સંમતિ દર્શાવી છે. આ ટેકાથી હવે વિજય પાસે બહુમતી માટે જરૂરી 118 ધારાસભ્યોનો આંકડો પૂર્ણ થતો દેખાઈ રહ્યો છે. આ મહત્વપૂર્ણ રાજકીય વિકાસ વચ્ચે TVK પ્રમુખ વિજય આજે સાંજે રાજ્યપાલ રાજેન્દ્ર આર્લેકરને મળવાના છે. સરકાર રચનાના દાવા સાથે તેમની રાજ્યપાલ સાથેની આ ત્રીજી બેઠક હશે. અગાઉ બે વખત રાજ્યપાલે TVKને સ્પષ્ટ બહુમતીનો પુરાવો રજૂ કરવા કહ્યું હતું.
સુપરસ્ટાર વિજયના સમર્થકો માટે સૌથી મોટા સમાચાર: 32 વર્ષ જૂનો કોર્ટનો નિર્ણય ખોલી શકે છે થલપતિના સિંહાસનનો રસ્તો
તમિલનાડુની ચૂંટણી બાદ ઉભી થયેલી અનિશ્ચિતતા હવે નિર્ણાયક તબક્કામાં પહોંચી છે. TVK સૌથી મોટી પાર્ટી તરીકે સામે આવી હોવા છતાં શરૂઆતમાં બહુમતીથી થોડા અંતરે હતી. હવે નાના પક્ષોના સમર્થનથી રાજકીય ગણિત ઝડપથી બદલાઈ રહ્યું છે. સુપરસ્ટાર થલપતિ વિજય જ બનશે તમિલનાડુના નવા મુખ્યમંત્રી. જરૂરી હતા તે બધા જ નંબર એક્ટરે પુરા કર્યા. પ્રાપ્ત માહિતી મુજબ TVKને કોંગ્રેસ, લેફ્ટ, VCKનું સમર્થન, હવે બહુમતી માટે 118 ધારાસભ્યો પૂરા; આજે સાંજે જાહેરાત કરવામાં આવશે. બધા જ રાજકીય પક્ષોને ધંધે લગાડીને છેલ્લાં ટાઈમે થલપતિ વિજયે કાઢ્યો હુકુમનો એક્કો. વિજયે રાહુલ ગાંધી સાથે વાતચીત કરવા ઉપરાંત પ્રાદેશિક કક્ષાએ ટીમો કામે લગાડીને પાર પાડ્યું મિશન તમિલનાડું.
કરુણાનિધિની પાછળ ઉભેલો રહસ્યમયી બાળક કોણ?: 2026ની ચૂંટણીમાં DMKને એકઝટકે જ કરી દીધી ધરાશાયી!
કોંગ્રેસ અને ડાબેરી પક્ષોના ટેકાથી TVK મજબૂત
રાજકીય સૂત્રો અનુસાર VCK, CPI અને CPMએ TVKને ટેકો આપવા તૈયારી દર્શાવી છે. આ ત્રણેય પક્ષોના 2-2 ધારાસભ્યો ચૂંટાયા છે. બીજી તરફ કોંગ્રેસ પાસે 5 ધારાસભ્યો છે અને પાર્ટીએ પહેલેથી જ વિજયને સમર્થન આપવાની જાહેરાત કરી દીધી છે. આ ટેકો માત્ર સંખ્યાબળ પૂરતો નથી, પરંતુ તમિલનાડુમાં એક નવા રાજકીય મોરચાની રચના તરીકે પણ જોવામાં આવી રહ્યો છે. ખાસ કરીને કોંગ્રેસ અને ડાબેરી પક્ષો દ્વારા TVKને મળતું સમર્થન એ સંકેત આપે છે કે રાજ્યમાં પરંપરાગત દ્રવિડ રાજનીતિની બહાર એક નવો રાજકીય વિકલ્પ ઊભો થઈ રહ્યો છે. રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે વિજયની લોકપ્રિયતા અને યુવા મતદારોમાં તેમની પકડને ધ્યાનમાં રાખીને નાના પક્ષોએ TVK સાથે જવું વધુ ફાયદાકારક માન્યું છે. ચૂંટણી પરિણામોએ પણ દર્શાવ્યું છે કે રાજ્યમાં પરિવર્તનની માંગ વધતી જઈ રહી છે.
પશ્ચિમ બંગાળના નવા મુખ્યમંત્રી બનશે સુવેન્દુ અધિકારી: રૂપા ગાંગુલી અને ઉત્તર બંગાળ માંથી બીજા ડેપ્યુટી CM, આવતીકાલે શપથવિધિ
DMK-AIADMK ગઠબંધનની અટકળોથી રાજકારણ ગરમાયું
આ સમગ્ર ઘટનાક્રમ વચ્ચે સૌથી વધુ ચર્ચા DMK અને AIADMK વચ્ચે સંભવિત ગઠબંધનની થઈ રહી છે. બંને પરંપરાગત દ્રવિડ પક્ષો સરકાર રચનાને લઈને કોઈ વ્યૂહરચના બનાવી રહ્યા હોવાના અહેવાલો સામે આવ્યા છે. TVKએ આ પરિસ્થિતિ પર કડક પ્રતિક્રિયા આપી છે. પાર્ટીએ સ્પષ્ટ કહ્યું છે કે જો DMK અને AIADMK મળીને સરકાર બનાવવાનો પ્રયાસ કરશે, તો TVKના તમામ ધારાસભ્યો રાજીનામું આપી દેશે. TVK નેતૃત્વનું માનવું છે કે રાજ્યમાં સૌથી વધુ જનસમર્થન મેળવનારી પાર્ટીને સત્તાથી દૂર રાખવા માટે રાજકીય રમત ચાલી રહી છે. સૂત્રોના જણાવ્યા મુજબ છેલ્લા બે દિવસમાં DMK અને AIADMK જૂથોની થયેલી બેઠકો પછી TVKમાં આ શંકા વધુ મજબૂત બની છે. આ પરિસ્થિતિએ તમિલનાડુની રાજનીતિને વધુ જટિલ બનાવી દીધી છે. દાયકાઓથી એકબીજાના વિરોધી રહેલા DMK અને AIADMK વચ્ચે સહકારની અટકળો પણ રાજ્યની રાજકીય ગંભીરતા દર્શાવે છે.
