Amarnath Yatra 2026: હિંદુ ધર્મની સૌથી પવિત્ર અને કઠિન યાત્રાઓમાંની એક ગણાતી શ્રી અમરનાથ યાત્રા માટે દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ દેશ-વિદેશમાંથી જમ્મુ-કાશ્મીર પહોંચે છે. બરફથી કુદરતી રીતે બનતા ભગવાન શિવના હિમલિંગના દર્શન કરવા માટે ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળે છે. જો તમે પણ વર્ષ 2026માં અમરનાથ યાત્રા કરવાનું આયોજન કરી રહ્યા છો, તો યાત્રા પહેલાં કેટલીક મહત્વપૂર્ણ માહિતી જાણવી ખૂબ જરૂરી છે. શ્રી અમરનાથજી શ્રાઇન બોર્ડ (SASB) દ્વારા યાત્રાની તારીખો, નોંધણી પ્રક્રિયા, સ્વાસ્થ્ય સંબંધિત નિયમો, પ્રવાસના રૂટ અને સુરક્ષા વ્યવસ્થાને લઈને માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. યોગ્ય આયોજન સાથે યાત્રા કરવાથી મુશ્કેલ પહાડી માર્ગમાં પણ પ્રવાસ સરળ અને સુરક્ષિત બની શકે છે.
અમરનાથ યાત્રા 2026 ક્યારેથી શરૂ થશે?
શ્રી અમરનાથજી શ્રાઇન બોર્ડના જણાવ્યા અનુસાર અમરનાથ યાત્રા 2026નો પ્રારંભ 3 જુલાઈ, 2026થી થશે, જ્યારે 28 ઓગસ્ટ, 2026ના રોજ યાત્રાનું સમાપન થશે. આ વર્ષે યાત્રા કુલ 57 દિવસ સુધી ચાલશે. દરરોજ નિર્ધારિત સંખ્યામાં જ શ્રદ્ધાળુઓને યાત્રાની મંજૂરી આપવામાં આવશે.
અમરનાથ યાત્રા માટે નોંધણી કેવી રીતે કરવી?
યાત્રા માટે નોંધણી પ્રક્રિયા 15 એપ્રિલ, 2026થી શરૂ થઈ ચૂકી છે. શ્રદ્ધાળુઓ બે રીતે નોંધણી કરાવી શકે છે. પ્રથમ, શ્રી અમરનાથજી શ્રાઇન બોર્ડની સત્તાવાર વેબસાઇટ પર ઓનલાઈન નોંધણી કરી શકાય છે. બીજો વિકલ્પ એ છે કે, દેશભરમાં આવેલી 550થી વધુ અધિકૃત બેન્ક શાખાઓ જેવી કે સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા (SBI), પંજાબ નેશનલ બેન્ક (PNB), ICICI Bank, Yes Bank અને Axis Bank દ્વારા ઓફલાઈન નોંધણી કરાવી શકાય છે. નોંધણી 'ફર્સ્ટ કમ ફર્સ્ટ સર્વ' ધોરણે કરવામાં આવે છે. જો તમે કોઈ ચોક્કસ તારીખે યાત્રા કરવા માંગતા હોવ તો ઓછામાં ઓછા 7 દિવસ અગાઉ બુકિંગ કરાવવું જરૂરી રહેશે.
યાત્રા માટે કોણ પાત્ર ગણાશે?
અમરનાથ યાત્રા ઊંચા પહાડી વિસ્તારમાં થતી હોવાથી કેટલાક મહત્વપૂર્ણ નિયમો નક્કી કરવામાં આવ્યા છે. યાત્રામાં ભાગ લેવા માટે યાત્રાળુની ઉંમર 13 વર્ષથી 70 વર્ષ વચ્ચે હોવી જરૂરી છે. તે ઉપરાંત 8 એપ્રિલ, 2026 પછીનું અધિકૃત ડૉક્ટર અથવા માન્ય હોસ્પિટલ દ્વારા આપવામાં આવેલું Compulsory Health Certificate (CHC) ફરજિયાત રહેશે. સ્વાસ્થ્ય પ્રમાણપત્રની ચકાસણી બાદ જ યાત્રા પરમિટ આપવામાં આવશે.
