સુરતના લીંબાયત વિસ્તારમાં અસામાજિક તત્વોનો આતંક વધતો જાય છે. ગોડાદરા સ્થિત કૃષ્ણનગર વિસ્તારમાં દારૂ વેચનારા તથા દારૂ પીનારા ગેરકાયદેસર તત્વોએ એક પરિવારના મકાન પર મળીને હુમલો કર્યો હતો. ઘટનાની શરૂઆત ત્યારે થઈ જ્યારે સ્થાનિક રહીશો વિસ્તારમાં ચાલતા ગેરકાયદે દારૂના ધંધાનો વિરોધ કરી રહ્યા હતા. આ વિરોધથી નારાજ થયેલા બુટલેગરોના ઈશારા પર આશરે 15 થી વધુ લોકોએ એક મકાન પર પથ્થરમારો કર્યો અને તોડફોડ મચાવી હતી. આ હુમલાથી વિસ્તારમાં ભયનું વાતાવરણ છવાઈ ગયું છે.
આંગણવાડીની બહેનોએ પણ ગંભીર મુદ્દો ઉઠાવ્યો છે. તમને જણાવ્યું કે તેઓ રોજ સવારે ડ્યૂટી પર આવે છે ત્યારે આંગણવાડીની બહાર દારૂની ખાલી બોટલો અને કચરો જોવા મળે છે. આંગણવાડીની આસપાસ અસામાજિક તત્વોની અવરજવર વધી ગઈ છે, જેના કારણે બાળકો અને સ્ટાફની સુરક્ષાને લઈને ચિંતા ઊભી થઈ છે. તાજેતરમાં તો આંગણવાડીનો ગેટ કાપીને ચોરી ગયા હોવાની ઘટના સામે આવતા સ્થાનિકોમાં વધુ આક્રોશ ફેલાયો છે.
લીંબાયત પોલીસને ઘટનાની જાણ થતા જ તપાસ શરૂ કરવામાં આવી છે. મળતી માહિતી અનુસાર, મકાન પર હુમલા, દારૂના ગેરકાયદે વેચાણ અને આંગણવાડીની ચોરીમાં સામેલ તત્વોને ઓળખવા CCTV ફૂટેજ અને સાક્ષીઓના નિવેદનોના આધારે તપાસ આગળ વધી રહી છે. વિસ્તારમાં ફરીથી શાંતિનું વાતાવરણ સર્જાય તે માટે સ્થાનિક નાગરિકો પોલીસ પાસેથી કડક પગલાંની માંગણી કરી રહ્યા છે.