રાજ્યપાલ પર દબાણ, TVK સમર્થકો રસ્તા પર
રાજકીય અનિશ્ચિતતાની વચ્ચે TVK સમર્થકો પણ આક્રમક બન્યા છે. શુક્રવારે સવારે મોટી સંખ્યામાં કાર્યકરો લોકભવન બહાર એકત્ર થયા અને રાજ્યપાલ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા. પોલીસે પરિસ્થિતિ નિયંત્રણમાં લેવા માટે ઘણા સમર્થકોની અટકાયત કરી હતી. સમર્થકોનો આરોપ છે કે સૌથી મોટી પાર્ટીને સરકાર બનાવવાની તક આપવામાં વિલંબ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા પર પણ “Let Vijay Form Government” અભિયાન તેજ બન્યું છે. બીજી તરફ રાજ્યપાલ રાજેન્દ્ર આર્લેકરે ગુરુવારે બીજી વખત TVK પ્રમુખ વિજયની સરકાર બનાવવાની દાવેદારી નકારી કાઢી હતી. રાજ્યપાલે સ્પષ્ટ કર્યું હતું કે 118 ધારાસભ્યોના સમર્થનની સહી સાથે જ સરકાર રચનાનો દાવો સ્વીકારવામાં આવશે. જોકે રાજ્યપાલે TVKને એક મહત્વપૂર્ણ ખાતરી પણ આપી છે. તેમણે કહ્યું છે કે અન્ય કોઈ પક્ષને સરકાર બનાવવા આમંત્રિત નહીં કરવામાં આવે જ્યાં સુધી TVK પોતાની દાવેદારી રજૂ કરે.
કોંગ્રેસ સક્રિય, ખડગેએ CPI ને કર્યો ફોન
આ સમગ્ર રાજકીય સમીકરણમાં કોંગ્રેસ પણ સક્રિય ભૂમિકામાં જોવા મળી રહી છે. સૂત્રોના જણાવ્યા મુજબ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ CPIના જનરલ સેક્રેટરી ડી રાજા સાથે ફોન પર ચર્ચા કરી હતી. ખડગેએ CPIને TVKને સમર્થન આપવા અપીલ કરી હતી જેથી “બિનસાંપ્રદાયિક સરકાર” રચી શકાય. તેમણે એ પણ ભાર મૂક્યો કે નિર્ણય ઝડપથી લેવો જરૂરી છે જેથી BJPને “પાછલા દરવાજેથી સત્તા હડપવાનો મોકો” ન મળે. સૂત્રો મુજબ ડી રાજાએ જણાવ્યું હતું કે CPI આ મુદ્દે પોતાના સ્થાનિક સાથીદારો અને DMK સાથે ચર્ચા કર્યા પછી અંતિમ નિર્ણય લેશે. આ ઘટનાક્રમ દર્શાવે છે કે તમિલનાડુનું રાજકારણ હવે માત્ર રાજ્યસ્તરીય મુદ્દો નથી રહ્યું, પરંતુ રાષ્ટ્રીય રાજકીય સમીકરણો પણ તેની પાછળ કામ કરી રહ્યા છે.
DMK ફરી રાજ્યપાલ પદ વિરુદ્ધ
આ દરમિયાન DMK નેતા કનિમોઝી કરુણાનિધિએ ફરી એકવાર રાજ્યપાલ પદને લઈને પાર્ટીની જૂની માંગ દોહરાવી છે. તેમણે કહ્યું કે DMK હજુ પણ રાજ્યપાલની સંસ્થાના વિરોધમાં છે અને વર્તમાન રાજકીય પરિસ્થિતિએ બંધારણીય વ્યવસ્થાને લઈને નવા પ્રશ્નો ઊભા કર્યા છે. કનિમોઝીના નિવેદનથી સ્પષ્ટ થાય છે કે રાજ્યપાલની ભૂમિકાને લઈને તમિલનાડુમાં રાજકીય તણાવ હજુ પણ યથાવત છે. છેલ્લા કેટલાક વર્ષોમાં DMK અને રાજ્યપાલ વચ્ચે અનેક મુદ્દાઓ પર અથડામણ થઈ ચૂકી છે. હવે સૌની નજર આજે સાંજે થનારી વિજય અને રાજ્યપાલ વચ્ચેની બેઠક પર છે. જો TVK બહુમતીનો આંકડો સાબિત કરી શકશે, તો તમિલનાડુને ટૂંક સમયમાં નવો મુખ્યમંત્રી મળી શકે છે.





