5 beautiful hill stations : ચોમાસાની ઋતુ શરૂ થતાં જ ચારેય તરફ પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠે છે. આવા રોમેન્ટિક અને ઠંડા વાતાવરણમાં દરેક વ્યક્તિ પહાડોની સફરે જવાનું પસંદ કરે છે. જ્યારે પણ દક્ષિણ ભારતના સુંદર હિલ સ્ટેશનોનો ઉલ્લેખ કરવામાં આવે છે, ત્યારે લોકોના મનમાં કેરળનું મુન્નાર અથવા કર્ણાટકનું કૂર્ગ સૌથી પહેલા યાદ આવે છે. પરંતુ શું તમે જાણો છો કે તમિલનાડુને દક્ષિણ ભારતમાં સૌથી પ્રખ્યાત અને વૈવિધ્યસભર હિલ સ્ટેશન ધરાવતું રાજ્ય માનવામાં આવે છે? પશ્ચિમ અને પૂર્વી ઘાટ વચ્ચે સ્થિત આ રાજ્યમાં નાના અને મોટા અસંખ્ય હિલ સ્ટેશનો છે. તેનું ઠંડુ વાતાવરણ, મન મોહી લે તેવા ચાના બગીચા, ગાઢ જંગલો અને મનોહર ખીણો દર વર્ષે લાખો પ્રવાસીઓને આકર્ષે છે. આ જ કારણ છે કે દક્ષિણ ભારતમાં તમિલનાડુને "પહાડોનું રાજ્ય" કહેવામાં આવે છે. ચાલો જાણીએ આ ચોમાસામાં મુલાકાત લેવા જેવા તમિલનાડુના 5 સૌથી અદ્ભુત હિલ સ્ટેશનો વિશે વિગતવાર માહિતી.
1. ઊટી : પહાડોની રાણી અને અદ્ભુત નજારો
ઊટી (ઉધગમંડલમ) તમિલનાડુનું જ નહીં પરંતુ સમગ્ર ભારતનું સૌથી પ્રખ્યાત હિલ સ્ટેશન છે. નીલગિરિની સુંદર ટેકરીઓમાં સ્થિત આ નાનકડું શહેર તેના અદ્ભુત સુખદ હવામાન અને વિશાળ ચાના બગીચાઓ માટે વિશ્વભરમાં જાણીતું છે. ચોમાસા દરમિયાન અહીંની સુંદરતા બમણી થઈ જાય છે. જ્યારે ધુમ્મસ પહાડોને ઘેરી લે છે, ત્યારે નજારો જોવા જેવો હોય છે. અહીંનું પ્રખ્યાત ઊટી તળાવ અને ઐતિહાસિક ટોય ટ્રેનની સફર પ્રવાસીઓ માટે મુખ્ય આકર્ષણનું કેન્દ્ર છે. આ ટોય ટ્રેન તમને પહાડો અને ખીણોની વચ્ચેથી પસાર કરે છે, જે એક યાદગાર અનુભવ બની રહે છે. તે ઉનાળા, શિયાળા અને ચોમાસા ત્રણેય ઋતુઓમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓને આકર્ષે છે.
આ પણ ખાસ વાંચો : 90 દિવસ સુધી ચા ન પીવો તો શરીરમાં શું થાય? : જાણો નિષ્ણાતો શું કહે છે?
2. કોડાઈકેનાલ : હિલ સ્ટેશનોની રાજકુમારી
જો તમે તમારા પાર્ટનર અથવા પરિવાર સાથે કોઈ શાંત અને રોમેન્ટિક જગ્યાએ જવા માંગો છો, તો કોડાઈકેનાલ તમારા માટે બેસ્ટ ઓપ્શન છે. "હિલ સ્ટેશનોની રાજકુમારી" તરીકે જાણીતું કોડાઈકેનાલ તેના સુંદર સ્ટાર શેપ તળાવ, ગાઢ પાઈનના જંગલો, ખળખળ વહેતા ધોધ અને અદભુત વ્યુ પોઈન્ટ્સ માટે પ્રખ્યાત છે. ચોમાસાના દિવસોમાં અહીં ચારેય તરફ લીલીચાદર પથરાઈ જાય છે. આ જગ્યાનું શાંત અને રમણીય વાતાવરણ તેને યુગલો માટે એક ઉત્તમ સ્થળ બનાવે છે. અહીં પહાડોની વચ્ચે ટ્રેકિંગ કરવું અને તળાવમાં બોટિંગ કરવાનો આનંદ કંઈક અલગ જ હોય છે.
