logo-img
T20 World Cup Uproar Over Pakistani Spinner Usman Tariqs Bowling

T20 World Cup; પાકિસ્તાની સ્પિનર Usman Tariq ની બોલિંગ પર હોબાળો! : જાણો 'સ્ટોપ એન્ડ પોઝ' એક્શન પર દિગ્ગજ ખેલાડીઓના અલગ-અલગ મત

T20 World Cup; પાકિસ્તાની સ્પિનર  Usman Tariq ની બોલિંગ પર હોબાળો!
Published by: Offbeat Team
| Last Updated: Feb 12, 2026, 11:35 AM IST

T20 World Cup : T20 વર્લ્ડ કપના ઉત્સાહ વચ્ચે પાકિસ્તાની ટીમ ફરી એકવાર વિવાદોમાં ઘેરાઈ છે. આ વખતે વિવાદ કોઈ મેચને લઈને નહીં, પણ પાકિસ્તાની ઓફ-સ્પિનર ઉસ્માન તારિકની અનોખી બોલિંગ એક્શનને લઈને છે. તારિક તેની 'સ્ટોપ એન્ડ પોઝ' (થોભીને બોલ ફેંકવો) સ્ટાઈલ માટે જાણીતો છે, જે બેટ્સમેનોને મૂંઝવણમાં મૂકી દે છે. આ એક્શનને કારણે સોશિયલ મીડિયા પર ફેન્સ અને ક્રિકેટ એક્સપર્ટ્સ વચ્ચે મોટી ચર્ચા છેડાઈ છે.

ઉસ્માન તારિકનો શાનદાર રેકોર્ડ

ઉસ્માન તારિકે અત્યાર સુધીના તેના પ્રોફેશનલ કરિયરમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. તેમણે 42 T20 મેચોમાં કુલ 70 વિકેટ ઝડપી છે. ખાસ કરીને તેની બોલિંગ એક્શન એવી છે કે, બેટ્સમેન તેની લય સમજી શકતા નથી. અમેરિકન બેટ્સમેન મિલિંદ કુમાર જેવા ખેલાડીઓ પણ તેની સામે મુશ્કેલી અનુભવી ચૂક્યા છે. હવે ભારત સામેની આગામી મેચ પહેલા આ બોલર ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.

અશ્વિને કર્યો તારિકનો બચાવ

ભારતના દિગ્ગજ સ્પિનર રવિચંદ્રન અશ્વિને આ મામલે પોતાનો સ્પષ્ટ મત આપ્યો છે. અશ્વિનનું માનવું છે કે, ક્રીઝ પર આવીને થોભવું (Pause) એ ગેરકાયદેસર નથી, કારણ કે, તે તેની નિયમિત એક્શન છે. અશ્વિને વધુમાં સમજાવ્યું કે, કોઈ બોલર 'ચકિંગ (Chucking)' કરે છે કે નહીં તે મેદાન પર નક્કી કરવું અઘરું છે, તેના માટે ICC ના ટેસ્ટિંગ સેન્ટરમાં 15 ડિગ્રીના નિયમ હેઠળ તપાસ થવી જોઈએ.

નિષ્ણાતોમાં મતભેદ

જ્યાં એક તરફ ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન કેવિન પીટરસને તારિકની એક્શનને ગેરકાયદેસર ગણાવી છે, ત્યાં બીજી તરફ સાઉથ આફ્રિકાના પૂર્વ વિશ્લેષક પ્રસન્ના અઘોરમે તેને ક્લીન ચીટ આપી છે. પ્રસન્નાનું કહેવું છે કે, તારિકની એક્શન ટેકનિકલી સાચી છે અને તેને અગાઉ પણ મંજૂરી મળી ચૂકી છે. આ વિવાદે ક્રિકેટ પ્રેમીઓને બે ભાગમાં વહેંચી દીધા છે.

આકાશ ચોપરાનો ટેકનિકલ સવાલ

પૂર્વ ભારતીય ઓપનર આકાશ ચોપરાએ એક અલગ જ પાસું રજૂ કર્યું છે. તેમણે સવાલ ઉઠાવ્યો છે કે, જો બોલર રન-અપમાં કોઈ મોમેન્ટમ (ગતિ) નથી બનાવતો, તો પછી હાથ ફેરવતી વખતે અચાનક બોલની સ્પીડ 20-25 કિમી જેટલી કેવી રીતે વધી શકે? આ એક ટેકનિકલ રહસ્ય છે જેની તપાસ થવી જોઈએ તેવું તેમનું માનવું છે.

અમ્પાયરનો અંતિમ અભિપ્રાય

પૂર્વ ઇન્ટરનેશનલ અમ્પાયર અનિલ ચૌધરીએ પણ આ વિવાદ પર પૂર્ણવિરામ મૂકવાનો પ્રયાસ કર્યો છે. તેમણે જણાવ્યું કે, તારિકની એક્શન ભલે અલગ હોય અને તે થોભીને બોલિંગ કરતો હોય, પણ જ્યાં સુધી તેના હાથનો વળાંક નિયમોની મર્યાદામાં છે, ત્યાં સુધી તે એકદમ સાચી અને કાયદેસરની એક્શન છે.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now