logo-img
T20 World Cup Notification Regarding Traffic And Metro For The Match In Ahmedabad

T20 World Cup; અમદાવાદમાં મેચને લઈ ટ્રાફિક અને મેટ્રો અંગે જાહેરનામું : મેચ જોવા જતાં પહેલા જુઓ રસ્તાઓનો રૂટ અને મેટ્રોનો સમય

T20 World Cup; અમદાવાદમાં મેચને લઈ ટ્રાફિક અને મેટ્રો અંગે જાહેરનામું
Play Video
Published by: Offbeat Team
| Last Updated: Feb 09, 2026, 09:49 AM IST

T20 World Cup : અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આગામી દિવસોમાં ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2026 ની રસાકસીભરી મેચો રમાવાની છે. ફેબ્રુઆરી મહિનામાં યોજાનારી આ મેચોને ધ્યાનમાં રાખીને અમદાવાદ પોલીસ કમિશનર જી.એસ. મલિક દ્વારા એક ખાસ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ આયોજનનો મુખ્ય હેતુ મેચ દરમિયાન આવતા VVIP મહેમાનો, ખેલાડીઓ અને હજારો પ્રેક્ષકોની અવરજવરને સરળ બનાવવાનો અને ટ્રાફિક જામની સમસ્યા નિવારવાનો છે.

મેચનું શેડ્યૂલ અને સમય

અમદાવાદમાં રમાનારી મહત્વની મેચોની વિગતો નીચે મુજબ છે:

9 ફેબ્રુઆરી : સાઉથ આફ્રિકા v/s કેનેડા

11 ફેબ્રુઆરી : સાઉથ આફ્રિકા v/s અફઘાનિસ્તાન

14 ફેબ્રુઆરી : ન્યુઝીલેન્ડ v/s સાઉથ આફ્રિકા

18 ફેબ્રુઆરી : ભારત v/s નેધરલેન્ડ

આગામી તારીખો : 22 અને 26 ફેબ્રુઆરી (તેમજ જો ફાઈનલ હોય તો 8 માર્ચ, 2026).

ટ્રાફિક નિયમોનો સમય : બપોરે 3:00 વાગ્યાથી મેચ પૂર્ણ થયા બાદ મોડી રાત્રિ સુધી અમલમાં રહેશે.

બંધ રહેનારા રસ્તાઓ

મેચના દિવસોમાં સ્ટેડિયમની આસપાસના મુખ્ય માર્ગો પર તમામ પ્રકારના સામાન્ય વાહનોની અવરજવર પર પ્રતિબંધ રહેશે:

જનપથ ટી-જંકશનથી મોટેરા સ્ટેડિયમ મેઈન ગેટ સુધીનો રસ્તો સંપૂર્ણ બંધ રહેશે.

કૃપા રેસિડેન્સી ટી-જંકશનથી મોટેરા ગામ ટી-જંકશન સુધીનો માર્ગ પણ બંધ રાખવામાં આવશે.

વૈકલ્પિક માર્ગની સુવિધા

વાહન ચાલકોને હાલાકી ન પડે તે માટે તંત્ર દ્વારા નીચે મુજબના ડાયવર્ઝન રૂટ જાહેર કરાયા છે:

રૂટ 1 : તપોવન સર્કલથી ONGC ચાર રસ્તા થઈ વિસત ટી થી જનપથ ટી અને પાવર હાઉસ થઈ પ્રબોધરાવળ સર્કલ સુધી જઈ શકાશે.

રૂટ 2 : કૃપા રેસિડેન્સીથી શરણ સ્ટેટસ ચાર રસ્તા થઈ ભાટ કોટેશ્વર રોડથી એપોલો સર્કલ તરફ અવર-જવર કરી શકાશે.

ખાસ નોંધ: ઈમરજન્સી સેવાઓ (એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ), મેચ સાથે જોડાયેલા સત્તાવાર વાહનો અને સ્થાનિક રહીશોને આ પ્રતિબંધમાંથી મુક્તિ આપવામાં આવી છે.

મેટ્રો ટ્રેનના સમયમાં ફેરફાર

ક્રિકેટ પ્રેમીઓની સુવિધા માટે ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન (GMRC) દ્વારા મેટ્રોના સમયમાં વધારો કરાયો છે. મેચના દિવસોમાં મેટ્રો ટ્રેન રાત્રે 12:30 વાગ્યા સુધી ચાલશે.

મોટેરા સ્ટેડિયમથી APMC, વસ્ત્રાલ અને થલતેજ ગામ તરફ રાત્રે 10 થી 12 વાગ્યા સુધી સતત સેવા મળશે.

ગાંધીનગર (મહાત્મા મંદિર) જવા માટે મોટેરાથી રાત્રે 11:40 અને 12:10 વાગ્યે બે વધારાની ટ્રેનો ઉપલબ્ધ રહેશે.

રૂ. 50 ની સ્પેશિયલ પેપર ટિકિટ

ભીડથી બચવા માટે મેટ્રોએ રૂ. 50 ની સ્પેશિયલ પેપર ટિકિટ બહાર પાડી છે. રાત્રે 10:00 વાગ્યા પછી સામાન્ય કાર્ડ કે ટોકન ચાલશે નહીં, માત્ર આ પેપર ટિકિટ દ્વારા જ મુસાફરી કરી શકાશે. પ્રેક્ષકોને વિનંતી છે કે, પરત ફરતી વખતે લાઈનમાં ઊભા ન રહેવું પડે તે માટે આ ટિકિટ અગાઉથી જ ખરીદી લેવી.

તમે શું કરી શકો?

જો તમે મેચ જોવા જઈ રહ્યા હોવ, તો ટ્રાફિકના જાહેરનામાને ધ્યાનમાં રાખીને વહેલા નીકળવાનું આયોજન કરો અને મેટ્રોની સુવિધાનો મહત્તમ લાભ લો.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now