Yuvraj Singh : ભારતીય ક્રિકેટના ઇતિહાસમાં 2007 T20 વર્લ્ડ કપની એક ઘટના આજે પણ દરેક ક્રિકેટપ્રેમી માટે ગૌરવનો વિષય છે, યુવરાજ સિંહ દ્વારા એક ઓવરમાં 6 સિક્સ. પરંતુ હવે વર્ષો બાદ યુવરાજ સિંહે એક એવો ખુલાસો કર્યો છે, જે આ ઐતિહાસિક ક્ષણને લઈને નવી ચર્ચાઓ જગાવી રહ્યો છે. શું આ સિદ્ધિ પાછળ કોઈ ખાસ પ્રેરણા અથવા ઑફર હતી? વર્ષ 2007ના T20 વર્લ્ડ કપમાં સ્ટુઅર્ટ બ્રોડની ઓવરમાં ફટકારેલા 6 છગ્ગા આજે પણ ફેન્સના મનમાં તાજા છે. પરંતુ, શું તમે જાણો છો કે, આ 6 છગ્ગા મારવા પાછળ લલિત મોદી સાથે એક ખાસ ડીલ થઈ હતી? તાજેતરમાં એક ઇન્ટરવ્યુમાં યુવરાજે આ અંગે અને મેચ પછી બ્રોડના પિતા સાથે શું વાત થઈ હતી તેનો ચોંકાવનારો ખુલાસો કર્યો છે.
લલિત મોદીની લક્ઝરી કારની ઓફર
યુવરાજ સિંહે એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું કે, પૂર્વ IPL ચેરમેન લલિત મોદીએ એક મોટી ઓફર આપી હતી. લલિત મોદીએ કહ્યું હતું કે, જો કોઈ ખેલાડી એક ઓવરમાં 6 છગ્ગા મારશે, તો તેને ફેરારી કાર ભેટમાં આપવામાં આવશે. જોકે, જ્યારે યુવરાજ સિંહે આ પરાક્રમ કરી બતાવ્યું અને પોતાની ફેરારી માંગી, ત્યારે લલિત મોદીએ વાત ફેરવતા કહ્યું કે, તેમણે પોર્શ 911 આપવાનું વચન આપ્યું હતું. અંતે, લલિત મોદીએ યુવરાજ સિંહને પોર્શ કાર ભેટમાં આપી હતી.
મેચ પછીની મજેદાર વાતચીત
યુવરાજ સિંહે મજાકિયા અંદાજમાં એ પણ જણાવ્યું કે, તેમણે લલિત મોદીને પૂછ્યું હતું કે, જો તે આગામી મેચ જીતાડશે તો શું તેને ફેરારી મળશે? જેના જવાબમાં લલિત મોદીએ સ્પષ્ટ ના પાડી દીધી હતી અને કહ્યું હતું કે, તેને ફક્ત પોર્શ કાર જ મળશે. આ કિસ્સો દર્શાવે છે કે, તે સમયે યુવરાજ સિંહનો દબદબો કેવો હતો અને મેદાનની બહાર પણ કેવી રસપ્રદ ચર્ચાઓ થતી હતી.
આ પણ ખાસ વાંચો : 6 સિક્સર ખાઈને સ્ટુઅર્ટ બ્રોડે ગુસ્સામાં કરી હતી આ હરકત! : વર્ષો બાદ યુવરાજ સિંહનો મોટો ખુલાસો
સ્ટુઅર્ટ બ્રોડના પિતાની પ્રતિક્રિયા
આ ઐતિહાસિક ઓવર પછી યુવરાજ સિંહની મુલાકાત સ્ટુઅર્ટ બ્રોડના પિતા ક્રિસ બ્રોડ સાથે થઈ હતી, જે તે મેચમાં રેફરી હતા. ક્રિસ બ્રોડે યુવરાજ સિંહને મજાકમાં કે ગંભીરતામાં કહ્યું હતું કે, "તેં મારા દીકરાની કારકિર્દી બરબાદ કરી દીધી છે!" ત્યારબાદ તેમણે સ્ટુઅર્ટ બ્રોડ માટે યુવરાજ સિંહ પાસે જર્સી પર ઓટોગ્રાફ માંગ્યો હતો. યુવરાજ સિંહે જર્સી પર લખ્યું હતું કે, તેને પણ ક્યારેક 5 છગ્ગા વાગ્યા હતા એટલે તે આ દર્દ સમજે છે, અને સ્ટુઅર્ટ એક મોટો બોલર બનશે તેવી આશા વ્યક્ત કરી હતી.
યુવરાજ સિંહની ભવિષ્યવાણી સાચી પડી
યુવરાજ સિંહની આ વાતો દર્શાવે છે કે, મેદાન પરના આક્રમક દેખાતા ખેલાડીઓ મેદાનની બહાર કેટલા સરળ અને રમુજી હોય છે. ભલે સ્ટુઅર્ટ બ્રોડે તે સમયે જર્સી કચરાપેટીમાં ફેંકી દીધી હોય, પણ આજે તે ક્રિકેટ જગતનો એક મહાન બોલર સાબિત થયો છે અને યુવરાજ સિંહની ભવિષ્યવાણી સાચી પડી છે.





