કેન્દ્ર સરકારની કેબિનેટ નિમણૂક સમિતિ (ACC) દ્વારા દેશભરના વરિષ્ઠ સનદી અધિકારીઓના સ્તરે મહત્વપૂર્ણ ફેરફારો કરવામાં આવ્યા છે. આ નિર્ણય હેઠળ વિવિધ કેડરના અધિકારીઓને ઊંચા હોદ્દા પર બઢતી આપી નવી જવાબદારીઓ સોંપવામાં આવી છે. તેમાં ગુજરાત કેડરના ત્રણ IAS અધિકારીઓને એડિશનલ સેક્રેટરી તરીકે પ્રમોશન આપવામાં આવ્યું છે.
2 મહિલા સહિત 3 IAS અધિકારીને પ્રમોશન
સરકારી આદેશ મુજબ, ગુજરાત કેડરના 1996 બેચના IAS અધિકારી એમ.કે. ખંધારને સામાજિક ન્યાય અને સશક્તિકરણ વિભાગમાં એડિશનલ સેક્રેટરી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તે જ રીતે, 2001 બેચની IAS અધિકારી આરતી કંવરને ટેક્સટાઇલ મંત્રાલયમાં એડિશનલ સેક્રેટરી તરીકે બઢતી આપવામાં આવી છે. ઉપરાંત, 2001 બેચના IAS અધિકારી વિજય નેહરાને, જે અત્યાર સુધી આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગમાં સંયુક્ત સચિવ તરીકે ફરજ બજાવતા હતા, તેમને હવે એ જ વિભાગમાં એડિશનલ સેક્રેટરી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

આ બદલાવ માત્ર ગુજરાત કેડર પૂરતો સીમિત નથી. પ્રધાનમંત્રી કાર્યાલય (PMO)માં પણ મહત્વપૂર્ણ સ્તરે ફેરફારો કરવામાં આવ્યા છે. PMOમાં કાર્યરત શ્રીધર ચિરુવોલુને પણ એડિશનલ સેક્રેટરી તરીકે પ્રમોશન આપવામાં આવ્યું છે.
આ પણ વાંચો: ગુજરાત ગૃહ વિભાગનો મોટો નિર્ણય : પૂર્વ DGP વિકાસ સહાયને અમદાવાદમાં સોંપાઈ મહત્વપૂર્ણ જવાબદારી
કેબિનેટ નિમણૂક સમિતિએ કેટલાક અધિકારીઓને તેમના હાલના હોદ્દા પર જ ‘ઇન-સિટુ’ અપગ્રેડેશન આપીને એડિશનલ સેક્રેટરીનો દરજ્જો આપવાનો નિર્ણય લીધો છે. આ પગલાથી વહીવટી તંત્રમાં કાર્યક્ષમતા વધારવા અને અનુભવી અધિકારીઓનો વધુ અસરકારક ઉપયોગ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.






