માતા વૈષ્ણો દેવી (Vaishno Devi) ની યાત્રા એ ભારતના સૌથી પવિત્ર અને લોકપ્રિય ધાર્મિક પ્રવાસોમાંની 1 છે. જમ્મુ અને કાશ્મીરના ત્રિકુટા પર્વતો પર સ્થિત આ ભવ્ય દરબારમાં દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ માથા ટેકવવા આવે છે. જો કે, પહાડી વિસ્તાર હોવાના કારણે અહીંની મુસાફરી સુખદ અને યાદગાર રહે તે માટે યોગ્ય સમયની પસંદગી કરવી ખૂબ જ જરૂરી છે.
માતા વૈષ્ણો દેવીની યાત્રા માટે કયો સમય છે શ્રેષ્ઠ?
વૈષ્ણો દેવીની યાત્રા આમ તો આખું વર્ષ ખુલ્લી રહે છે, પરંતુ મોસમ અને ભીડના આધારે વર્ષના 3 મુખ્ય ભાગ પાડી શકાય છે:
માર્ચથી જૂન (ઉનાળો): આ સમયગાળો યાત્રા માટે સૌથી અનુકૂળ માનવામાં આવે છે. આ મહિનાઓમાં પહાડો પરનું તાપમાન ખૂબ જ આહલાદક હોય છે. શાળાઓમાં વેકેશન હોવાના કારણે આ 4 મહિનામાં શ્રદ્ધાળુઓની ભારે ભીડ જોવા મળે છે.
જુલાઈથી સપ્ટેમ્બર (ચોમાસું): ચોમાસા દરમિયાન અહીં ભારે વરસાદ પડે છે, જેના કારણે પહાડો પર લેન્ડસ્લાઈડ (જમીન ધસી પડવી) નો ખતરો વધી જાય છે. આ સમયે ભીડ ઓછી હોય છે, પરંતુ પ્રવાસ થોડો જોખમી બની શકે છે.
ઓક્ટોબરથી ફેબ્રુઆરી (શિયાળો): ઓક્ટોબર અને નવેમ્બરમાં નવરાત્રીના તહેવારને કારણે ભીડ ટોચ પર હોય છે. ડિસેમ્બર અને જાન્યુઆરી મહિનામાં અહીં ભારે બરફવર્ષા (Snowfall) થાય છે. જો તમને ઠંડી અને બરફ ગમતો હોય, તો આ સમય બેસ્ટ છે, પરંતુ ગરમ કપડાં સાથે રાખવા અનિવાર્ય છે.
આ પણ વાંચો: ચોમાસામાં ખીલી ઉઠતું કોંકણ | આ સિઝનમાં અચૂક મુલાકાત લો આ 5 સુંદર બીચની | Offbeat Stories
યાત્રા સુખદ બનાવવા માટેની મહત્વની ટિપ્સ
જો તમે શાંતિથી દર્શન કરવા માંગતા હોવ અને લાંબી લાઈનોથી બચવા માંગતા હોવ, તો માર્ચ, એપ્રિલ અથવા સપ્ટેમ્બર-ઓક્ટોબરનો સમયગાળો સૌથી ઉત્તમ રહે છે. આ સિવાય હેલિકોપ્ટર બુકિંગ અને કટરા (Katra) ખાતે રોકાણ માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન અગાઉથી કરાવી લેવું હિતાવહ છે.





