ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS) દ્વારા નવસારીમાંથી ઝડપાયેલા આતંકી ફૈઝાન શેખની પૂછપરછ દરમિયાન ગંભીર અને ચોંકાવનારા ખુલાસાઓ સામે આવ્યા છે. ATSના જણાવ્યા અનુસાર, ફૈઝાન માત્ર હથિયારો છુપાવીને બેઠો નહોતો, પરંતુ માર્ચ 2026માં મોટા હુમલાને અંજામ આપવાની તૈયારીમાં હતો. તેની આ યોજના ‘મિશન માર્ચ’ તરીકે ઓળખાતી હતી, જેમાં હત્યાઓ કરીને રાજ્યમાં અશાંતિ ફેલાવવાનો ઉદ્દેશ હોવાનું સામે આવ્યું છે.

'મિશન માર્ચ': હોળી પહેલા હત્યાકાંડની હતી તૈયારી
ATSની રિમાન્ડ દરમિયાનની પૂછપરછમાં જાણવા મળ્યું છે કે ફૈઝાન શેખે તેના વિદેશી હેન્ડલર્સના ઇશારે માર્ચ 2026માં સાત વ્યક્તિઓની હત્યા કરવાનો કાવતરું ઘડ્યું હતું. આ ઘટનાને હોળી જેવા તહેવાર પહેલા અંજામ આપવાની યોજના હતી, જેથી સામાજિક અને સાંપ્રદાયિક તણાવ સર્જી શકાય. તપાસમાં ખુલ્યું છે કે ફૈઝાને ખાસ કરીને જાહેર જીવનમાં સક્રિય અને સોશિયલ મીડિયા પર ધાર્મિક મુદ્દાઓ પર અવાજ ઉઠાવતા હિન્દુવાદી નેતાઓ અને કાર્યકરોને નિશાન બનાવ્યા હતા.
કોણ હતા ટાર્ગેટમાં?
ફૈઝાનની હિટલિસ્ટમાં અભિષેક ઠાકુર, દક્ષ ચૌધરી, ગૌરવ રાજપૂત, ડૉ. પ્રકાશ, યુધી રાણા, અક્કુ પંડિત અને વિક્રાંત સહિત કુલ સાત લોકોના નામ સામેલ હતા. આ તમામ લોકો હિન્દુવાદી સંગઠનો સાથે સંકળાયેલા છે અથવા સોશિયલ મીડિયા પર સક્રિય હોવાનું ATSની તપાસમાં સામે આવ્યું છે. ફૈઝાન આ લોકોને “ગુસ્તાખ-એ-રસૂલ” ગણાવી તેમની હત્યા કરીને આતંકી વિચારધારાને આગળ ધપાવવા માંગતો હતો.
‘લોન વુલ્ફ એટેક’
તપાસમાં એ પણ બહાર આવ્યું છે કે ફૈઝાન માત્ર નામોની યાદી બનાવીને રોકાયો નહોતો, પરંતુ તેણે આ તમામ વ્યક્તિઓની રેકી શરૂ કરી દીધી હતી. તે લોકો ક્યાં રહે છે, ક્યારે બહાર જાય છે અને તેમની પાસે કેટલી સુરક્ષા છે તેની માહિતી એકત્ર કરી રહ્યો હતો. તેની યોજના મુજબ, જે વ્યક્તિની સુરક્ષા વ્યવસ્થામાં સૌથી વધુ કચાશ હોય તેને સૌપ્રથમ નિશાન બનાવવાનું હતું. ફૈઝાન ‘લોન વુલ્ફ એટેક’ એટલે કે એકલવ્યક્તિ દ્વારા નજીકથી ગોળીબાર કરીને હુમલો કરી ભાગી જવાની યોજના બનાવી રહ્યો હતો.
મોટું આતંકી કાવતરું નિષ્ફળ
ફૈઝાન શેખના 12 દિવસના રિમાન્ડનો સમયગાળો શનિવાર, 7 ફેબ્રુઆરીએ પૂર્ણ થઈ રહ્યો છે. અત્યાર સુધીની પૂછપરછમાં ATSને તેની પાસેથી ઉર્દૂ-અરબી સાહિત્ય, વિદેશી હેન્ડલર્સ સાથે થયેલા ડિજિટલ ચેટ્સ અને હથિયારોના સ્ત્રોત અંગે મહત્વની માહિતી મળી છે. જોકે, હજુ પણ તેને આર્થિક મદદ કરનારા લોકો અને સંભવિત સ્લીપર સેલની કડીઓ જોડવાની બાકી હોવાથી ATS દ્વારા વધુ રિમાન્ડની માંગ કરવામાં આવે તેવી શક્યતા છે. ATSની સમયસર કાર્યવાહીથી એક મોટું આતંકી કાવતરું નિષ્ફળ બન્યું છે. નવસારી જેવા શાંત વિસ્તારમાં ટેલરિંગના વ્યવસાયની આડમાં આતંકી પ્રવૃત્તિઓ ચલાવતો ફૈઝાન હાલ જેલમાં છે, પરંતુ તપાસ એજન્સીઓ માને છે કે ડિજિટલ માધ્યમથી યુવાનોને ભટકાવવાના પ્રયાસો હજુ પણ ચાલુ છે, જે સુરક્ષા દ્રષ્ટિએ ચિંતાજનક બાબત છે.




















