દેશભરમાં ગણેશ ચતુર્થીનો તહેવાર ધામધૂમથી ઉજવાઈ રહ્યો છે. ભક્તો બાપ્પાને ભોગ અર્પણ કરી તેમની મનોકામનાઓ પૂર્ણ થાય તે માટે પ્રાર્થના કરી રહ્યા છે. 10 દિવસ સુધી ચાલતા આ ઉત્સવ દરમિયાન ભક્તો જાણીતા ગણેશ મંદિરોમાં દર્શન કરવા માટે પહોંચે છે. એવા મંદિરોમાં મધ્યપ્રદેશના સિહોર જિલ્લામાં આવેલું ચિંતામન ગણેશ મંદિર ખૂબ જ પ્રખ્યાત છે. માન્યતા છે કે અહીં દર્શન કરવાથી ભક્તોની તમામ ઈચ્છાઓ પૂર્ણ થાય છે.
આ મંદિરની ગણતરી સ્વયંભૂ ગણેશ મંદિરોમાં થાય છે, એટલે કે ભગવાન ગણેશ પોતે અહીં પ્રગટ થયા હતા. ઇતિહાસ અનુસાર, આ મંદિરનો સંબંધ મહારાજા વિક્રમાદિત્યના સમય સાથે છે, ત્યારે સિહોરને સિદ્ધપુર કહેવાતું હતું.
કહેવાય છે કે લગભગ બે હજાર વર્ષ પહેલાં ઉજ્જૈનીના રાજાને ભગવાન ગણેશ સ્વપ્નમાં દેખાયા હતા. સ્વપ્નમાં તેમણે રાજાને નદીમાંથી કમળનું ફૂલ લાવી ગમે ત્યાં સ્થાપિત કરવાની આજ્ઞા આપી. રાજા એ જ પ્રમાણે ફૂલ લઈને પરત ફરતા હતા ત્યારે તેમના રથનું પૈડું કાદવમાં ફસાઈ ગયું. એ સમયે કમળનું ફૂલ ગણેશજીની મૂર્તિમાં ફેરવાઈ ગયું અને અડધું જમીનમાં દટાઈ ગયું. અનેક પ્રયત્નો બાદ મૂર્તિ બહાર ન કાઢી શકાતા, રાજાએ ત્યાં જ મંદિર બાંધવાનો નિર્ણય લીધો.
આ મંદિરની એક ખાસ પરંપરા છે – ભક્તો અહીં દિવાલ પર ઊંધું સ્વસ્તિક બનાવે છે. સામાન્ય રીતે સ્વસ્તિકને શુભતાનું પ્રતીક માનવામાં આવે છે, પરંતુ અહીં માન્યતા છે કે ઊંધું સ્વસ્તિક બનાવવાથી મનની ઈચ્છા પૂર્ણ થાય છે. ઈચ્છા પૂર્ણ થતાં જ ભક્તો ફરી આવીને સાચું સ્વસ્તિક બનાવે છે.
આ પરંપરા પહેલી નજરે વિચિત્ર લાગતી હોય, છતાં દરેક ભક્ત ભક્તિપૂર્વક આ રીતનું પાલન કરે છે. માનવામાં આવે છે કે ચિંતામન ગણેશ મંદિરના દર્શનથી બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે.