T20 World Cup : T20 વર્લ્ડ કપ 2026 નો રોમાંચ હવે ચરમસીમાએ પહોંચ્યો છે. 7 ફેબ્રુઆરીથી શરૂ થયેલી આ મેગા ટૂર્નામેન્ટમાં અત્યાર સુધી કુલ 15 મેચો રમાઈ ચૂકી છે, જેમાં તમામ 20 ટીમોએ પોતાનો દમ બતાવ્યો છે. કેટલીક ટીમોએ વિજયી શરૂઆત કરી છે તો કેટલીક ઉલટફેરનો શિકાર બની છે. આજે, 12 ફેબ્રુઆરી 2026 ના રોજ, છઠ્ઠા દિવસે ત્રણ મહત્વપૂર્ણ મેચો રમાવાની છે, જે ગ્રુપ સ્ટેજની આગામી દિશા નક્કી કરશે. જાણો આજના મેચ અને ટીમોની પરિસ્થિતિ વિશેની માહિતી.
મેચ 16 : શ્રીલંકા vs ઓમાન (સવારે 11:00 વાગ્યે, પલ્લેકેલે સ્ટેડિયમ)
શ્રીલંકાએ પોતાની પ્રથમ મેચમાં આયર્લેન્ડને 20 રને હરાવીને શાનદાર પ્રદર્શન કર્યું હતું, જેમાં કુસલ મેન્ડિસ અને કામિન્દુ મેન્ડિસની શાનદાર બેટિંગ જોવા મળી હતી. જોકે, ટીમ માટે માઠા સમાચાર એ છે કે, સ્ટાર સ્પિનર વાનિન્દુ હસરંગા ઈજાના કારણે વર્લ્ડ કપમાંથી બહાર થઈ ગયો છે, જેની અસર આજની મેચમાં જોવા મળી શકે છે. બીજી તરફ, ઓમાનની ટીમ ઝિમ્બાબ્વે સામે માત્ર 103 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી, તેથી દાસુન શનાકાની સેના સામે ટકી રહેવા માટે જતિન્દર સિંહની ટીમે બેટિંગમાં મોટો સુધારો કરવો પડશે.
મેચ 17 : નેપાળ vs ઇટાલી (બપોરે 3:00 વાગ્યે, વાનખેડે સ્ટેડિયમ)
નેપાળની ટીમે ઇંગ્લેન્ડ જેવી દિગ્ગજ ટીમ સામે માત્ર 4 રનથી હારીને સૌના દિલ જીતી લીધા છે, રોહિત પૌડેલની કેપ્ટનશીપ હેઠળ નેપાળ આજે પોતાની પ્રથમ જીત માટે મેદાનમાં ઉતરશે. ઇટાલીની વાત કરીએ તો, સ્કોટલેન્ડ સામેની પ્રથમ મેચમાં તેમના બોલરોએ 207 રન લૂંટાવ્યા હતા અને બેટિંગમાં પણ ટીમ નિષ્ફળ રહી હતી. વધુમાં, કેપ્ટન વેઇન મેડસનની ઈજા ઇટાલી માટે ચિંતાનો વિષય છે; જો તે ફિટ નહીં હોય તો નેપાળ માટે જીતનો રસ્તો વધુ સરળ બની શકે છે.
મેચ 18 : ભારત vs નામિબિયા (સાંજે 7:00 વાગ્યે, અરુણ જેટલી સ્ટેડિયમ)
ભારતીય ટીમે તેની પ્રથમ મેચમાં USA ને 29 રને હરાવીને વિજયી પ્રારંભ કર્યો હતો, પરંતુ નામિબિયા સામેની મેચ પહેલા ટીમમાં મોટા ફેરફારો જોવા મળશે. યુવા ઓપનર અભિષેક શર્મા પેટની તકલીફને કારણે હોસ્પિટલમાં દાખલ હોવાથી આજની મેચ ગુમાવી શકે છે, જોકે વોશિંગ્ટન સુંદર ફિટ થઈને પરત ફર્યો છે તે સારા સમાચાર છે. બુમરાહની ફિટનેસ પર હજુ સસ્પેન્સ છે, ત્યારે સૂર્યકુમાર યાદવની આગેવાનીમાં ભારત નામિબિયા સામે જીતનો સિલસિલો જાળવી રાખવા પ્રયાસ કરશે, જે પોતાની પ્રથમ મેચ નેધરલેન્ડ સામે હારી ચૂક્યું છે.




















