ભારતીય ક્રિકેટ જગતમાંથી એક અત્યંત દુઃખદ સમાચાર સામે આવ્યા છે. ટી-20 વર્લ્ડ કપમાં રમી રહેલા સ્ટાર બેટર રિંકુ સિંહના પિતા ખાનચંદ સિંહનું શુક્રવારે વહેલી સવારે નિધન થયું છે. તેઓ લાંબા સમયથી લિવર કેન્સરના ચોથા સ્ટેજ સામે ઝઝૂમી રહ્યા હતા. નોઈડાની એક ખાનગી હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી, જ્યાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.
રિંકુ સિંહ અત્યારે વર્લ્ડ કપના મિશનમાં વ્યસ્ત છે, પરંતુ પિતાની નાદુરસ્ત તબિયતના સમાચાર મળતા જ તે અગાઉ ટીમ છોડીને ઘરે પરત ફર્યા હતા. જોકે, ફરજ પ્રત્યેની નિષ્ઠા જોઈ રિંકુ ફરી ટીમ સાથે જોડાયા હતા, પરંતુ આજે પિતાના અવસાનથી તેમના પરિવાર પર શોકનું મોજું ફરી વળ્યું છે. રિંકુ સિંહના સંઘર્ષના દિવસોમાં જે પિતાએ સિલિન્ડર ડિલિવરી કરીને તેને ક્રિકેટર બનાવ્યો, તેમનો સાથ હંમેશા માટે છૂટી ગયો છે.
વેન્ટિલેટર સપોર્ટ પર હતા ખાનચંદ સિંહ
મળતી માહિતી મુજબ, ખાનચંદ સિંહને કેન્સરની બીમારી ગંભીર તબક્કે પહોંચી હોવાથી ગ્રેટર નોઈડાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. શુક્રવારે વહેલી સવારે 4:36 વાગ્યે તેમનું અવસાન થયું. છેલ્લા કેટલાક દિવસોથી તેમની તબિયત સતત લથડી રહી હતી અને તેમને વેન્ટિલેટર સપોર્ટ પર રાખવામાં આવ્યા હતા. રિંકુ સિંહ મંગળવારે ચેન્નઈમાં ટીમનું પ્રેક્ટિસ સેશન છોડીને પિતા પાસે પહોંચ્યા હતા, પરંતુ 25 ફેબ્રુઆરીએ તેઓ ફરી ટીમ સાથે જોડાયા હતા.
સંઘર્ષની ગાથા: પિતા સિલિન્ડર ડિલિવરી કરી પુત્રને રમાડતા
રિંકુ સિંહ આજે જે મુકામ પર છે તેની પાછળ તેમના પિતાનો મોટો ફાળો છે. રિંકુએ પોતે એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે તેમના પિતા ઘરે-ઘરે ગેસ સિલિન્ડર પહોંચાડવાનું કામ કરતા હતા. રિંકુ અને તેના પાંચ ભાઈઓ પણ પિતાને કામમાં મદદ કરતા અને બાઈક પર બે-બે સિલિન્ડર રાખી ડિલિવરી કરવા જતા હતા. રિંકુએ વઘુમાં જણાવ્યું હતું કે, શરૂઆતમાં પિતા રમવા માટે ના પાડતા અને ભણવા પર ધ્યાન આપવા કહેતા, પણ મમ્મીએ પડોશીઓ પાસેથી ઉધાર પૈસા લાવીને મને ટુર્નામેન્ટ રમવા મોકલ્યો હતો. પિતાનો મિજાજ કડક હતો પણ તેમનો સંઘર્ષ જ અમારી તાકાત હતો.
વર્લ્ડ કપમાં રિંકુ સિંહનું પ્રદર્શન
ચાલુ ટી-20 વર્લ્ડ કપમાં રિંકુ સિંહ અત્યાર સુધી ખાસ પ્રભાવ પાડી શક્યા નથી. ફેમિલી ઈમરજન્સી અને માનસિક તણાવની અસર કદાચ તેમના બેટિંગ પ્રદર્શન પર પણ જોવા મળી છે. રિંકુએ આ ટૂર્નામેન્ટની 5 મેચોમાં માત્ર 24 રન બનાવ્યા છે. ઝિમ્બાબ્વે સામેની છેલ્લી મેચમાં પણ તેઓ પ્લેઈંગ ઈલેવનનો હિસ્સો નહોતા અને માત્ર સબસ્ટિટ્યૂટ ફિલ્ડર તરીકે મેદાનમાં આવ્યા હતા.
વર્લ્ડ કપમાં રિંકુનો સ્કોર:
રિન્કુ સિંહ ભારતીય ટીમમાં છઠ્ઠા કે સાતમા નંબરે બેટિંગ કરે છે. તેમને ટીમ ફિનિશર તરીકે ઉપયોગ કરે છે. જોકે, વર્તમાન વર્લ્ડ કપ રિન્કુ માટે સારો રહ્યો નથી. તેઓ આ ટુર્નામેન્ટમાં 5 મેચમાં 24 રન જ બનાવી શક્યા છે. દક્ષિણ આફ્રિકા સામેની છેલ્લી મેચમાં તેઓ ખાતું પણ ખોલી શક્યા ન હતા. ટુર્નામેન્ટમાં તેમનો સ્કોર 6, 1, 11, 6 અને 0 રહ્યો છે. રિન્કુ પાકિસ્તાન અને નેધરલેન્ડ સામે અણનમ રહ્યા હતા.
ક્રિકેટ જગતમાં શોકની લહેર
રિંકુ સિંહના પિતાના અવસાનના સમાચાર મળતા જ સોશિયલ મીડિયા પર ફેન્સ અને ક્રિકેટરો શ્રદ્ધાંજલિ અર્પી રહ્યા છે. રિંકુ અત્યારે ટીમ ઈન્ડિયાના સૌથી લોકપ્રિય ખેલાડીઓમાંથી એક છે. ગરીબીમાંથી નિકળીને બ્લુ જર્સી સુધી પહોંચવાની તેની સફરમાં તેના પિતાનો રોલ હંમેશા યાદ રખાશે.



















