ભારતીય અર્થતંત્રમાં રાજ્યોનું દેવું આજે એક મોટો મુદ્દો બની ગયું છે. વિકાસલક્ષી યોજનાઓ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ, કલ્યાણકારી કાર્યક્રમો અને કોવિડ પછીના આર્થિક પડકારોને કારણે રાજ્યોનું દેવું ઝડપથી વધી રહ્યું છે. ભારતીય રિઝર્વ બેંક (RBI) અને રાજ્યોના બજેટ દસ્તાવેજો અનુસાર, 2025-26ના નાણાકીય વર્ષમાં રાજ્યોનું કુલ દેવું 70 લાખ કરોડને વટાવી ગયું છે અને આ આંકડો હજુ વધુ વધવાની શક્યતા છે. આ દેવું માત્ર નાણાકીય બોજ જ નથી, પરંતુ તે રાજ્યોના લાંબા ગાળાના વિકાસ, રોજગારી અને આર્થિક સ્થિરતા પર પણ અસર કરી રહ્યું છે. જાન્યુઆરી 2026ના લેટેસ્ટ અંદાજ મુજબ, તમિલનાડુ સૌથી વધુ દેવું ધરાવતું રાજ્ય છે, જ્યારે ગુજરાતે પોતાના દેવાને GSDP (ગ્રોસ સ્ટેટ ડોમેસ્ટિક પ્રોડક્ટ)ના 20%ની મર્યાદામાં રાખીને સારું નાણાકીય વ્યવસ્થાપન કર્યું છે. આજે અમે તમને રાજ્યોના કુલ દેવાની યાદી, દેવું-GSDP ગુણોત્તર અને નાણાકીય સ્થિતિ વિશે વિસ્તારથી જણાવીશું.
તમિલનાડુ સૌથી વધુ દેવું ધરાવતું રાજ્ય
તમિલનાડુ હાલમાં ભારતમાં સૌથી વધુ દેવું ધરાવતું રાજ્ય છે. 2024માં તેનું દેવું 8.34 લાખ કરોડને વટાવી ગયું હતું અને 31 માર્ચ 2026 સુધીમાં તે 9 લાખ કરોડને પાર કરવાનો અંદાજ છે. આ દેવું મુખ્યત્વે કલ્યાણકારી યોજનાઓ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ અને પેન્શન ખર્ચને કારણે વધ્યું છે.
ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્રનું દેવું પણ ભારે
ઉત્તર પ્રદેશ બીજા ક્રમે છે, જેનું દેવું 2025-26ના અંદાજ મુજબ 8.2 થી 8.5 લાખ કરોડ વચ્ચે પહોંચી શકે છે. મહારાષ્ટ્ર ત્રીજા સ્થાને છે, જેનું દેવું 2024-25માં આશરે 7.22 લાખ કરોડ હતું. બંને રાજ્યોમાં વિકાસલક્ષી ખર્ચ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ મુખ્ય કારણ છે.
પશ્ચિમ બંગાળ અને કર્ણાટકની સ્થિતિ ચિંતાજનક
પશ્ચિમ બંગાળ ચોથા ક્રમે છે, જેનું દેવું આશરે 6.58 લાખ કરોડ છે. આ રાજ્યનું દેવું-GSDP ગુણોત્તર પણ ખૂબ ઊંચો છે. કર્ણાટક પાંચમા સ્થાને છે, જેનું દેવું 5.97 લાખ કરોડ છે.
રાજસ્થાન, આંધ્ર પ્રદેશ અને ગુજરાતનું દેવું
રાજસ્થાનનું દેવું 5.62 લાખ કરોડ છે, આંધ્ર પ્રદેશનું 4.90 લાખ કરોડ અને ગુજરાતનું કુલ દેવું 4.69 લાખ કરોડ છે. ગુજરાતે પોતાના દેવાને GSDPના 20%ની મર્યાદામાં રાખીને નાણાકીય શિસ્ત જાળવી છે, જેના કારણે તે અન્ય રાજ્યો કરતાં સારી સ્થિતિમાં છે.
કેરળ અને મધ્ય પ્રદેશનું દેવું
કેરળનું દેવું 4.29 લાખ કરોડ છે, જ્યારે મધ્ય પ્રદેશનું દેવું 4.18 લાખ કરોડને વટાવી ગયું છે. કેરળમાં દેવું-GSDP ગુણોત્તર પણ ઊંચો છે.
દેવું-GSDP ગુણોત્તરમાં પંજાબ અને જમ્મુ-કાશ્મીર સૌથી ખરાબ
કુલ દેવાના આંકડા જેટલા મહત્વના છે, તેટલા જ મહત્વના છે દેવું અને GSDP વચ્ચેનો ગુણોત્તર. પંજાબમાં આ ગુણોત્તર 44.5% છે, જ્યારે જમ્મુ-કાશ્મીર અને અરુણાચલ પ્રદેશમાં 50%થી વધુ છે. પશ્ચિમ બંગાળ અને કેરળમાં આ ગુણોત્તર 35-38%ની રેન્જમાં છે.
ભવિષ્યમાં દેવું વધુ વધશે, 16મા નાણાં પંચનું લક્ષ્ય
જાન્યુઆરી 2026ના અંદાજ મુજબ, નાણાકીય વર્ષના છેલ્લા ત્રિમાસિક ગાળામાં રાજ્યો આશરે 5 લાખ કરોડનું વધુ દેવું લેશે. 16મા નાણાં પંચે 2031 સુધીમાં કેન્દ્ર અને રાજ્યોના સંયુક્ત દેવાને GDPના 50% સુધી ઘટાડવાનું લક્ષ્ય રાખ્યું છે, પરંતુ હાલની સ્થિતિમાં આ લક્ષ્ય પ્રાપ્ત કરવું પડકારજનક લાગે છે. રાજ્યોએ નાણાકીય શિસ્ત જાળવવી અને વિકાસલક્ષી ખર્ચમાં સંતુલન રાખવું જરૂરી છે.





