યાત્રા પરમિટ અને RFID કાર્ડ શું છે?
નોંધણી પૂર્ણ થયા બાદ દરેક યાત્રાળુને યાત્રા પરમિટ આપવામાં આવશે. તેમાં યાત્રાની તારીખ, પસંદ કરેલો રૂટ, એન્ટ્રી પોઇન્ટ અને રિપોર્ટિંગ સમય જેવી માહિતી હશે. આ ઉપરાંત દરેક નોંધાયેલા યાત્રાળુને RFID કાર્ડ પણ આપવામાં આવશે, જેના દ્વારા સુરક્ષા એજન્સીઓ યાત્રાળુઓની અવરજવર પર નજર રાખી શકશે અને કોઈપણ ઇમરજન્સીમાં ઝડપથી મદદ પહોંચાડી શકશે.
કયો રૂટ વધુ યોગ્ય? પહલગામ કે બાલટાલ
અમરનાથ ગુફા સુધી પહોંચવા માટે બે મુખ્ય માર્ગ ઉપલબ્ધ છે. પહલગામ રૂટ લગભગ 48 કિલોમીટર લાંબો છે. આ માર્ગ પર ચઢાણ ધીમે-ધીમે હોવાથી પ્રથમ વખત યાત્રા કરતા શ્રદ્ધાળુઓ માટે વધુ અનુકૂળ માનવામાં આવે છે.
જ્યારે બાલટાલ રૂટ માત્ર 14 કિલોમીટરનો છે, પરંતુ તેમાં ખૂબ જ ઊભી ચઢાણ હોવાથી આ માર્ગ શારીરિક રીતે વધુ પડકારજનક માનવામાં આવે છે. શ્રદ્ધાળુઓએ પોતાની તંદુરસ્તી અને ક્ષમતાને ધ્યાનમાં રાખીને રૂટ પસંદ કરવો જોઈએ.
આ પણ વાંચો: માતા વૈષ્ણો દેવીની યાત્રા માટે કયો સમય છે સૌથી શ્રેષ્ઠ? : જાણો અહીં
યાત્રાળુઓને મળશે રૂ.10 લાખનું વીમા કવર
શ્રી અમરનાથજી શ્રાઇન બોર્ડ દ્વારા તમામ નોંધાયેલા યાત્રાળુઓને રૂ.10 લાખનું અકસ્માત વીમા કવર આપવામાં આવશે. આ ઉપરાંત બંને માર્ગ પર વિશેષ તાલીમબદ્ધ માઉન્ટેન રેસ્ક્યૂ ટીમો, મેડિકલ કેમ્પ, ઇમરજન્સી રિસ્પોન્સ સિસ્ટમ અને સુરક્ષા દળોની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે જેથી કોઈપણ આકસ્મિક પરિસ્થિતિમાં તાત્કાલિક મદદ મળી શકે.
યાત્રા પહેલાં આ બાબતોનું ખાસ ધ્યાન રાખો
નિષ્ણાતો સલાહ આપે છે કે, યાત્રા પહેલાં નિયમિત વોકિંગ અથવા હળવી કસરત શરૂ કરવી, પૂરતું પાણી પીવું, જરૂરી દવાઓ સાથે રાખવી અને હવામાનને અનુરૂપ ગરમ કપડાં, રેઇનકોટ તથા ટ્રેકિંગ શૂઝ સાથે જવું જોઈએ. અમરનાથ યાત્રા માત્ર ધાર્મિક શ્રદ્ધાનું પ્રતિક જ નથી પરંતુ શારીરિક અને માનસિક ક્ષમતાની પણ કસોટી છે. યોગ્ય તૈયારી, સમયસર નોંધણી અને તમામ સુરક્ષા નિયમોનું પાલન કરીને શ્રદ્ધાળુઓ આ પવિત્ર યાત્રાને વધુ સુરક્ષિત અને યાદગાર બનાવી શકે છે.





