Home Gujarat Teenager Murdered Over Bike Washing Issue In Ankleshwar Police Arrest Two Accuse

હસતા-રમતા પરિવારનો લાડકવાયો છીનવાયો! : અંકલેશ્વરમાં બાઇક ધોવા જેવી બાબતે ખેલાયું ધિંગાણું! 17 વર્ષીય કિશોરની કરપીણ હત્યા

હસતા-રમતા પરિવારનો લાડકવાયો છીનવાયો!
Published by: OBS Bureau
Last Updated: Mar 11, 2026, 01:47 PM IST

Bharuch News: જિલ્લાના અંકલેશ્વર તાલુકાના અંદાડા ગામમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. માત્ર બાઇક ધોવા જેવી સામાન્ય બાબતે થયેલી બોલાચાલીએ હિંસક સ્વરૂપ ધારણ કરતા એક 17 વર્ષીય કિશોરે પોતાનો જીવ ગુમાવ્યો છે. પોલીસે આ મામલે ત્વરિત કાર્યવાહી કરી બે આરોપીઓની ધરપકડ કરી લીધી છે.

શું હતી સમગ્ર ઘટના?

અંદાડા ગામના કૈલાસ ટેકરી વિસ્તારમાં રહેતા પ્રિયાબેન વસાવાનો પુત્ર રોહન વસાવા તેના મિત્રો સાથે ગામના ક્રિકેટ ગ્રાઉન્ડ પાસે ગયો હતો. તે સમયે રોહને તેના મિત્ર નિલેશના ફોન પરથી ઘરે જાણ કરી હતી કે તેનો મોબાઈલ તૂટી ગયો છે અને તેને લેવા આવવું. જોકે, તેના થોડા જ સમય બાદ રોહનના મિત્રો તેને બાઇક પર બેહોશ હાલતમાં ઘરે લઈ આવ્યા હતા. ગંભીર હાલતમાં રોહનને તાત્કાલિક 108 મારફતે ગડખોલની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો.

પોસ્ટમોર્ટમમાં થયો ખુલાસો

શરૂઆતમાં આકસ્મિક લાગતી આ ઘટનામાં વળાંક ત્યારે આવ્યો જ્યારે કિશોરનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું. મેડિકલ રિપોર્ટમાં સામે આવ્યું કે રોહનને છાતી અને ફેફસાંના ભાગે ગંભીર આંતરિક ઇજાઓ પહોંચી હતી. શરીર પરના ઘા સૂચવતા હતા કે તેને અત્યંત ક્રૂરતાપૂર્વક માર મારવામાં આવ્યો હતો.

તપાસમાં ખૂલ્યું હત્યાનું કારણ

પોલીસ તપાસમાં બહાર આવ્યું કે રોહન અને તેના મિત્રો વચ્ચે બાઇક ધોવા બાબતે ઉગ્ર બોલાચાલી થઈ હતી. આ વિવાદ એટલો વધ્યો કે ઉશ્કેરાયેલા સાહિલ ગણપત વસાવા અને નિલેશ દિનેશ વસાવાએ રોહનને છાતી અને પેટના ભાગે આડેધડ મુક્કા માર્યા હતા. આ આઘાત સહન ન કરી શકતા રોહન સ્થળ પર જ બેહોશ થઈ ગયો હતો અને અંતે મોતને ભેટ્યો હતો.

પોલીસ કાર્યવાહી

અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે આ મામલે ગંભીરતા દાખવી તુરંત તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. પોલીસે હત્યામાં સંડોવાયેલા બંને આરોપીઓ, સાહિલ વસાવા અને નિલેશ વસાવાની અટકાયત કરી છે. બંને વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now