સુરત જિલ્લાના માંગરોળ તાલુકામાં આવેલ પીપોદરા ગામના નજીક, નેશનલ હાઇવે 48 પર 22 મેથી 23 મે વચ્ચેની મધ્યરાત્રે એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો. ત્રણ વાહનો એકસાથે અથડાતા કાર વચ્ચે દબાઈ ગઈ હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે કારમાં સવાર 7 પૈકી એક યુવક અંદર ફસાઈ ગયો હતો અને ફાયર ટીમે કાર કાપીને તેનું રેસ્ક્યુ કરવું પડ્યું હતું.
ટ્રક-કાર-ટ્રક અથડામણ: કાર 'સેન્ડવિચ' બની ગઈ
ઘટનાની વિગતો મુજબ, પાછળથી આવતી ટ્રકે આગળ ચાલતી કારને ટક્કર મારી હતી, જેના કારણે કાર આગળના ટ્રકમાં ઘૂસી ગઈ હતી. બંને ટ્રક વચ્ચે દબાવામાં આવેલી કારનો ચકનાચૂર થાઈ ગયો હતો. કારમાં કુલ 7 લોકો સવાર હતા, જેમાથી 6 લોકો કોઈક રીતે બહાર આવી ગયા, જ્યારે એક યુવક અંદર ફસાઈ ગયો.
ફાયર બ્રિગેડની મદદથી યુવકનો રોમાંચક બચાવ
ઘટનાને પગલે આસપાસના લોકો અને પસાર થતા વાહનચાલકો તરત મદદ માટે દોડી આવ્યા હતા. પોલીસ અને કામરેજ ફાયર બ્રિગેડને જાણ થતા તેઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા. ફાયર ટીમે કારના પાંજરા કાપીને યુવકને સાવધાનીથી બહાર કાઢ્યો હતો. તમામ ઈજાગ્રસ્તોને નજીકની દીનબંધુ હોસ્પિટલ (ખોલવડ ગામ)માં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
હાઈવે પર ટ્રાફિકજામ, કોઈ ગંભીર ઈજા નહીં
પોલીસના પ્રાથમિક નિવેદન અનુસાર કોઈ ગંભીર ઈજાઓ નોંધાઈ નથી. અકસ્માતના કારણે હાઈવે પર લાંબો સમય ટ્રાફિકજામ જોવા મળ્યો હતો, જેને તંત્ર દ્વારા ઘટનાસ્થળ પરથી વાહનો હટાવીને સામાન્ય કરાયો હતો.




