T20 World Cup : ક્રિકેટના મેદાનમાં જ્યારે ચોગ્ગા અને છગ્ગાની રમઝટ બોલતી હોય ત્યારે તેના પડદા પાછળ કંઈક અજુગતું ચાલી રહ્યું હોવાની આશંકાએ ક્રિકેટ પ્રેમીઓને હચમચાવી દીધા છે. ભારત અને શ્રીલંકામાં હાલમાં રમાયેલા T20 વર્લ્ડ કપ 2026 માં મેચ ફિક્સિંગના ગંભીર આરોપો લાગ્યા છે. આ આરોપોને કારણે કેનેડાની આખી ટીમ અને ખાસ કરીને તેના કેપ્ટન અત્યારે તપાસના દાયરામાં છે, જેનાથી આખા ક્રિકેટ જગતમાં હોબાળો મચી ગયો છે.
ICC દ્વારા ગંભીર તપાસનો પ્રારંભ
ICC ના એન્ટી કરપ્શન યુનિટે કેનેડાની ક્રિકેટ ટીમ સામે બે મોટી તપાસ શરૂ કરી છે. CBC (Canadian Broadcasting Corporation) ની એક ડોક્યુમેન્ટ્રી 'Corruption Cricket and Cricket' માં કરવામાં આવેલા દાવાઓ બાદ આ મામલો વધુ ગરમાયો છે. તપાસનો મુખ્ય મુદ્દો ન્યૂઝીલેન્ડ અને કેનેડા વચ્ચે રમાયેલી મેચ છે, જેમાં અનેક શંકાસ્પદ ગતિવિધિઓ નોંધવામાં આવી છે.
કેપ્ટન બાજવાની શંકાસ્પદ ઓવર
આ વિવાદના કેન્દ્રમાં કેનેડાની ટીમના કેપ્ટન દિલપ્રીત બાજવા છે. ન્યૂઝીલેન્ડ વિરુદ્ધની મેચમાં પાંચમી ઓવર બાજવાએ ફેંકી હતી, જેમાં તેમણે નો-બોલ અને વાઇડ બોલ ફેંકીને કુલ 15 રન લુટાવ્યા હતા. 2026 T20 વર્લ્ડ કપ શરૂ થવાના માત્ર ત્રણ અઠવાડિયા પહેલા જ બાજવાને કેપ્ટન બનાવવામાં આવ્યા હોવાથી, શું આ બધું પૂર્વયોજિત હતું? તે દિશામાં ICC તપાસ કરી રહી છે.
વાયરલ ઓડિયો અને પસંદગીમાં ગોટાળા
ફક્ત મેદાન પરની રમત જ નહીં, પરંતુ ટીમની પસંદગી પણ વિવાદોમાં ઘેરાઈ છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક ઓડિયોમાં પૂર્વ કોચ ખુર્રમ ચૌહાણે દાવો કર્યો છે કે, બોર્ડના વરિષ્ઠ સભ્યો દ્વારા ચોક્કસ ખેલાડીઓને ટીમમાં રાખવા માટે તેમના પર દબાણ કરવામાં આવ્યું હતું. આ લીક ઓડિયોએ કેનેડા ક્રિકેટના આંતરિક ભ્રષ્ટાચારને ખુલ્લો પાડી દીધો છે.
આ પણ ખાસ વાંચો : IPL પહેલા ટિકિટોનું બ્લેક માર્કેટિંગ કરતો પકડાયો આ પૂર્વ ખેલાડી! : મુંબઈ પોલીસ કરી 6 લોકોની ધરપકડ
બોર્ડની વહીવટી નિષ્ફળતા
કેનેડા ક્રિકેટ બોર્ડની હાલત વહીવટી સ્તરે પણ કથળી રહી છે. પૂર્વ CEO સામે છેતરપિંડી અને ચોરીના કેસ ચાલી રહ્યા છે. બીજી તરફ, ખેલાડીઓને તેમનું મહેનતાણું સમયસર મળતું નથી અને તેમની પાસે કોઈ પ્રોફેશનલ કોન્ટ્રાક્ટ પણ નથી. આ આર્થિક અને વહીવટી અસ્થિરતા મેચ ફિક્સિંગના જોખમને વધુ વેગ આપી રહી હોવાનું મનાય છે.