3. યેરકૌડ : શાંતિ અને કોફીના બગીચાઓનું નગર
જો તમે રોજબરોજની ભાગદોડ અને પ્રદૂષણથી દૂર કોઈ શાંતિપૂર્ણ જગ્યાએ રજાઓ વિતાવવા માંગો છો, તો યેરકૌડ એક ઉત્તમ પસંદગી છે. સેવરોય પહાડીઓમાં સ્થિત આ હિલ સ્ટેશન તેના સુગંધિત કોફીના બગીચા, સુંદર તળાવ અને હરિયાળી ટેકરીઓ માટે પ્રખ્યાત છે. યેરકૌડને બજેટ ફ્રેન્ડલી ડેસ્ટિનેશન પણ કહેવામાં આવે છે. અહીંનું હવામાન આખું વર્ષ ખુશનુમા રહે છે, પરંતુ ચોમાસામાં વરસાદના ટીપાં જ્યારે કોફીના છોડ પર પડે છે, ત્યારે આખી ખીણ એક અનોખી સુગંધથી ભરાઈ જાય છે. અહીંના વ્યુ પોઈન્ટ પરથી આસપાસની ખીણોનો નજારો અદભુત દેખાય છે.
આ પણ ખાસ વાંચો : અમરનાથ યાત્રા 2026 પર જવાનું વિચારી રહ્યા છો? : નોંધણીથી લઈને રૂટ, હેલ્થ સર્ટિફિકેટ અને સુરક્ષા સુધીની સંપૂર્ણ ગાઈડ વાંચો
4. કુન્નુર : કુદરતી સૌંદર્ય અને ચાની ચુસ્કી
ઊટીથી માત્ર 20 કિલોમીટર દૂર સ્થિત કુન્નુર તેની શાંતિ અને અદભુત કુદરતી સૌંદર્ય માટે જાણીતું છે. ઊટીની સરખામણીમાં અહીં પ્રવાસીઓની ભીડ ઓછી હોય છે, તેથી પ્રકૃતિ પ્રેમીઓને આ સ્થળ ખૂબ જ ગમે છે. અહીંના મુખ્ય આકર્ષણોમાં ડોલ્ફિન નોઝ વ્યુ પોઈન્ટ, લેમ્બ્સ રોક અને દુર-દુર સુધી ફેલાયેલા લીલાછમ ચાના બગીચાઓનો સમાવેશ થાય છે. ચોમાસામાં જ્યારે હળવો વરસાદ પડે છે, ત્યારે આ બગીચાઓની વચ્ચેથી પસાર થતી વેલીઓ જોવી અને ગરમાગરમ ચાની ચુસ્કી લેવી એ લાઈફનો સૌથી બેસ્ટ અનુભવ હોઈ શકે છે.
5. વલપરાઈ : પ્રકૃતિ પ્રેમીઓ માટે અજાણ્યું સ્વર્ગ
વલપરાઈ તમિલનાડુનું એક ઓછું જાણીતું છતાં અદભુત સુંદર અને ઓફબીટ હિલ સ્ટેશન છે. અનામલાઈ વાઘ અભયારણ્યની અંદર સ્થિત આ સ્થળ તેના ગાઢ જંગલો, ચા-કોફીના વાવેતરો, ધોધ અને વળાંકવાળા રસ્તાઓ માટે પ્રખ્યાત છે. જો તમને વાઇલ્ડલાઇફ અને ફોટોગ્રાફીનો શોખ છે, તો આ સ્થળ તમારા માટે સ્વર્ગથી ઓછું નથી. અહીં ચોમાસા દરમિયાન અસંખ્ય નાના-મોટા ધોધ સક્રિય થઈ જાય છે અને ધુમ્મસથી ઘેરાયેલા પહાડો એક અદ્ભુત અને રોમાંચક અનુભવ આપે છે. અહીં તમને કુદરતની સાચી શાંતિનો અહેસાસ થશે.





